Gujarati News

Gujarati News

News of Thursday, 22nd March 2018

સંસદમાં સરકારની વાહવાહ કરતા પ્રશ્નોને રાજેશભાઈ, નાળિયેર સંશોધન કેન્દ્રનો પ્રશ્ન ઉઠાવો : કાનાભાઈ

કવેશ્વન અવરમાં સૌર ઉર્જાનો પ્રશ્ન ઉઠાવ્યો અને ઉર્જામંત્રીએ ખુશી ખુશી ૨૦૧૪થી અત્યાર સુધીની ઉપલબ્ધિ વર્ણવી!!: માંગરોળમાં હજારો ટન ત્રોફા - નાળિયેરનો પાક લેવાય છે : નાળિયેરના બગીચા ધરાવતા ખેડૂત હિતમાં પ્રશ્નો ઉઠાવો : ઓલ ઈન્ડિયા કોકોનેટ ડેવ. બોર્ડનું એકમ સૌરાષ્ટ્રમાં કયારે? તીર્થધામોની જોડતી કોસ્ટલ રેલ્વે લાઈનની મંજૂર થયેલ ફાઈલ કયાં ગઈ? એના ઉપરની ધૂળ ખંખેરો : ભાજપ સાંસદને ધારાશાસ્ત્રીની અપીલ

માંગરોળ : જૂનાગઢ જિલ્લાના સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમાએ હાલ ચાલી રહેલી સંસદમાં સૌર ઉર્જા પરિયોજના વિશે માહિતી માગતા સરકારે આ યોજના અંતર્ગત કોઈ આંતરરાષ્ટ્રીય મદદ સ્વીકારી છે? તેવો પ્રશ્ન કરેલ. તેના જવાબમાં રાજયમંત્રી પિયુષ ગોયલે ખુશખબરી સાથે ૨૦૧૪થી અત્યાર સુધી સરકારની ઉપલબ્ધિનો સૌર ઉર્જાનો રિપોર્ટ આપ્યો હતો.

આ બાબતે માંગરોળના જાણીતા એડવોકેટ અને રબારી સમાજના અગ્રણી કાનાભાઈ ચાવડાએ સાંસદ રાજેશ ચુડાસમાની કામગીરી સામે અસંતોષ વ્યકત કરતા જણાવ્યુ કે આવા પ્રશ્નો દ્વારા સરકારની વાહવાહ કરવા કરવામાં આવે છે. આ રીતે ચતુરાઈપૂર્વક પ્રશ્નકાળનો ઉપયોગ કરવાની ભાજપ અને મોદી સરકારની જૂની રણનીતિ છે. જેના ભાગરૂપે સરકાર દ્વારા પક્ષના સાંસદોને પહેલાથી આવા તૈયાર પ્રશ્નો પકડાવી પાર્લામેન્ટમાં પૂછાવવામાં આવે છે અને પછી મંત્રીઓ પાસે સરકારની ઉપલબ્ધિ રૂપે તેના જવાબો અપાવી સરકારની વાહવાહ કરાવવામાં આવે છે. સાંસદ શ્રી રાજેશ ચુડાસમાએ સરકારનું વાજીંત્ર બની આ પ્રશ્ન પૂછેલ હોવાનું પ્રશ્નની ભાષા જોતા પહેલી નજરે જ ખુલ્લુ પડી જાય છે.

સાંસદ ચુડાસમા જો ખરેખર આ વિસ્તારમાં વિકાસ ઈચ્છતા હોય તો તેમણે અહીંના લોકોના હિતમાં સદનમાં પ્રશ્નો ઉઠાવવા જોઈએ.

ઓલ ઈન્ડિયા કોકોનેટ ડેવલપમેન્ટ બોર્ડનું એક એકમ સૌરાષ્ટ્રમાં શરૂ કરવા સરકારે જાહેરાત કરી હતી અને તેનું હેડકવાર્ટર પણ જૂનાગઢ જીલ્લાના માંગરોળમાં શરૂ કરવા નિર્ણય થયેલો હતો. આ માટે શારદાગ્રામ સંસ્થાની કેટલીક જમીન પણ એલોટ કરવા કલેકટરે હુકમ પણ કરી દીધેલ હતો. પરંતુ આ પ્રોજેકટ અટકી જવા પામેલ છે. તેને ગતિ મળે તે માટે પોતાના મતવિસ્તારના નાળીયેરના બગીચાઓ ધરાવતા ખેડૂતોના હિતમાં આ પ્રોજેકટનો લગતો પ્રશ્ન ઉઠાવ્યો હોત તો તેમના મત વિસ્તારના લોકોને લાભ થાત.

તેમજ સોમનાથથી દ્વારકા સુધી બે તીર્થધામોને જોડતી કોસ્ટલરેલ્વે લાઈન નાખવાની લાલુપ્રસાદ યાદવ રેલ્વેમંત્રી હતા ત્યારે તેમણે જાહેરાત કરેલી યોજના જેની ફાઈલ અભરાઈએ ચડાવી દેવાયેલ છે તે બાબતે પ્રશ્ન પૂછયો હોત તો આ ફાઈલ ઉપર ચડેલી ધુળ ખંખેરી અભરાઈ ઉપરથી ઉતારી આગળ વધી હોત. પણ ખાટલે મોટી ખોડ કે આપણા સાંસદ પાસે આવી નજર નથી. મે - ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીને હજુ ૧૩ મહિના બાકી છે ત્યારે પોતાની ટર્મ પૂરી થાય તે પહેલા આવી સેવા કરી પ્રજાને નવી સુવિધાઓ ન અપાવી શકે તો કાંઈ નહીં પણ મંજૂર થયેલ યોજનાઓનો લાભ અપાવી શકે તો ઘણુ છે. વકીલ કાનાભાઈ ચાવડાએ સોશિયલ મીડીયાના માધ્યમથી આવી અનેક માંગ સાંસદ રાજેશ ચુડાસમા સમક્ષ કરી છે.

અત્રે એ જણાવીએ કે માંગરોળની ૩૫ કિ.મી. લાંબી દરીયાઈ પટ્ટી પર પથરાયેલા માંગરોળમાં કિનારાથી ૧૫ કિ.મી સુધીના વિસ્તારમાં ખેડૂતો પુષ્કળ પ્રમાણમાં નાળીયેરીનું વાવેતર કરે છે. અહીંની જમીન, આબોહવા વગેરે ભૌતિક તેમજ બજાર સહિતની અનુ કૂળતાઓ અહીં ઉપલબ્ધ છે. નર્સરીરૂપે નાળીયેરીના રોપાઓમાં સંશોધન કરી વાનફર, બોના, લોટણ જેવી અનેક જાતિના રોપાઓ બનાવવા અહીંના ખેડૂતોને મહારત છે. માંગરોળમાંથી હજારો ટનના હિસાબે ત્રોફા અને નાળીયેરનું ઉત્પાદન થાય છે. માંગરોળના ત્રોફા અને નાળીયેરનો હલવો દેશભરમાં પ્રચલિત છે. માંગરોળ લઘુમતી સમાજે કોકોનેટ રીસર્ચ સેન્ટર માંગરોળ ખાતે શરૂ કરવા ઓકટોબર ૨૦૧૫માં રાજયમંત્રી મોહનભાઈ કુંડારીયાને રજૂઆત કરી હતી. આ તમામ બાબતોને ધ્યાને લઈ સરકારે માંગરોળ શારદાગ્રામ ખાતે રીસર્ચ સેન્ટર શરૂ કરવા મંજૂરી પણ આપી હતી.

(11:54 am IST)