Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

કચ્છ કોંગ્રેસના મહિલા આગેવાન તુલસી સુઝાનને મારી નાખવાની ધમકી : નિવૃત્ત DYSP સહિત ત્રણ વિરૂધ્ધ ફરિયાદ

ભુજ તા. ૨૨ : કચ્છના જાણીતા સામાજિક અને રાજકીય મહિલા આગેવાન તુલસી સુઝાને પોતાને મારી નાખવાની ધમકી આપવા બદલ આદિપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવી છે. ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રદેશ મંત્રી, કચ્છ કોંગ્રેસના અગ્રણી અને આદિપુરના સંતોષી માતા મંદિરના સ્થાપક ટ્રસ્ટી ઉપપ્રમુખ તુલસી સુઝાન દ્વારા આયોજિત શિવ પુરાણ કથા ના આયોજન દરમ્યાન યજમાન બનવાના મુદ્દે થયેલ નારાજગી ના કારણે ત્રણ શખ્સો દ્વારા ધમકી અપાઈ છે.

તુલસી સુઝાને આ અંગે આદિપુર પોલીસ સ્ટેશનમાં આપેલી ફરિયાદ પ્રમાણે સંતોષી માતા ટ્રસ્ટ દ્વારા આયોજિત શિવ પુરાણ કથામાં યજમાન બનવા માટે તેમને હિતેશદાન ગઢવીએ કહ્યું હતું. પોતે સંતોષી માં ટ્રસ્ટને સાડા બાર લાખ રૂ.નુ દાન આપ્યું હોઈ ટ્રસ્ટી બનાવવા પણ હિતેશદાન ગઢવીએ દબાણ કર્યું હતું. જોકે, હિતેશ ગઢવીએ આપેલો ચેક પણ બાઉન્સ થયો હતો. તેમણે યજમાન અને ટ્રસ્ટી માટે ના પાડીઙ્ગ એટલે નિવૃત ડીવાયએસપી વિષ્ણુદાન ગઢવી સાથે બીજે દિવસે હિતેશ ગઢવીએ રૂરૂ આવીને તેમના દ્વારા ટ્રસ્ટને દાન અપાયું હોવાનું જણાવીને ટ્રસ્ટમાં ટ્રસ્ટી બનાવવા દબાણ કર્યું હતું. અને દાન માં આપેલા રૂપિયા પાછા આપવા બોલાચાલી કરી હતી. પણ, એમણે આપેલો ચેક પાછો ફર્યો હોઈ અને તેમના દ્વારા કોઈ પણ દાન ન અપાયું હોવાની સ્પષ્ટતા પોતે (તુલસી સુઝાને) કરી હોવાનો ખુલાસો કર્યો હતો. એટલે ઉશ્કેરાઈને વિષ્ણુદાન ગઢવીએ તેમને રૂપિયા પાછા આપી દેવા નહીં તો જાનથી મારી દેવાની ધમકી આપી હતી. પછી ખેતદાન ચારણ તરીકે પોતાની ઓળખ આપીને ફોન કરનાર શખ્સ દ્વારા પણ તુલસી સુઝાનને મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.

આદિપુર પોલીસ સ્ટેશન માં થયેલી ફરિયાદ સંદર્ભે તુલસી સુઝાન તેમણે પોતે ત્રણ જણા હિતેશ ગઢવી, નિવૃત ડીવાયએસપી વિષ્ણુદાન ગઢવી અને ખેતદાન ચારણ વિરુદ્ઘ પોલીસ ફરિયાદ કરી હોવાની હકીકતને સમર્થન આપ્યું હતું. છેલ્લા ત્રણ દિવસથી પોતાને જાનથી મારી નાખવાની ધમકીઓ અપાઈ રહી હોવાનું, ગોળી થી મારી નાખવાની તેમ જ તેમનું અને પરિવારનું જીવવાનું હરામ કરી દેવાની ધમકીઓ અપાઈ હોવાનું તુલસી સુઝાને જણાવ્યું હતું.

ધમકી આપનારાઓ પૈકી વિષ્ણુદાન ગઢવી પૂર્વ કચ્છમાં પોલીસ અધિકારી તરીકે ફરજ બજાવી ગયા હોવાનું પણ તુલસી સુઝાને જણાવ્યું હતું. સંતોષી માતા ટ્રસ્ટને કંઈ પણ દાન આપ્યા વગર તેમને ધાક ધમકી કરીને ત્રણેય શખ્સ દ્વારા ૮ લાખ રૂપિયા માંગી પૈસા પડાવવાનો ઈરાદો હોવાનો આક્ષેપ તુલસી સુઝાને કર્યો હતો. પોતે, ધાક ધમકીને વશ થયા વગર ન્યાય માટે પોલીસ ફરિયાદ કરી હોવાનો ખુલાસો પણ તેમણે કર્યો હતો.(૨૧.૧૩)

(12:29 pm IST)