Gujarati News

Gujarati News

News of Saturday, 22nd February 2020

સોમનાથમાં બે-અઢી કિમી સુધી શ્રદ્ધાળુઓની લાઇનો

સોમનાથ મહાદેવને સુંદર પાઘડી સાથે શણગાર કરાયો રૂ. મંદિર પરિસરમાં સોમનાથ મહાદેવની ડમરૂ સાથે પાલખી યાત્રા રૂ. ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવના નાદ ગુંજ્યા

અમદાવાદ, તા.૨૧ રૂ. આજે મહાશિવરાત્રિને લઇ શિવભક્તો રાજયભરના શિવાલયોમાં વહેલી સવારથી જ ભોળાનાથના દર્શન અને અભિષેક માટે ઉમટયા હતા. બાર જ્યોર્તિલિંગમાં પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવના દર્શન માટે ગઇકાલ રાતથી જ ભાવિકોના ઘોડાપૂર ઉમટી પડ્યા હતા. આજે વહેલી સવારની આરતીમાં હજારોની સંખ્યામાં શ્રધ્ધાળુ ભકતોએ લાભ લીધો હતો અને સોમનાથ મહાદેવના આરતી દર્શન કરી ભારે ધન્યતાનો અનુભવ કર્યો હતો. આ પ્રસંગે સોમનાથ મહાદેવ ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું હતું. સોમનાથ સહિત સૌરાષ્ટ્રના શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા છે. આજે મહાશિવરાત્રિને લઇ પરંપરા મુજબ, સોમનાથ મહાદેવની મંદિર પરિસરમાં પાલખીયાત્રા નીકળી હતી. જેમાં ભાવિકોના ડમરૂ સાથે બમ બમ ભોલેના નાદથી મંદિર ગુંજી ઉઠ્યું હતું.

            પાલખીયાત્રામાં પણ ખૂબ મોટી સંખ્યામાં શિવભકતો જોડાયા હતા.  સોમનાથ મહાદેવ મંદિર બાદ રાજકોટ જિલ્લામાં જસદણ તાલુકામાં આવેલું ઘેલા સોમનાથ મંદિર સૌરાષ્ટ્રના મોટા શિવાલયોમાંનું એક છે. ઘેલા સોમનાથ મહાદેવને પણ આજે મહાશિવરાત્રિને લઇ વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. અહીં પણ વહેલી સવારથી ભાવિકોના ઘોડાપૂર ઉમટી પડ્યા છે. રાજકોટના દરેક શિવાલયોમાં સવારથી જ ભાવિકો દૂધ, દહી, જળનો અભિષેક કરી અને પૂજા કરી ધન્યતા અનુભવી હતી. સૌરાષ્ટ્રના દરેક શિવાલયોમાં રાતથી ભાંગની પ્રસાદી બનાવવામાં આવી હતી. આજે સવારે દર્શન કરવા આવતા ભાવિકોને ભાંગની પ્રસાદી આપવામાં આવી હતી. ઘણા શિવાયલોમાં ભાવિકોએ શિવલીંગ પર દૂધનો થોડા અભિષેક કરી બાકીનું દૂધ ગરીબ બાળકોને આપ્યું હતું. સૌરાષ્ટ્રના શિવાલયોમાં પણ આજે શિવભકિતનો માહોલ છવાયો હતો.

(9:35 pm IST)