Gujarati News

Gujarati News

News of Monday, 22nd April 2019

મોરબીમાં સુખદેવ પરિવારના ૨૨ સભ્‍યો કાલે એકસાથે મતદાન કરશે

મોરબી :આવતીકાલે ગુજરાતમાં લોકશાહીના પર્વની ઉજવણી મતદારો કરશે, ત્યારે મોરબીમાં રહેતો સુખદેવ પરિવાર ગુજરાતના મતદારો માટે પ્રેરણારૂપ બની શકે તેમ છે. કેમ કે, આ પરિવારમાં કુલ મળીને ૨૨ મતદારો નોંધાયેલા છે અને આ જમ્બો પરિવાર દરેક ચૂંટણીમાં એકીસાથે જ મતદાન કરવા માટે જાય છે.

લોકસભાની ચૂંટણી માટે આવતીકાલે ગુજરાતની 26 બેઠકો માટે મતદાન થવાનું છે, ત્યારે મતદારોને જાગૃત કરવા માટે તંત્ર દ્વારા તેમજ રાજકીય પક્ષના ઉમેદવારો દ્વારા ઘણા પ્રયાસો છેલ્લા દિવસોમાં કરવામાં આવ્યા છે. જોકે, મોરબીના રવાપર રોડ પર આવેલ રામેશ્વર સોસાયટીમાં રહેતો અને કાપડ તેમજ કટલરીના વેપાર ધંધા સાથે સંકળાયેલ છતારામ સુખદેવ પરિવાર પાલિકાથી લઈને સંસદ સુધીની દરેક ચૂંટણીમાં અચૂક મતદાન કરે છે. કેમ કે લોકશાહીમાં એક મતની શું કિંમત હોય છે, તે આ પરિવારના દરેક વડીલ સમજે છે અને તેની યુવા પેઢીને પણ સમજાવે છે.

આ વિશે પરિવારના સદસ્ય કનુભાઈ સુખદેવે કહ્યું કે, ભારત-પાકિસ્તાનના જયારે ભાગલા કરવામાં આવ્યા ત્યારે અમારો સિંધી પરિવાર પાકિસ્તાનથી આવીને ભારતમાં સ્થાયી થયો હતો અને જે તે સમયે સુખદેવ પરિવાર બોટાદ પંથકમાં રહેતો હતો. જો કે, છેલ્લાં 5૦ વર્ષ કરતા વધુ સમયથી અમારો પરિવાર મોરબીમાં રહે છે. આ પરિવારમાં આજની તારીખે નાના મોટા મળીને કુલ ૩૨ સભ્યો છે, જેમાંથી 22 લોકોના નામ ભારતીય ચૂંટણી પંચની યાદીમાં નોંધાયેલા છે અને આગામી ચૂંટણીમાં આ પરિવારના કેટલાક યુવા મતદારો પ્રથમ વખત મતદાન કરવાના છે. જેથી તેઓમાં મતદાનને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

દેશના દરેક નાગરિકને 18 વર્ષની ઉંમર પછી ચૂંટણી પંચ તરફથી મતદાન કરવાનો અધિકાર આપવામાં આવે છે, જો કે, ઘણા લોકો ચુંટણીમાં મતદાન કરવા માટે જતા નથી તે પણ એક હકીકત છે. જોકે, સુખદેવ પરિવારના દરેક મતદારોને શહેરના શનાળા રોડ ઉપર આવેલ કન્યા છાત્રાલય ખાતે મતદાન કરવા માટે કમ્પલસરી જવાનું હોય છે. જેથી દર વખતે આ પરિવાર એક સાથે જ મતદાન કરવા માટે જાય છે. ત્યારે આવતીકાલે પણ આ નજારો મોરબીવાસીઓને જોવા મળશે.

પરિવારના અન્ય સદસ્ય ચેતનાબેન સુખદેવ કહે છે કે, વર્તમાન સમયમાં લોકોને સંયુક્ત કુટુંબમાં રહેવાનું અનુકુળ આવતું નથી, જેથી કરીને સંયુક્ત કુટુંબ જોવા પણ મળતા નથી. ત્યારે અમારા પરિવારમાં બધાને સાથે રહેવાનુ જ ગમે છે. આમ, મોરબીમાં વર્ષોથી રહેતો આ પરિવાર વિભક્ત પરિવાર માટે તો પ્રેરણારૂપ છે, આ ઉપરાંત લોકશાહીના પર્વની ઉજવણી નહિ કરતા મતદારો માટે પણ આગામી દિવસોમાં પ્રેરણારૂપ બને તો નવાઈ નહિ.

(4:42 pm IST)