Gujarati News

Gujarati News

News of Sunday, 22nd April 2018

નવલખી બંદરે કાર્ગોશીપમાં ગેસ ગળતર : બેના મોત થયા

મરીન પોલીસથી લઇ સુરક્ષા એજન્સીઓ દોડતી થઇ : સિંગાપોરથી થેંગ યુ આઇ નામનું કાર્ગો શીપ કોલસો ભરી મોરબી નવલખી બંદરે આવી રહ્યું હતું : બનાવથી ચકચાર

અમદાવાદ,તા. ૨૨ : મોરબીના નવલખી બંદરમાં આજે કાર્ગો શીપ નામના જહાજમાં ગેસ ગળતર થતા બે ચાઇનીઝ ક્રૂ મેમ્બર્સના મોત થતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. તો આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઇ હતી. મરીન પોલીસે ચાઇનીઝ ક્રૂ મેમ્બર્સના મૃતદેહો જામનગરની જેજી હોસ્પિટલ ખાતે ખસેડયા હતા., તો આ ગેસ ગળતરની ઘટનામાં અન્ય એક ચાઇનીઝ ક્રૂ મેમ્બરની હાલત ગંભીર હોવાથી તેને પણ સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. આ બનાવને પગલે ભારે ઉત્તેજના ફેલાઇ ગઇ હતી. જ્યારે એક ચાઇનીઝ ગંભીર છે. કાર્ગો શીપમાં ગેસ ગળતરના કારણે આ પ્રકારે વિદેશી નાગરિકોના મોતની આ પહેલી ઘટના હોવાનું મનાઇ રહ્યું છે. આ સમગ્ર ઘટનાને પગલે મરીન પોલીસથી લઇ સુરક્ષા એજન્સીઓ દોડતી થઇ હતી. ગેસ ગળતરની ઘટના બાદ જહાજને જામનગર લઇ જવામાં આવ્યું અને મરીન પોલીસે સમગ્ર મામલામાં ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. જો કે, આ ઘટનાને પગલે જબરદસ્ત ચકચાર મચી ગઇ હતી. જેજી હોસ્પિટલમાં પણ અન્ય ચાઇનીઝ ક્રૂ મેમ્બર્સ દાખલ કરાયેલા તેમના સાથીની હાલત વિશે ચિંતિત જણાતા હતા, જયાં સ્થાનિક હોસ્પિટલ સત્તાવાળાઓ અને સ્ટાફ દ્વારા તેમના પરત્વે ભારે સંવેદનાપૂર્ણ વ્યવહાર કરવામાં આવ્યો હતો. આ અંગે પ્રાપ્ત વિગત મુજબ સીંગાપોરથી થેંગ યુ આઇ નામનું કાર્ગો શીપ કોલસો ભરીને મોરબીના નવલખી બંદરે આવી રહ્યું હતું ત્યારે નવલખી બંદર પાસે ગેસ ગળતરની ઘટના બની હતી. શીપમાં ચીનના કુલ ૨૧ ક્રૂ મેમ્બર હતા. ગેસ ગળતરથી બે ચાઇનીઝ ક્રૂ ઝેંગ યુ આઇ (ઉ.૫૫) અને ડોન્ક યુ (ઉ.૩૬) મેમ્બરના મોત થયા હતા. જ્યારે સનડોનને તબિયત પણ ગંભીર રીતે લથડી હતી. આ શીપ જામનગર પહોંચ્યું હતું અને મરીન પોલીસને ઘટનાની જાણ થતાં તે તરત જ ત્યાં દોડી આવી હતી. પોલીસે બન્ને ચાઇનીઝ ક્રૂ મેમ્બર્સના મૃતદેહઅને ગંભીર વ્યક્તિને જેજી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. આ લોકોની કચ્છમાં સ્કોર્પિયો શીપીંગ નામની પેઢી છે જેના એજન્ટ ગાંધીધામના વિજય વેંકેટેશ્વર રાવ હોવાનું જાણવા મળ્યું છે. મરીન પોલીસે સમગ્ર મામલામાં વધુ તપાસ હાથ ધરી છે.

(10:45 pm IST)