Gujarati News

Gujarati News

News of Thursday, 22nd March 2018

કામના ભારણને લઇ પોલીસ સ્ટાફ પોતાના શરીરનું ધ્યાન રાખી શકતા નથીઃ એસ.પી. હિતેશ જોયસર

વેરાવળમાં પોલીસ કર્મચારીઓ માટે આરોગ્ય તપાસણી કેમ્પ સંપન્ન

વેરાવળ તા.ર૧: સુરક્ષા સેતુ સોસાયટી અને ગીર-સોમનાથ જિલ્લા પોલીસ દ્વારા પાટણ દરવાજા પાસે, પોલીસ લાઇન વેરાવળ ખાતે બોડી હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો. જેમાં પોલીસ પરિવાર, જી.આર.ડી., એસ.આર.ડી. તેમજ દરિયાકાંઠા આજુબાજુ વિસ્તારનાં જરૂરીયાતમંદ રપ૦ લોકોએ આ કેમ્પનો લાભ લીધો હતો.

જિલ્લા પોલીસ વડા હિતેષ જોયસરે આ કેમ્પને ખુલ્લો મુકી કહ્યું કે કામના ભારણને લીધે પોલીસ કર્મીઓ પોતાના શરીર પ્રત્યે ધ્યાન આપી શકતા નથી. જેથી પોતાના શરીરમાં રહેલી ઉણપને ઓળખવા તેમજ તેમના પરિવારજનોનો સ્વાસ્થ્ય પ્રત્યે સચેત રહે અને ફીટનેશ જાળવી શકે તેના માર્ગદર્શન માટે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તેમણે પોલીસ કર્મીઓને પોતાની ફીટનેશ જાળવવા આ કેમ્પનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.

ઉકત પ્રસંગે ડો. કેતન દવેએ ઉપસ્થિત પોલીસ કર્મીઓને જણાવ્યું હતું કે ડાયાબીટીસ હાઇકોલેસ્ટેરોલ કોનીક બ્યુકેમીયા તેમજ કીડની ફેઇલ્યર જેવા અનેક રોગો કોઇપણ ચિન્હ દર્શાવ્યા વગર આપણા શરીરમાં પ્રવેશી શકે છે.

આ કેમ્પમાં વી કેર પેથોલોજી લેબનાં ડો. કેતન દવે, ડો.સ્મીધ જાની અને પુજાબેન પ્રજાપતિ દ્વારા લીપીડ પ્રોફાઇલ ટેસ્ટ, સી.બી.સી., થાઇરોડ અને હાડકાની ઉણપ માટે બોન મીનરલ, યુરીન રૂટીન, લીવર અને ડાયાબિટીશ માટેના ટેસ્ટ કરી યોગ્ય નિદાન તથા સારવાર માટે માર્ગદર્શન અપાયું હતું. આ કેમ્પમાં એસીપી શ્રી પ્રવિણકુમાર, નાયબ પોલીસ અધિક્ષક પ્રમોદ વળવી, જે. બી. ચાવડા ઉપસ્થિત રહ્યા હતા. આ કેમ્પને સફળ બનાવવા એલ.સી.બી. પી.આઇ. કોળી, એસ.ઓ.જી. પી.એસ.આઇજયધોળા  સુત્રાપાડા  પી.એસ.આઇ. શ્રી પંડયા પ્રભાસ પાટણ પીએસઆઇ એસ આઇ મંધરા વિ. કાર્યરત રહેલ મરીન પોલીસ અને સ્થાનિક પોલીસે પણ ચકાસણી કરાવેલ.

(11:39 am IST)