Gujarati News

Gujarati News

News of Monday, 22nd February 2021

ખંભાળીયાનાં કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમે નિવેદન બાદ દિલગીરી દર્શાવી

રાજકોટ, તા. રર :  દેવભૂમિ દ્વારકા જીલ્લાના કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમભાઇ માડમે ચોક્કસ ધર્મના લોકોની જાહેર સભામાં ''લવજેહાદ'' મુદ્દે નિવેદન આપતા તેની સામે ભારે વિરોધ થયા બાદ અને કચ્છ સહિત અનેક જગ્યાએથી ફોનનો મારો ચાલુ થતા વિડીઓ સંદેશ દ્વારા દિલગીરી દર્શાવી છે. વિક્રમભાઇ માડમે વિડીયો સંદેશ દ્વારા દિલગીરી દર્શાવી છે.

જામખંભાળીયાના ધારાસભ્ય વિક્રમભભાઇ માડમે ચૂંટણી પ્રચાર દરમિયાન મુસ્લિમ સમાજના સભ્યોને  સંબોધતા કહ્યું હતું કે, દીકરી ૧૮ વર્ષની હોય અને પોતાની મરજીથી લગ્ન કરતી હોય તો એમાં કોઇ કાંઇ કરી શકે નહીં. પોતાની આ વાતના સમર્થન માટે તેમણે એક ગામનો દાખલો આપ્યો હતો. તેમનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાની સાથે જ આહિર સમાજમાં ખળભળાટ મચી ગયેલ. કચ્છ સહિત વિવિધ વિસ્તારોમાંથી તેમના પર ફોન શરૂ થઇ ગયા હતા. આ મામલે વિક્રમભાઇ પાસે ટેલીફોનિક રોષ ઠાલવતા ઓડિયો પણ વાયરલ થયો હતો.

આ મામલે વિક્રમભાઇએ સાંજે હિન્દુ સમાજ અને આહિર સમાજની લાગણી દુભાઇ હોય તો એ અંગે દિલીગીરી વ્યકત કરતો પોતાનો વીડિયો રીલીઝ કર્યો હતો. જેમાં તેમણે કહ્યું હતું કે, એક નાગરિકના સવાલના જવાબમાં દેશના કાયદા વિશે જણાવવા હું એ બોલ્યો હતો. બાકી આહિર સમાજ કે હિન્દુ સમાજની લાગણી દુભાવવાનો મારો કોઇ ઇરાદ નહોતો. આમ છતાં કોઇની લાગણી દુુભાઇ હોય તો હું દિલગીરી વ્યકત કરૂ છું.

(1:28 pm IST)