Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

ભચાઉના જૂના કટારીયા ગામની જમીન એકર ૮.૨૫ ગુંઠામાં થયેલ બીનખેતી હુકમ રદ્દ કરતા મહેસુલ વિભાગના અગ્રસચિવ

રાજકોટ સ્થિત મોરારજી ઠક્કરની વડીલોપાર્જીત ખેતીની જમીનમાં બોગસ દસ્તાવેજો કરી બીનખીતે કરી પ્લોટોનું વેચાણ કરી નખાયુતું: એડવોકેટ દિપકકુમાર ડી. મહેતા તથા રાજેન્દ્રસિંહ એચ. ઝાલાની રજુઆતો તથા દલીલો માન્ય રખાઇ

રાજકોટ, તા. ૨૨ :. ગાંધીધામના ભચાઉ તાલુકાના જુના કટારીયા ગામે આવેલ રાજકોટના વેપારીની વડીલોપાર્જીત ખેતીની જમીનનો બોગસ દસ્તાવેજ કરી બીનખેતી કરી પ્લોટો વેચી નાખવાના કિસ્સામાં અગ્રસચિવ મહેસુલ વિભાગ (વિવાદ) એ બોગસ દસ્તાવેજના આધારે થયેલ બીનખેતીનો હુકમ રદ્દ કરવાનો હુકમ કરતાં કોૈભાંડી તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

આ કેસની વિગત એવી છે કે, રાજકોટ સ્થિત વેપારી મોરારજી ગોવિંદજી ઠક્કરની ભચાઉ તાલુકાના જુના કટારીયા ગામની સર્વે નં. ૮૫૨ / ર થી હેકટર ૩-૪૯-૦૪ ચો.મી. (એકર ૮-૨૫ ગુંઠા)ની વડીલોપાર્જીત જમીનનો તેમના કોૈટુંબીક કાકા વીસનજી રામજી ઠક્કરએ માતુશ્રી રંભીબેન ગોવિંદજીભાઇની બદલે તેની પત્ નીને રંભીબેન તરીકે ઓળખ આપી તેના નામે બોગસ કુલમુખત્યારનામું ઉભું કરી અન્ય સાથે મીલાપીપણું કરી ગુન્હાહીત કાવત્રુ રચી બોગસ દસ્તાવેજો કરી જમીન અન્યોને વેચાણ કરી નાખેલ હતી. અને બીનખેતી કરી પ્લોટીંગનું વેચાણ કરી નાખવામાં આવેલ. ત્યારબાદ સદરહું જમીન કોૈભાંડ અંગે જિલ્લા કલેકટર, તથા જિલ્લા પોલીસ વડા કચ્છ-ભુજને લેખીતમાં ફરિયાદ કરાતા સદરહું કેસ સીટને સોંપાયેલ હતો અને સીટની તપાસમાં બોગસ મુખત્યારનામું બનાવનાર વિસનજી રામજી ઠક્કરએ રંભીબેનને બદલે પોતાના પત્ની લક્ષ્મીબેનને રંભીબેન તરીકે દર્શાવી ખોટા અને બોગસ મુખત્યાર લક્ષ્મીબેન ઠક્કર તેમજ આ જમીન ખરીદનાર બચુભાઇ સુકાભાઇ આંત્રોલીયા, રણમલભાઇ માલદેભાઇ આંત્રાલીયા તથા બિનખેતી કરાવનાર કંચનબેન રતિલાલ પારેખ સામે ફોજદારી ફરિયાદ દાખલ થયેલ હતી.

સદરહું કોૈભાંડમાં જિલ્લા કલેકટરશ્રીએ બોગસ દસ્તાવેજને આધારે થયેલ રેવન્યુ નોંધો રીવીઝનમાં લઇ રદ કરવા તેમજ સદરહું જમીનમાં થયેલ એકત્રીકરણનો હુકમ રદ કરવાનો હુકમ કર્યો હતો.

સદરહું જમીનમાં થયેલ બીનખેતીનો હુકમ રદ કરવા જિલ્લા વિકાસ અધિકારી, ભુજ-કચ્છ એ મહેસુલ વિભાગ (વિવાદ), અગ્રસચિવમાં સ્યુમોટો દરખાસ્ત કરી હતી અને સદરહું કેસમાં વેપારી મોરારજી ઠક્કર પક્ષકાર તરીકે જોડાયા હતા અને તેમના વતી  રાજકોટના એડવોકેટ દિપકકુમાર ડી. મહેતા તથા રાજેન્દ્રસિંહ એચ. ઝાલાએ દલીલો રજુ કરી જણાવેલ કે, સદરહંુ કેસમાં પ્રથમથી જ બનાવટી પાવરનામાના આધારે ખોટા અને બોગસ દસ્તાવેજો થયેલ છે કાયદાની દ્રષ્ટિએ જો કોઇએ બોગસ અને બનાવટી દસ્તાવેજો ઉભા કરી અને તે આધારે જે-તે ઓથોરીટી સાથે છેતરપીંડી કરી કે ગેરમાર્ગે દોરી જે હુકમો મેળવેલ હોય તે કાયદાકીય રીતે માન્ય નથી અને તે આધારે થયેલા હુકમો રદબાતલ ગણાય અને તે અંગેના સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના વિવિધ ચુકાદાઓ રજુ કરાયા હતા. આ રજુઆતોને મહેસુલ વિભાગ (વિવાદ), અગ્રસચિવ વિનય વ્યાસાએ માન્ય રાખી જિલ્લા વિકાસ અધિકારી દ્વારા કંચનબેન રતિલાલ પારેખના નામે કરાયેલ બિનખેતી હુકમ રદ કરવાનો હુકમ કરેલ છે.

આ કેસમાં રાજકોટ સ્થિત વેપારી મોરારજી ઠક્કર વતી એડવોકેટ દિપકકુમાર ડી. મહેતા તથા રાજેન્દ્રસિંહ એચ. ઝાલા રોકાયેલા હતા.(૨-૨)

(12:29 pm IST)