Gujarati News

Gujarati News

News of Monday, 22nd April 2019

માણાવદર ચૂંટણી : કોંગ્રેસનો ટેકો હોવાનો રેશ્મા પટેલનો ધડાકો

કોંગ્રેસ પાર્ટીએ રેશ્મા પટેલના દાવાને ફગાવ્યો : પોતાનું રાજકીય અસ્તિત્વ ટકાવી રાખવા રેશ્મા પટેલના પ્રયાસ

અમદાવાદ,તા. ૨૨ : લોકસભાની સાથે સાથે આવતીકાલે તા.૨૩ એપ્રિલના રોજ માણાવદર બેઠકની પેટાચૂંટણી યોજાઈ રહી છે. મતદાનના ૨૪ કલાક પણ બાકી ન રહ્યા હોવાથી હાલ ઉમેદવારો મતદારોને ગેરમાર્ગે દોરવા સહિતની અનેક પ્રયુકિતઓ અને રાજકીય કૂટનીતિ અપનાવી રહ્યા છે. માણાવદર પેટાચૂંટણીમાં ભાજપમાંથી કેબિનેટ મંત્રી જવાહર ચાવડા જ્યારે તેની સામે કોંગ્રેસમાંથી અરવિંદ લાડાણી ચૂંટણી લડી રહ્યા છે. પરંતુ આ બન્ને ઉમેદવારોની સાથે સાથે રેશ્મા પટેલે પણ એનસીપીમાં ઉમેદવારી નોંધાવી છે. જેને પગલે રેશ્માએ આજે તેને કોંગ્રેસે ટેકો આપ્યો હોવાનો દાવો કર્યો હતો. જો કે, કોંગ્રેસે રેશ્મા પટેલના આ દાવાને ફગાવ્યો હતો. કોંગ્રેસે સ્પષ્ટ કર્યું હતું કે, આ બીજું કંઇ નહી પરંતુ પોતાનું રાજકીય અસ્તિત્વ ટકાવી રાખવા રેશ્મા પટેલના દાવપેચ છે. કોંગ્રેસના પ્રવક્ત મનિષ દોશીએ જણાવ્યું હતું કે, રેશ્માનો દાવા તદ્દન પાયાવિહોણો છે. તેનું પોતાનું રાજકીય અસ્તિત્વ જોખમમાં હોવાથી પોતાનું રાજકીય અસ્તિત્વ ટકાવી રાખવા દાવપેચ કરી રહે છે. માણાવદરમાં કોંગ્રેસનો ઉમેદવાર જીતી રહ્યો છે, ત્યારે તે આ પ્રકારના હવાતિયા મારી રહયા છે. રેશ્મા પટેલે આ દાવો માણાવદરનો કોંગ્રેસના ઉમેદવાર અરવિંદ લાડાણી અને પોરબંદર લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયાનું નામ લઈને કર્યો છે. આ અંગે લલિત વસોયાએ જણાવ્યું કે અમે ટેકો આપ્યો નથી અને આપવાના પણ નથી. આમ, રેશ્મા પટેલના દાવા બાદ અને કોંગ્રેસની સ્પષ્ટતા બાદ સ્થાનિક રાજકારણ ગરમાયું છે.

 

(8:21 pm IST)