Gujarati News

Gujarati News

News of Thursday, 22nd March 2018

કાયદાની 'અમલવારી' કયારે ?...જામનગરની પાંચ શાળા દ્વારા વધુ ફી ઉઘરાવવા વાલીઓની સતામણી

વીરબાઈ જલીયાણ વાલી મંડળે કરી શિક્ષણ સચિવને રજૂઆતઃ સત્વરે યોગ્ય પગલા ભરવા માંગણી

શિક્ષણ સચિવને ઉદ્દેશી સ્થાનિક કક્ષાએ સબંધીત અધિકારી સમક્ષ ફી વધારા મામલે રજુઆત કરતા વિરબાઈ જલીયાણ વાલીમંડળના પ્રમુખ કિશોરભાઈ મજીઠીયા સહિતના દર્શાય છે (તસ્વીર-અહેવાલઃ મુકુંદ બદિયાણી-જામનગર)

જામનગર, તા. ૨૨ :. અહીંની પાંચ શાળા દ્વારા સરકારના કાયદા સામે બાયો ચડાવી વધુ ફી ઉઘરાવવા મુદ્દે વાલીઓને સતામણી થઈ રહી હોવાથી વીરબાઈ જલીયાણ વાલીમંડળ દ્વારા શિક્ષણ સચિવ-ગાંધીનગરને રજૂઆત કરાઈ છે.

જેમા જણાવાયુ છે કે, સરકાર દ્વારા કટઓફ ફી અનુક્રમે ૧૫૦૦૦, ૨૫૦૦૦, ૩૦૦૦૦ જાહેર કરેલ છે, પરંતુ જામનગરની સેન્ટ ઝેવિયર્સ, સેન્ટ આન્સ, સેન્ટ ફ્રાન્સીસ, નંદ વિદ્યા નિકેતન અને સત્ય સાઈ વિદ્યાલય સહિતની સ્કૂલો દ્વારા સરકારી કાયદાનો અમલ કરવાને બદલે વાલીઓને માનસિક ત્રાસ આપી ફરજીયાત વધુ ફી ભરવા સતામણી કરાય છે.

શાળામાં વાલીમંડળની રચના કરી નથી. નિયમો મુજબ ખાનગી શાળાએ ફી વધારો કરતા પહેલા વાલીઓની જનરલ મીટીંગ બોલાવી હિસાબો રજૂ કરવાના હોય છે, જનરલ વાલી મીટીંગમાં ફી વધારો મંજુર થાય તો જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીએ મંજુર કરાવી ત્યાર બાદ વાલીઓ પાસેથી ફી વધારો વસુલી શકાય, પરંતુ પાંચેય શાળા દ્વારા અંદાજે ૧૦ વર્ષમાં વાલીઓની જનરલ મીટીંગ બોલાવાઈ નથી અને અવારનવાર વાલીઓની પૂર્વ મંજુરી વગર જંગી રકમનો ફી વધારો કરી દેવાયો છે !!

વધુમાં એવુ પણ રોષભેર ઉમેર્યુ છે કે દર વર્ષે ચોક્કસ વેપારીઓ પાસેથી પાઠય પુસ્તકો, સ્કૂલ બુકો લેવાનો આગ્રહ રાખવા સાથે જ સ્કૂલો દ્વારા પોતાની છાપેલી બુકો ફરજીયાત ખરીદવાનું દબાણ પણ થઈ રહ્યું છે. એવી જ રીતે બાળકોને બેસવા માટેની વ્યવસ્થા ટુંકી છે. એક વર્ગમાં અંદાજે ૬૦-૭૦ બાળકો બેસાડાય છે... આ મામલે સત્વરે યોગ્ય કરી કાયદાનુ ઉલ્લંઘન કરનાર શાળાઓમાં તટસ્થ તપાસ સાથે જ કાયદાકીય પગલા ભરવામાં આવે તેવી સૌ વાલીઓની લાગણી-માંગણી છે.

(3:58 pm IST)