Gujarati News

Gujarati News

News of Monday, 22nd April 2019

કાલે એલાન એ જંગ : સૌરાષ્ટ્ર-કચ્છની ૮ લોકસભા, ૩ વિધાનસભા બેઠક માટે મહામુકાબલો

ભાજપ-કોંગ્રેસ સહિત ૧૩૦ ઉમેદવારો મેદાનમાં : ર૩ મેએ પરિણામ : મતદાન મથકો સહિત સંવેદનશીલ વિસ્તારોમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત

રાજકોટ, તા. રર : કાલે સવારના ૭ વાગ્યાથી લોકસભાની ચૂંટણી જંગનો મહામુકાબલો શરૂ થશે અને સાંજના ૬ વાગ્યા સુધીમાં મતદારો મતદાન અધિકારનો ઉપયોગ કરીને પોતાના પસંદગીના ઉમેદવારને ચૂંટશે. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છની ૮ લોકસભા બેઠકો અને વિધાનસભાની ૩ બેઠકો માટે એલાન એ જંગ જામશે. આ માટે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

કાલે રાજકોટ બેઠક ઉપર ભાજપના મોહનભાઇ કુંડારીયા, કોંગ્રેસના લલિતભાઇ કગથરા સહિત ૧૦ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે.

જયારે અમરેલી બેઠક ઉપર ભાજપના સાંસદ અને ઉમેદવાર નારણભાઇ કાછડીયા અને સામા પક્ષે વિધાનસભા વિરોધ પક્ષના નેતા અને અમરેલીના ધારાસભ્ય પરેશભાઇ ધાનાણી સહિત  ૧ર ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે.

સુરેન્દ્રનગર બેઠક ઉપર ભાજપના ડો. મહેન્દ્રભાઇ મુંજપરા અને કોંગ્રેસના સોમાભાઇ ગાંડાભાઇ પટેલ સહિત ૩૧ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે.

જામનગર જીલ્લામાં ભાજપના સાંસદ અને ઉમેદવાર પુનમબેન માડમ અને સામા પક્ષે કોંગ્રેસના મુળુભાઇ કંડોરિયા સહિત ર૬ ઉમેદવારો મેદાનમાં છે.

પોરબંદર બેઠક ભાજપના ઉમેદવાર રમેશભાઇ ધડુક અને ઉપલેટા ધોરાજીના કોંગ્રેસના ધારાસભ્ય લલિતભાઇ વસોયા સહિત ૧૭ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામ્યો છે.

કચ્છમાં પણ ભાજપના ઉમેદવાર વિનોદભાઇ ચાવડા અને કોંગ્રેસના નરેશભાઇ મહેશ્વરી સહિત ૧૦ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે.

જુનાગઢ જીલ્લાના ભાજપ દ્વારા સાંસદ રાજેશભાઇ ચુડાસમાને ફરીથી ટિકીટ આપવામાં આવી છે તો સામે પક્ષે કોંગ્રેસ તરફથી પૂંજાભાઇ વંશને ટિકીટ આપવામાં આવી છે અને સોરઠમાં ૧ર ઉમેદવારો મેદાનમાં છે.

ભાવનગર બેઠક ઉપર પણ ભાજપ દ્વારા સાંસદ ભારતીબેન શિયાળને રીપીટ કરવામાં આવ્યા છે તો સામે પક્ષે કોંગ્રેસ તરફથી મનહરભાઇ પટેલને ટિકીટ આપવામાં આવી છે. ગોહિલાડમાં ૧૦ ઉમેદવારો વચ્ચે જંગ જામ્યો છે.

આવી રીતે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છની ૮ બેઠકો માટે ૧૩૦ ઉમેદવારો મેદાનમાં છે જેમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે મુખ્ય જંગ જામશે.  લોકસભાની ચૂંટણીની સાથો સાથ સૌરાષ્ટ્રના ૩ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી યોજાઇ છે જેમાં જુનાગઢ જીલ્લાના માણાવદરમાં ભાજપના જવાહરભાઇ ચાવડા અને કોંગ્રેસના અરવિંદભાઇ લાડાણી વચ્ચે ચૂંટણી જંગ જામશે.

જયારે જામનગર ગ્રામ્ય બેઠક ઉપર ભાજપ તરફથી રાઘવજીભાઇ પટેલ અને સામા પક્ષે કોંગ્રેસમાંથી જયંતિભાઇ સભાયા વચ્ચે ચૂંટણી જંગ જામશે.

સુરેન્દ્રનગર જીલ્લાની ધ્રાંગધ્રા વિધાનસભા બેઠકમાં ભાજપમાંથી પરષોતમભાઇ સાબરીયા અને કોંગ્રેસમાંથી દિનેશભાઇ પટેલ ચૂંટણી લડી રહ્યા છે.

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

તા. ર૩ મેએ લોકસભા ચૂંટણીનું પરિણામ જાહેર થશે અને લોકસભા વિધાનસભા પેટાચૂંટણીમાં ચૂંટણીમાં કોણ જંગ જીતે છે તે જાહેર થઇ જશે.

કોની સામે કોણ મેદાનમાં

બેઠક

ભાજપ

કોંગ્રેસ

રાજકોટ

મોહનભાઇ કુંડારીયા

લલિતભાઇ કગથરા

ભાવનગર

ભારતીબેન શ્યાળ

મનહરભાઇ પટેલ

જુનાગઢ

 રાજેશભાઇ ચુડાસમા

પૂંજાભાઇ વંશ

જામનગર

પૂનમબેન માડમ

મુળુભાઇ કંડોરીયા

અમરેલી

નારણભાઇ કાછડીયા

પરેશભાઇ ધાનાણી

કચ્છ

વિનોદભાઇ ચાવડા

નરેશભાઇ મહેશ્વરી

સુરેન્દ્રનગર

ડો. મહેન્દ્રભાઇ મુંજપરા

સોમાભાઇ પટેલ

પોરબંદર

રમેશભાઇ ધડુક

લલિતભાઇ વસોયા

વિધાનસભામાં કોની વચ્ચે મુકાબલો

બેઠક

 ભાજપ

 કોંગ્રેસ

માણાવદર

જવાહરભાઇ ચાવડા

અરવિંદભાઇ લાડાણી

જામનગર ગ્રામ્ય

રાઘવજીભાઇ પટેલ

જયંતિભાઇ સભાયા

ધ્રાંગધ્રા

પરસોતમભાઇ સાબરીયા

દિનેશભાઇ પટેલ

(11:43 am IST)