Gujarati News

Gujarati News

News of Saturday, 22nd February 2020

આજે સરકારી શાળામાં પણ વિદ્યાર્થીઓને આધુનિક સુવિધા સાથે શિક્ષણ અપાય છેઃ મંત્રીશ્રી ચુડાસમા

સુરેન્દ્રનગર જિલ્લા અને તાલીમ ભવન ખાતે પંચામૃત કાર્યક્રમ સંપન્ન

સુરેન્દ્રનગર,તા.૨૨:સુરેન્દ્રનગર સ્થિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ખાતે શિક્ષણમંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના અધ્યક્ષસ્થાને ડાયટેશ્વર મહાદેવની સ્થાપના, સુરેન્દ્રનગર જિલ્લાના વીર શહિદોની સ્મૃતિમાં અમર જવાન શદીહ સ્મારકનું અનાવરણ, ડાયેટનાઙ્ગજુદા જુદા વર્ગખંડોનું નામકરણ, ભૂતપૂર્વ પ્રશિક્ષણાર્થીઓનું સ્નેહમિલન અને પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડનું સન્માન સહિતનો પંચામૃત કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે મંત્રીશ્રીએ મહાશિવરાત્રીની શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, પંચામૃત કાર્યક્રમએ ગુણાત્મક અને ભાવનાત્મક છે, આવા કાર્યક્રમોથી સમાજમાં એક હકારાત્મક વાતાવરણ ઉદભવે છે. વધુમાં તેમણે શિક્ષણ ક્ષેત્રની સિદ્ઘીઓ વર્ણવતા ઉમેર્યુ હતું કે, છેલ્લા ત્રણ વર્ષની અંદર ૧.૫૦ લાખથી વધારે વિદ્યાર્થીઓએ તબક્કાવાર ખાનગી શાળા છોડીને સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે. આજે સરકારી શાળામાં વિદ્યાર્થીઓને અત્યાધુનિક સુવિધાઓ સાથે શિક્ષણ આપવામાં આવે છે.

આ તકે તેમણે દેશ-વિદેશમાં રહેતા તમામ ગુજરાતીઓને વિશ્વ માતૃભાષા દિવસની શુભેચ્છા પાઠવતા ઉમેર્યુ હતું કે, વિશ્વ માતૃભાષા દિવસને ધ્યાને લઈને રાજય સરકારે છેલ્લા ત્રણ વર્ષમાં ધોરણ ૧ થી ૧૨માં તબક્કાવાર ગુજરાતી વિષયને ફરજીયાત કર્યો છે.

આ પ્રસંગે જિલ્લામાં યોજાયેલ ઇસરો પ્રદર્શનમાં શ્રેષ્ઠ કામગીરી કરનારને પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ જિલ્લાના શહિદ પરિવારોને મંત્રીશ્રી અને મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. રાજસોભાગ આશ્રમ સાયલા દ્વારા ડાયેટને દિવ્યાંગો માટે વ્હિલચેરનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડે શહિદ પરિવારોનું સન્માનએ સમગ્ર દેશનું સન્માન છે તેમ જણાવી આ પંચામૃત કાર્યક્રમને બિરદાવ્યો હતો.

આ પંચામૃત કાર્યક્રમના પ્રારંભમાં ડાયેટના પ્રાચાર્યશ્રી સી.ટી. ટુંડિયાએ સ્વાગત પ્રવચન કર્યું હતું તેમજ અંતમાં જે. જે. જોષીએ આભારવિધી કરી હતી.

આ પ્રસંગે સાંસદ ડો. મહેન્દ્રભાઈ મુંજપરા, ધારાસભ્યશ્રી ધનજીભાઈ પટેલ, જી.સી.ઈ.આર.ટી.ના નિયામકશ્રીઙ્ગ ડો.ટી.એસ.જોશી અગ્રણી સર્વશ્રી વર્ષાબેન દોષી, દિલીપભાઈ પટેલ, જગદિશભાઈ ત્રિવેદી, બિહારીભાઈ ગઢવી, જગદિશભાઈ મકવાણા, શહિદ પરિવારજનો સહિત મોટી સંખ્યામાં તાલીમાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

(11:37 am IST)