Gujarati News

Gujarati News

News of Friday, 22nd March 2019

કાલે ગોંડલની એશીયાટીક કોલેજમાં સન્ની દેઓલ, નિવૃત મેજર જનરલ જી.ડી. બક્ષી, કર્નલ ગોપાલસિંગની ઉપસ્થિતિમાં શહિદોને શ્રધ્ધાંજલિ અપાશે

ગોંડલ, તા. ૨૨ :. ગોંડલમાં આવેલ એશીયાટીક એન્જીનીયરીંગ કોલેજ ખાતે શહિદોને શ્રધ્ધાંજલિ આપવા 'આપ કે હવાલે વતન સાથીઓ...'ના નામથી એક ભવ્યાતિભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. પુરા દેશમાં નિવૃત સૈનિકો માટે કાર્યરત સંસ્થા વેટરન્સ ઈન્ડીયા ઓર્ગેનાઈઝેશનના સહયોગથી દેશમાં રાષ્ટ્રવાદનું નિર્માણ કરવા આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે.

ભારતના નિવૃત મેજર જનરલ જી.ડી. બક્ષી કે જેઓની રક્ષા વિશેષજ્ઞ તરીકે દેશભરમાં મોટી પહેચાન છે. તેઓ આ કાર્યક્રમમાં ભાગ લેવા ખાસ આવી રહ્યા છે. તેમજ બોર્ડર અને ગદર ફિલ્મથી સમગ્ર દેશના નવયુવાનોમાં રાષ્ટ્રભકિતનું સિંચન કરનાર અભિનેતા સન્ની દેઓલ પણ આ કાર્યક્રમમાં હાજરી આપવા ગોંડલ આવી રહ્યા છે. સફળ બનાવવા માટે એશીયાટીક કોલેજમાં ૨૦ હજાર લોકો બેસી શકે તેવો વિશાળ સમિયાણો તૈયાર કરવામાં આવ્યો છે. કાર્યક્રમમાં વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશનના પ્રેરણાસ્ત્રોત આચાર્ય વ્રજકુમારજી મહોદય તથા ગોંડલ સ્વામીનારાયણ મંદિરના આરૂણી ભગત આશિર્વચન આપવા પધારી રહ્યા છે.

ઉપરાંત વેટરન્સ ઈન્ડીયાના રાષ્ટ્રીય અધ્યક્ષ બી.કે. મિશ્રા, નેશનલ સેક્રેટરી કર્નલ ગોપાલસિંગ, નેશનલ વાઈસ પ્રેસિડન્ટ ડો. એમ.બી. ચૌહાણ, મનોજ ત્રિપાઠી, ગોંડલના ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજા, પૂર્વ ધારાસભ્યત જયરાજસિંહ જાડેજા, પ્રાંત અધિકારી રાજેન્દ્રસિંહ રાયજાદા, જીલ્લા વિકાસ અધિકારી ધર્મરાજસિંહ વાઘેલા, સુદર્શન આશ્રમના માતાજી શુભાત્માનંદ સરસ્વતી, અગ્રણી અને ઉદ્યોગપતિ રમેશભાઈ ધડુક, ગોપાલભાઈ શિંગાળા, શિક્ષણ અધિકારી આર. એસ. ઉપાધ્યાય સહિતના મહાનુભાવો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે. કાર્યક્રમનું સ્થળ એશીયાટીક એન્જીનીયરીંગ કોલેજ જામવાડી નેશનલ હાઈ-વે ગોંડલ પર છે. કાર્યક્રમના આયોજનમાં સંયોજક તરીકે ગોપાલભાઈ ભુવા, પ્રફુલભાઈ ટોળીયા, અશોકભાઈ પીપળીયા, અલ્પેશભાઈ ઢોલરીયા, જયંતિભાઈ વઘાસીયા, સુનીલભાઈ બરોચીયા જહેમત ઉઠાવી રહ્યા છે, ત્યારે તા. ૨૩ને શનિવારે સવારે ૯ કલાકે દેશભકિતના આપ ભવ્યાતિભવ્ય કાર્યક્રમમાં તમામ દેશપ્રેમી નાગરિકોને ઉપસ્થિત રહેવા આયોજક ગોપાલભાઈ ભુવા દ્વારા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે

(12:09 pm IST)