Gujarati News

Gujarati News

News of Friday, 22nd March 2019

ધોરાજીના ભૂતવડમાં દંપતીઓ માટે માર્ગદર્શન સેમીનાર

 ધોરાજી : ચિલ્ડ્રન્સ યુનિ. ગાંધીનગર (ગુજરાત રાજય સરકાર દ્વારા સ્થાપિત) તથા વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન સ્વ.રતિલાલ વઘાસિયા સ્મારક ટ્રસ્ટ સંચાલીત તપોવન સંશોધન કેન્દ્ર તથા ભારત વિકાસ પરિષદ દ્વારા ભૂતવડમાં સંતાન ઇચ્છુક (પ્રિપ્લાનીંગ) દંપતી માર્ગદર્શન સેમીનાર યોજાયો હતો. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય માતાપિતા બનતા પુર્વ તેના દિવ્ય સંતાનની પ્રાપ્તી માટે શું કરી શકાય તે અંગે જાગૃતિ લાવવાનો હતો. દિપ પ્રાગટય વંદના બાદ તપોવન સંશોધન કેન્દ્રના સંયોજિકા અલ્પાબેન લાડાણીએ સ્વાગત પ્રવચન કર્યુ. ત્યારબાદ સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી રણછોડભાઇ વઘાસિયાએ સંસ્થા પરિચયમાં સંસ્થાની વિકાસયાત્રા અને ઉદ્દેશ્ય કહ્યો. કાર્યક્રમની પ્રસ્તાવનામાં ગાયત્રીબહેને આ સેમીનાર પાછળનો મુખ્ય હેતુ સમજાવ્યો હતો. આ સેમીનારમાં તજજ્ઞ તરીકે દિવ્યાંશુભાઇ દવે, ભરતભાઇ ધોકાઇ, ભારતીબેન ધોકાઇ, કરિશ્માબેન નારવાણીએ વિષયો સમજાવ્યા હતા. દિવ્યાંશુભાઇ દવેએ ૩ સત્રમાં શ્રેષ્ઠ સંતાન પ્રાપ્તી શારીરીક, સાંસ્કૃતિક, આધ્યાત્મિક, પરિપ્રેક્ષ્યમાં આ વિષય ખૂબ ગહનતાથી અને તાર્કિક રીતે સમજાવ્યો હતો. તેઓશ્રીએ પ્રથમ સત્ર લગ્ન સંસ્કારનું મહત્વ અને શ્રેષ્ઠ સંતાન માટે ચિંતન ચારિત્ર્યની વ્યવહારની ઉત્કૃષ્ટતા પર ભાર મુકયો હતો. શ્રી કરિશ્મા બહેન નારવાણીએ ગર્ભ સંસ્કાર પ્રક્રિયા અને તેના પરિણામ આ વિષય પર આયુર્વેદના સંદર્ભમાં ખૂબ ઉંડાણપુર્વક સમજાવ્યો હતો. ભારતીબહેન ધોકાઇએ વિદ્યાભારતી દ્વારા ચાલતા પ્રકલ્પ શ્રેષ્ઠ જનન સમર્થ ભારતનો વિસ્તૃત પરિચય આપ્યો હતો. ભરતભાઇ ધોકાઇએ અંતિમસત્રમાં પ્રશ્નોતરીના ઉતર આપ્યા હતા. આભારદર્શન શામજીભાઇ ચૌહાણ (બીએડ અધ્યાપકે) કર્યુ હતુ. કાર્યક્રમમાં ૭૫ દંપતી ૫૦ ભારત વિકાસ પરિષદના પ્રમુખ કાર્યકર્તાઓ ૫૦ આમંત્રીત મહેમાનો કુલ ૨૫૦ લોકો સહભાગી થયા હતા. કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ શામજીભાઇ વૈષ્ણવ ભારત વિકાસ પરિષદ ધીરેનભાઇ વૈષ્ણવ, પ્રફુલભાઇ ગોસ્વામી, ભાજપ જિલ્લા ઉપાધ્યક્ષ મુકતાબેન વઘાસિયા, નિવૃત આચાર્ય ગોવિંદભાઇ કાપડીયા, ચંદુભાઇ ચોવટીયા તથા હિતેશભાઇ પારેખ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા ભારત વિકાસ પરિષદના કાર્યકર્તા પિયુષભાઇ બાબરીયા તથા જયોતીબેન બાબરીયા તથા સરસ્વતી વિદ્યાપીઠના કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અંજનાબેન વઘાસિયાએ કર્યુ હતુ. સેમીનાર યોજાયો તે તસ્વીર.

(11:55 am IST)