Gujarati News

Gujarati News

News of Thursday, 22nd April 2021

જસદણમાં ડો.બોઘરાએ શરૂ કરેલી કોવિદ હોસ્પિટલમાંથી ચોત્રીસ દર્દી સ્વસ્થ થયા

(ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણ તા. ૨૨:ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઇ બોઘરાએ જસદણમાં વિનામૂલ્યે શરૂ કરેલી કોવિદ હોસ્પિટલમાંથી ૩૨ દર્દી સ્વસ્થ થતા રજા આપવામાં આવી છે.

જસદણના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત ભાજપના ઉપાધ્યક્ષ ડો.ભરતભાઇ બોઘરાએ જસદણ ખાતે દેવશીભાઇ છાયાણીની હીરાની ફેકટરીમાં ઓકિસજન, દવા, સારવાર, ભોજન સહિતની તમામ વ્યવસ્થા અને સારવાર વિનામૂલ્યે આપતી કોવિદ સારવાર હોસ્પિટલ શનિવારે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટિલના હસ્તે શરૂ કરી હતી. અને શરૂ કર્યાના માત્ર એક જ કલાકમાં તમામ એકસો બેડ ભરાઈ ગયા હતા. માત્ર ચાર જ દિવસમાં આ હોસ્પિટલમાંથી ચોત્રીસ દર્દીને ઓકિસજન સહિતની સારવાર આપીને સ્વસ્થ થતા રજા આપવામાં આવી હતી. કોવિદ દર્દી નીલમબેન હિતેશભાઈ ધારૈયાએ રજા આપ્યા બાદ જણાવ્યું હતું કે મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ ઓકિસજન લેવલ ઘટવા સાથે ઘણી તકલીફ હતી. જસદણ કે રાજકોટ કોઈ પણ જગ્યાએ સરકારી કે ખાનગીમાં કયાંય પણ જગ્યા હતી નહિ ત્યારે ડો. ભરતભાઈ બોઘરાએ આ હોસ્પિટલ શરૂ કરતાં ખુબ જ સારી સારવાર મળી હતી. હું સ્વસ્થ થતા મને રજા આપવામાં આવી છે. હું ડો. ભરતભાઇ બોઘરાનો આભાર માનું છું એમ નીલમબેન ધારૈયાએ જણાવ્યું હતું. રજા આપતી સમયે ભાડલના વલ્લભભાઈ ધરમશિભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે અત્યારે પૈસા દેતા પણ કોઈ હોસ્પિટલમાં જગ્યા નથી ત્યારે ડો. બોઘરા સાહેબે આ હોસ્પિટલમાં એક નયો કાવડિયો લીધા વગર મફતમાં શ્રેષ્ઠ સારવાર આપી સ્વસ્થ કરી રજા આપવામાં આવી છે. કનેસરના દેવુબેન રવાભાઈ માલકિયા, વિંછીયા મમતાબેન કિર્તીભાઇ જસાણી, કોઠીના કંકુબેન નાનજીભાઈ બાવળીયા, વિરનગરના અંજનાબેન ભુપતભાઈ વેકરીયા, જસદણના દિલીપભાઈ નનુભાઈ રોકડ સહિતના દર્દીઓએ રજા આપતી સમયે જણાવ્યું હતુ કે ડો.ભરતભાઈ બોઘરાએ કોવિદ સારવાર માટે શરૂ કરેલી હોસ્પિટલ એ સાચી લોક સેવાના યજ્ઞ સમાન છે.

હાલમાં આ હોસ્પિટલમાં કુલ ૧૨૨ દર્દી સારવાર હેઠળ છે. અહી દાખલ કરેલા દર્દી પિયુષભાઈ મગનભાઈ રાઠોડે જણાવ્યું હતું કે ઓકિસજન ઘટી ગયા બાદ ખુબ જ પ્રયત્નો કરવા છતાં કયાંય જગ્યા મળતી નહીં પરંતુ બોઘરા સાહેબે શરૂ કરતાં મને અહી જગ્યા મળી અને હાલ હું અહી દાખલ થઈ સારવાર લઈ રહ્યો છું. અહી ડો. પંકજભાઈ કોટડીયા, ડો. કેતનભાઈ પટેલ સહિતની ટીમ ખુબજ સારી સેવા આપી રહી છે.અત્રે ઉલ્લેખનીય છે કે અહી ઓકિસજન વ્યવસ્થા વાળા પચાસ બેડ અને કોવિદ કેર માટે પચાસ બેડ છે. શરૂઆતમાં ઓકિસજનના બાટલા દરેક બેડ પાસે રાખી ઓકિસજન આપવામાં આવતું હતું. હવે દરેક બેડ સુધી ઓકિસજન લાઈન પણ ફીટ થઇ ગઇ છે.

નરેશભાઈ દરેડ, ગીરધરભાઇ ભુવા, રમેશભાઈ હીરપરા, સંજયભાઈ વીરોજા, અલ્પેશભાઈ રૂપારેલિયા, નીતિનભાઈ ચોહલિયા, જીગ્નેશભાઈ હીરપરા, રાજ રામાણી સહિતના યુવાનો જીવની પરવા કર્યા વગર સેવા આપી રહ્યા છે.

(11:37 am IST)