Gujarati News

Gujarati News

News of Thursday, 22nd March 2018

MCX પર વિશ્વભરમાં સહુ પ્રથમ બ્રાસનો 'વાયદો' લોન્ચ કરાયો

જામનગર મુખ્ય ડિલિવરી કેન્દ્રઃ ૨૬ માર્ચથી ટ્રેડિંગ માટે ઉપલબ્ધ થશેઃ જામનગરમાં નાના-મોટા ૫૦૦૦ એકમોઃ અનેક પ્રોડકટનું ઉત્પાદન

રાજકોટ, તા. ૨૨ :. વિશ્વમાં સૌ પ્રથમવાર 'એમસીએકસ' પર બ્રાસના વાયદાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. બુધવારે જામનગરથી સેબીના ઈડી એસ.કે. મોહન્તીએ વાયદાનો પ્રારંભ કર્યો હતો. નોન-ફેરસ મેટલ સેગમેન્ટમાં આ પ્રથમ ફરજીયાત ડિલીવરી વિકલ્પ સાથેનો બ્રાસ વાયદો ૨૬ માર્ચથી એમસીએકસ પર ટ્રેડિંગ માટે ઉપલબ્ધ બનશે. વાયદાની મુખ્ય ડિલીવરી કેન્દ્ર જામનગર રહેશે.

એમસીએકસના એમડી અને સીઈઓ મૃગાંક પરાંજપેએ જણાવ્યું હતુ કે, 'બ્રાસના ભાવ માટે કોઈ આંતરરાષ્ટ્રીય કે ઘરેલુ માપદંડ ઉપલબ્ધ નથી, જેનો ઉદ્યોગ ઉપયોગ કરી શકે, પ્રાઈમરી ધાતુના ભાવમાં અસ્થિરતા રહેતી હોવાથી અને સ્ક્રેપ તેનું પોતાનુ પુરવઠા પરિમાણ ધરાવતુ હોવાથી, ઉદ્યોગને બાવ વધઘટનું જોખમ સતત રહ્યા કરે છે. તેની અમારા મતે એકસ્ચેન્જ તેમાં ઝંપલાવી શકે છે અને ભાવ શોધ માટેનું પ્લેટફોર્મ પુરૂ પાડી શકે છે. આ ઉપરાંત એકસ્ચેન્જ પોતાના પ્લેટફોર્મ પર બ્રાસ ઉદ્યોગને હેજિંગની સુવિધા પણ પુરી પાડી શકે છે. અગાઉ પણ એમસીએકસ પર અનેક કોમોડિટીમાં પ્રથમવાર વાયદો શરૂ કરવામાં આવ્યો હતો. બ્રાસનો વાયદો માત્ર ભારત જ નહીં, આંતરરાષ્ટ્રીય બજારમાં પણ તે સૌ પ્રથમ હશે.'

પરાંજપેએ બ્રાસના વાયદા માટે મૂળ કેન્દ્ર તરીકે જામનગરને પસંદ કરવા પાછળનું કારણ આપતા જણાવ્યું કે, 'જામનગરમાં એસએમઈ અને એમએસએમઈ સેગમેન્ટમાં ૫૦૦૦ જેટલા નાના-મોટા એકમો છે જે વિવિધ બ્રાસ પ્રોડકટોના ઉત્પાદન સાથે સંકળાયેલા છે. સેનિટરી ફિટિંગ્સથી લઈને હાર્ડવેર, તેમજ ઓટો કોમ્પોનન્ટથી લઈને ઈલેકટ્રીકલ ફિટિંગ્સ સુધીની પ્રોડકટ જામનગરમાં બને છે. આ શહેર સ્ક્રેપમાંથી ૪૦૦થી ૬૦૦ મેટનની પ્રોસેસ કરે છે. યુરોપ, અમેરિકા અને મિડલ ઈસ્ટ જેવા દેશોમાં નિકાસ વધતી જાય છે, તેથી જામનગર એ ખરેખર સફળ સ્થાન છે જે સ્પષ્ટ રીતે રિસાઈકિલંગ ઉદ્યોગમાં દરેક વસ્તુ યોગ્ય રીતે કરે છે. તે ઘરેલુ બજારમાં ૯૦ ટકા કરતા વધુ હિસ્સો ધરાવે છે અને અત્યંત સ્પર્ધાત્મક ભાવ આ શહેરને વિશાળ ખર્ચલાભ અપાવે છે. આમ તમામ સિદ્ધિઓ હોવા છતાં, અત્યાર સુધી ડિલીવરી મારફત પતાવટ ધરાવતા સ્ટાન્ડર્ડ ફાઈનાન્શિયલ હેજ ઈન્સ્ટ્રુમેન્ટનો કોી લાભ ઉઠાવી શકતુ નહીં હોવાને કારણે જામનગર અત્યાર સુધી પડદા પાછળ રહ્યુ છે અને તેથી આ શહેરને બેઝ રાખવાનું પસંદ કર્યુ છે.' તેમણે વધુમાં કહ્યુ હતુ કે, 'અમારો પ્રાથમિક પ્રયત્ન આ બજારને વધુ સંગઠીત અને તંદુરસ્ત ભાવશોધ પ્લેટફોર્મ પુરૂ પાડવાનો છે, જેથી તેઓ એમસીએકસ બ્રાસ વાયદા કોન્ટ્રાકટનો ઉપયોગ કરીને તેમના ભાવ જોખમ સાથે રક્ષણ પુરૂ પાડી શકે. આ કાર્ય ઘણું વિશાળ છે પરંતુ અમને આત્મવિશ્વાસ છે કે અમે સમય જતા તેને હાંસલ કરી લઈશું. તે સિવાય અમારો કોન્ટ્રાકટ એક તો ડિલિવરી આધારિત રહેશે અને એકસ્ચેન્જો પર ડિલીવરી માટેના એક વૈકલ્પીક સ્ત્રોત રહેશે નહીં. એકસ્ચેન્જ બ્રાસ ઉદ્યોગને તેમની પ્રોડકટ ડિલીવર કરવા કે મેળવવા માટે પ્લેટફોર્મ પુરૂ પાડશે કેમ કે તે કોન્ટ્રાકટમાં અપાયેલી ગુણવત્તાના ધારાધોરણોની ખાતરી આપે છે.'

(11:44 am IST)