Gujarati News

Gujarati News

News of Saturday, 22nd February 2020

મહાશિવરાત્રી મેળો ૧૦ લાખ ભાવિકોએ માણ્યો : મૃગી કુંડમાં શાહી સ્નાન

આ વખતે પ્રથમ વખત રવેડીમાં કિન્નર અખાડો પણ જોડાયો : પાંચ દિવસીય મેળો સંપન્ન

જૂનાગઢ તા. ૨૨ : જૂનાગઢમાં મહાશિવરાત્રી નિમિતે પાંચ દિવસીય મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પાંચ દિવસ દરમિયાન ૧૦ લાખ ભાવિકોએ મેળો માણ્યો હતો.

ગઇકાલે રાત્રીના દિગમ્બર સાધુઓની રવેડી નીકળી હતી. જેમાં આ વખતે પ્રથમ વખતે રવેડીમાં કિન્નર અખાડાના મહામંડલેશ્વર લક્ષ્મીનારાયણ ત્રિપાઠી સહિતના જોડાયા હતા.

ગીરીવર ગિરનારની ગોદમાં લાખો શ્રધ્ધાળુ-ભાવિકો હર હર મહાદેવના નાદ સાથે  શિવમય થઇ દિગમ્બર સાધુઓની રવેડીના દર્શનનો લાભ લીધો હતો. રવેડી સાથે દિગમ્બર સાધુઓએ તલવારબાજી, લાઠી દાવ તેમજ અંગ કસરતના વિવિધ દાવ સાથે ભાવિકજનોને ભકિતમાં રસ તરબોળ કર્યા હતા. દિગમ્બર સાધુઓની રવેડી, ભવનાથ મંદિરે મૃગી કુંડમાં શાહી સ્નાન અને ભવનાથ મંદિરે મહા આરતી સાથે મહા શિવરાત્રીનો પાંચ દિવસીય મેળાનું સમાપન થયુ હતુ.   

ભાવિકજનો સાથે કૃષિ મંત્રી આર.સી.ફળદુ, પાણી પુરવઠા મંત્રી કુવરજીભાઇ બાવળીયા, નાગરિક પુરવઠા મંત્રી જયેશભાઇ રાદડીયા, પ્રવાસન મંત્રી જવાહરભાઇ ચાવડા, સાંસદ રાજેશભાઇ ચૂડાસમા, રમેશભાઇ ધડુક, મેયર ધીરૂભાઇ ગોહેલ, ડેપ્યુટી મેયર હીમાંશુ પંડયા, ધારાસધભ્ય ભીખાભાઇ જોષી, ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના ચેરમેન મુળુભાઇ બેરા અને રાજય બિજ નિગમના ચેરમેન રાજસીભાઇ જોટવાએ જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં દિગમ્બર સાધુઓની રવેડીના દર્શન કર્યા હતા. ઉપરાંત આ મહાનુભાવોએ ભવનાથ મંદિરે દેવાધિદેવ ભગવાન ભોળાનાથના ભાવપુર્વક દર્શન પુજનનો પણ લાભ લીધો હતો. 

રવેડીમાં ત્રણેય અખાડા શ્રી પંચનામ જૂના અખાડા, આહવાન અખાડા અને અગ્નિ અખાડાના સાધુ-સંતો ધર્મ ધ્વજા અને અધિષ્ઠાતા દેવની પાલખી સાથે નિકળી શ્રધાળુઓને દર્શનનો અલૌકિક લાભ આપે છે. મૃગી કુંડમાં શાહી સ્નાન માટે ભગવાન ભોળાનાથ પધારતા હોવાની માન્યતા છે. રવેડીના દર્શન માટે આવેલા શ્રધ્ધાળુઓ બપોરથી જ પોતાની જગ્યા પસંદ કરી નાગા સાધુઓના દર્શન  કરી ધન્યતા અનુભવે છે. મહિલાઓ ભગવાન ભોળાનાથને લાડ લડાવતા ગીતો ગાય ભકિતમય વાતાવરણ સર્જવા સાથે ફરીથી બીજા વર્ષે મેળામાં આવવાના સંકલ્પ સાથે ભવનાથથી વિદાય લે છે.    

ભજન-ભોજન અને ભકિતનાં ઘુઘવતા મહાસાગરમાં અનેક સેવાભાવી સંસ્થાઓનાં સ્વયંસેવકોએ અન્નક્ષેત્ર, ચા સ્ટોલ, શેરડીનો તાજો રસ, ફરસાણ ફરાળી વાનગીઓ પીરસીને જૂનાગઢનો સોરઠી આતિથ્યભાવ ઉજાગર કર્યો હતો. ખોડીયાર રાસમંડળ રાજકોટનાં સીનીયર સીટીઝન સેવાભાવી વૃંદ હોય કે ધોરાજીનું ૧૦૫ વર્ષથી કાર્યરત તેજાભગતનું અન્નક્ષેત્ર, આહિર સમાજ, મેર સમાજ, કડીયા સમાજ, ગોરખનાથ આશ્રમ સહિત જ્ઞાતિ સમાજના ઉતારા, હોય કે પછી આપાગીગાનો ઓટલો હોય સાધુ સંતો દ્રારા ૨૫૦ જેટલા અન્નક્ષેત્રો સર્વ જગ્યાએ હરીહર કરતા જાવ ભોળનાથનું નામ લેતા જાવનાં હોંકારાથી સતત ધમધમતા રહયા હતા.

મેળામાં આવતા ભાવિકો માટે જિલ્લા વહિવટીતંત્રના વડા કલેકટર  ડો. સૈારભ પારઘી, મ્યુ. કમિશ્નર તુષાર સુમેરા તેમજ એસ.પી. સૈારભસિંઘ અને મહાનગર પાલિકાના અધિકારીઓ, કર્મચારીઓ, રેવન્યુતંત્રના અધીકારીઓ કર્મચારીઓ, વન વિભાગ, મેળા અધીકારી જવલંત રાવલ સહિત સૌએ સેવાના યોગ સાથે કામગીરી  સુપેરે નિભાવી હતી. જિલ્લા પોલીસના જવાનોએ ભાવિકોને અગવડતા ન પડે તે રીતે બંદોબસ્તની સરાહનીય કામગીરી કરી હતી.નગરપાલીકા તંત્ર દ્વારા મેળામાં પેયજળ આપુર્તી અને સ્વચ્છતા પર સુંદર વ્યવસ્થાઓ સંભાળી હતી.

(12:52 pm IST)