Gujarati News

Gujarati News

News of Monday, 22nd April 2019

મોરબી-કચ્છના ૨૧૪૩ બુથોનો કબ્જો સંભાળતો પોલિંગ સ્ટાફઃ ૧૦ હજાર કર્મચારીઓ ચૂંટણી ફરજમાં

રાપર,અંજારમાં ૧ હજાર કર્મચારીઓ ભૂખ્યા રહ્યા, કલેકટરે ફેસબુક લાઈવ દ્વારા કર્મચારીઓને આપ્યું માર્ગદર્શન,ભુજમાં વોટર સ્લીપનું વિતરણ ખોરંભે

મોરબી કચ્છ લોકસભા બેઠકની ચૂંટણીને પાર પાડવા વહીવટીતંત્ર ખડે પગે તૈયાર થઈ ગયું છે. આંકડાકીય રીતે વાત કરીએ તો મોરબી કચ્છ લોકસભા બેઠકમાં ૭ વિધાનસભા બેઠકના ૧૭ લાખ મતદારો છે. તેમના મતદાન માટે કચ્છ જિલ્લામાં ૧૮૫૨ મતદાન મથકો અને મોરબી જિલ્લામાં ૨૯૧ મતદાન મથકો કુલ મળીને ૨૧૪૩ મતદાન મથકો ઉભા કરાયા છે. મતદાનની પ્રક્રીયા પાર પાડવા માટે ૧૦ હજાર કર્મચારીઓ ખડે પગે ફરજ બજાવી રહ્યા છે. મતદાન ભલે આવતી કાલે ૨૩ મી એપ્રિલના છે, પણ તમામે તમામ ૨૧૪૩ મતદાન મથકોએ પોલિંગ સ્ટાફે આજે જ એક દિવસ વહેલા પહોંચીને કબ્જો સંભાળી લીધો છે. દરમ્યાન ગઈકાલે રાત્રે કલેકટર રેમ્યા મોહને ચૂંટણી ફરજ બજાવી રહેલા તમામ કર્ણચારીઓને ફેસબુક લાઈવ દ્વારા સંબોધન કરીને લોકસભા બેઠકની ચૂંટણીને સફળતાપૂર્વક પાર પાડવા માટે માર્ગદર્શન આપ્યું હતું. મતદાન મથકોએ હાજર ગેરહાજર કર્મચારીઓ અંગે તેમ જ મતદાનની કામગીરી અંગે પોલિંગ સ્ટાફ દ્વારા ઝોનલ ઓફિસરોને તેમ જ ઝોનલ ઓફિસરો દ્વારા પ્રાંત અધિકારીઓને જરૂરી માહિતી કે રિપોર્ટ કરવા જણાવાયું છે. કચ્છમાં એસટી વિભાગની ૨૧૫ જેટલી બસો ઝોનલ રૂટ માટે તૈનાત છે. દરમ્યાન રાપર તેમ જ અંજાર વિસ્તારમાં રવિવારે ફરજ પર પહોંચી ગયેલા એક હજાર જેટલા કર્મચારીઓ સખત તાપ વચ્ચે ખાવા પીવા માટે હેરાન પરેશાન થયા હતા. વહીવટીતંત્ર દ્વારા આમ તો તમામ મતદારોને ૨૦ મી એપ્રિલ સુધી વોટર સ્લીપ દ્યેર દ્યેર પહોંચી જશે એવી જાહેરાત કરાઈ હતી. પરંતુ, ચૂંટણીના આગલા દિવસ સુધી ભુજના અનેક વિસ્તારોમાં ચૂંટણીની સ્લીપ પહોંચી નહોતી. જોકે, કોંગ્રેસ ભાજપના રાજકીય આગેવાનોએ પણ પોતાના પક્ષ વતી વહીવટીતંત્રનું ધ્યાન દોર્યા છતાં પણ વોટરસ્લીપનું વિતરણ ખોરવાયું હતું. તો, નવા ૨૩ હજાર યુવા મતદારોના ચૂંટણીકાર્ડ બની ગયા હોવા છતાંયે મતદારોને તે ન મળ્યા હોવાની ફરિયાદો પણ તંત્ર સુધી પહોંચી હતી. સામાન્ય રીતે વિધાનસભા અને લોકસભાની ચૂંટણી દરમ્યાન તંત્ર દ્વારા વખતોવખત મીડીયા સાથે બેઠકો યોજી લોકજાગૃતિ તેમ જ ચૂંટણી વ્યવસ્થા સંદર્ભે માહિતી અપાતી હોય છે. પણ, આ વખતે કચ્છના મીડીયા સાથે મર્યાદિત બેઠકો જ યોજાઈ હતી.

(11:45 am IST)