Gujarati News

Gujarati News

News of Saturday, 22nd February 2020

મોરબીમાં પકડાયેલ પંજાબની લુંટારૂ ગેંગ એક ડઝન બેંક લુંટ-મર્ડરના ગુન્હામાં વોન્ટેડ છે! ૧૧ દી'ના રીમાન્ડ મંજુર

લુંટારૂ ગેંગના ચારેય સાગ્રીતો પાસેની ૭ હથિયાર, ૧૩૧ કાર્ટીસ તથા સ્વીફટ કાર કબ્જેઃ અમૃતસર-હોશિયારપુરમાં બેંક લુંટ સાથે મર્ડર પણ કર્યા છેઃ પકડાયેલ ચારેય રીઢા ગુન્હેગાર છે

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા.૨૨: મોરબીમાં ધોળા દિ'એ બેંક લુંટ કરનાર પંજાબની લુંટારૂ ગેંગને મોરબી પોલીસે ગણત્રીના કલાકોમાં ઝડપી લીધા બાદ રીમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કરાતા ચારેય આરોપીઓને કોર્ટે ૧૧ દિ'ના રીમાન્ડ પર સોંપવા હુકમ કર્યો છે. પકડાયેલ લુંટારૂ ગેંગના સાગ્રીતો સાથી અને રીઢા ગુન્હેગાર છે. પંજાબમાં એક ડઝન લુંટ અને મર્ડરના ગુન્હામાં વોન્ટેડ હોવાનું બહાર આવ્યું છે.

મોરબીના મહેન્દ્રનગર ચોકડી નજીક બનેલ લૂંટની દ્યટનામાં બેન્કના જોઈન્ટ મેનેજર મુરારીકુમાર ભુવનેશ્વર શર્માએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે તા. ૨૦ ના રોજ બપોરે અધિના સુમારે છ અજાણ્યા ઇસમોએ હથિયાર ધારણ કરી મારી નાખવાનો ભય બતાવીને કેશિયર રમેશભાઈ ચાવડા પાસેથી બેંક ઓફ બરોડાના રોકડ રકમ રૂ ૪,૪૫,૨૬૦ અને દેના બેન્કના કેશિયર આમનાબેન બેલીમ પાસેથી રોકડ રૂ ૧,૫૭,૮૪૦ ઉપરાંત બેંક ઓફ બરોડાના સિકયુરીટી અનિલભાઈને માર મારી તેની પરવાના વાળી બારબોર ગન રૂ ૧૦,૦૦૦ ની લૂટ ચલાવી હતી તે ઉપરાંત મોબાઈલ કીમત રૂ ૫૦૦૦ તેમજ બેંક ઓડીટમાં આવેલ રાજકુમાર વર્મા પાસેથી મોબાઈલ કીમત રૂ ૫૦૦૦, સ્ટાફના સંજયભાઈ પાસેથી રોકડ રૂ ૬૫૦૦, એટીએમ અને આધારકાર્ડ તેમજ બેન્કના ક્રેડીટ ઓફિસર પ્રજ્ઞેશભાઈ પાસેથી મોબાઈલ કીમત રૂ ૫૦૦૦ તેમજ બ્રેન્કના ગ્રાહક રવિભાઈ પાસેથી મોબાઈલ અને દેનાબેંકનું મોડેમ અને રોકડ સહીત કુલ રૂ ૬,૪૪,૬૦૦ ની ધાડ કરી નાસી ગયાની ફરિયાદ નોંધાવી હતી જે બનાવ અંગે તપાસ ચલાવતા પોલીસે લૂંટમાં સંડોવાયેલ આરોપી મનદીપસિંગ પાલસીંગ જાટ, બલવીરસિંગ ઉર્ફે ગોલી જોગદિરસિંગ જાટ, અરુણકુમારસિંગ લાલચાદ મજબી અને સંદીપકુમાર ઉર્ફે રવિ ગુરમલસિંગ ગુર્જર એમ ચારને ઝડપી લઈને કોર્ટમાં રજુ કરવામાં આવતા ચારેયના તા.૨ સુધીના ૧૧ દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. જયારે બાકી રહેલા બે આરોપીને ઝડપી લેવા તપાસના ચક્રો પોલીસે ગતિમાન કર્યા છે

બેંક ધાડ પ્રકરણમાં ઝડપાયેલ ચાર શખ્શો પંજાબી હોય અને આ ટોળકી આંતરરાજય બેંક લૂંટ અને ધાડના ગુન્હામાં સંડોવાયેલ છે. પકડાયેલ ચારેય સાગ્રીતો પંજાબની એક ડઝન બેંક લુંટ અને મર્ડરના ગુન્હામાં વોન્ટેડ હોવાનું બહાર આવ્યું છે.

તપાસનીસ અધિકારી બી ડીવીઝનના ઇન્ચાર્જ પી.આઇ.આર.ટી. વ્યાસે જણાવ્યું હતું કે, પકડાયેલ પંજાબની લુંટારૂ ગેંગના સાગ્રીતો રીઢા ગુન્હેગાર છે ચારેય સાગ્રીતો પંજાબની એક ડઝન બેંક રોબરી અને મર્ડરના ગુન્હોામાં વોન્ટેડ છે. આ ટોળકીએ પંજાબના અમૃતસર અને હોશિયારપુરમાં લુંટ સાથે મર્ડર પણ કર્યા છે.

પકડાયેલ લુંટારૂ ગેંગના ચારેય સાગ્રીતો પાસેથી ૬ હથિયાર તેમજ સીકયુરીટી ગાર્ડના લુંટાયેલ હથિયાર મળી કુલ ૭ હથિયાર, ૧૩૧ કાર્ટીસ તથા સ્વીફટ કાર કબ્જે  કરાઇ છે. નાસી છુટેલ બે આરોપીઓ પૈકી એક આરોપી અગાઉ મોરબીમાં ડ્રાઇવર તરીકે નોકરી કરતો હોય મોરબીની પરિચિત હોય મોરબી બેંક લુંટનો પ્લાન ઘડયો હતો.

રીમાન્ડ પર રહેલ ચારેય આરોપીઓની પૂછતાછમાં લુંટધાડ અને મર્ડરના ગુન્હાઓની ચોંકાવનારી વિગતો ખુલે તેવી વકી છે.

વધુ તપાસ બી ડીવીઝનના ઇન્ચાર્જ પી.આઇ આર.ટી.વ્યાસ ચલાવી રહ્યા છે.(૨૩.૧૨)

(11:30 am IST)