Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

૨૫ વર્ષમાં ૧૧ કરોડનુ દાન કરવાનો જગદીશ ત્રિવેદીનો નિર્ણય, દાનથી બાળકોમાં શિક્ષણની ભુખ સંતોષાશેઃ પૂ.મોરારીબાપુ

સુરેન્દ્રનગરના થાનગઢમાં સરકારી સ્કુલમાં બાળકોના શિક્ષણ માટે વિવિધ સુવિધાઓનો લોકાર્પણ

વઢવાણ તા.૨૨: હાસ્યકલાકાર ડો.જગદીશ ત્રિવેદીએ અર્થઉપાર્જન બંધ કર્યા બાદ પ્રથમ વર્ષના કાર્યક્રમોની ચુમ્માલીસ લાખ જેટલી રકમમાંથી આશરે બાવીસ લાખના ખર્ચે થાનગઢની શાળા નં.૬ અને ૭ માં ત્રણ-ત્રણ વર્ગખંડ કરાવી આપી તેનું ભવ્ય લોકાર્પણ પૂ.મોરારિબાપુના વરદહસ્તે સંપન્ન થયુ હતુ.

આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી પુરૂષોતમ રૂપાલા, શાહબુદીન રાઠોડ, જય વસાવડા, તુષાર શુકલ, પ્રણવ પંડ્યા, ભદ્રાયુ વછરાજાની, જીતુભાઇ દ્વારકાવાળા, રજનીકુમાર પંડ્યા, ભરત યાજ્ઞિક, ગુણવંત ચુડાસમા, વસંત પરેશ બંધુ, મનન રાવલ, હર્ષલ માંકડ, ચંદ્રેશ ગઢવી, હરદેવ આહીર, કિશોરદાન ગઢવી જેવા અનેક લેખકો, કવિઓ, કલાકોર ઉપસ્થિત રહ્યા હતા.

જગદીશ ત્રિવેદીએ પ્રવચનમાં જાહેર કર્યુુ કે પોતે દર વરસે ચુમ્માલીસ લાખ લેખે પચીસ વર્ષ સુધી સમાજ સેવા માટે કાર્યક્રમો કરી કુલ અગીયાર કરોડ રૂપિયાનું દાન કરશે અને જો શરીર સાથ ન આપે તો પોતાની સ્થાવર મિલ્કતોમાંથી બે-ત્રણ મિલ્કત વેચીને પણ મરતા પહેલા અગીયાર કરોડનું અવશ્ય દાન કરશે તદુપરાંત જગદીશ ત્રિવેદીએ બન્ને સરકારી શાળાઓને પોતાના બન્ને માતુશ્રીના નામ મળ્યા તેની ખુશાલીમાં પુલવામાં શહીદ થયેલા સૈનિકોના પરિવારને પાંચ લાખ રૂપિયાનું દાન જાહેર કર્યુ હતું. આમ પચાસ વર્ષે અર્થઉપાર્જનનો ત્યાગ કરી સમાજને નવો રાહ ચીંધી સવા વરસમાં પચાસ લાખથી વધુ રકમનું દાન કરી ચુકયા છે.

આ પ્રસંગે શાહબુદીન રાઠોડે કહ્યુ હતુ કે કોઇ મને પૂછે કે હાસ્યમાં આપનું શું પ્રદાન છે તો હું કહીશ કે જગદીશ ત્રિવેદી મારૃં પ્રદાન છે શ્રી પુરૂષોતમ રૂપાલાએ પોતાના હદયસ્પર્શી પ્રવચનમાં કહ્યું હતું કે મારી આટલા વરસની જાહેર જીંદગીમાં બે જાહેરાત મને સ્પર્શી ગઇ છે. એક વિરપુર મંદિરના ટ્રસ્ટીઓએ દાન લેવાનું બંધ કર્યુ તે અને બીજી જગદીશ ત્રિવેદીએ પચાસ વરસની ઉમરે અર્થઉપાર્જનનો ત્યાગ કર્યો હતો તે. જગદીશ ત્રિવેદીએ કલાકાર તરીકે લાખો રૂપિયાનું દાન કરી સમાજને નવો રાહ ચિંધ્યો છે.

પૂ.મોરારિબાપુએ પોતાના આશીર્વચનમાં પુલવામામાં શહીદ થયેલા સૈનિકોને તથા જગદિશ ત્રિવેદીના દિવંગત પિતાને શ્રધ્ધાંજલી આપી હતી અને ત્યારબાદ કહ્યુ હતુ કે જગદીશ ત્રિવેદીના અગીયાર કરોડના શિવસંકલ્પને એક સાધુ તરીકે હું સલામ કરૂ છુ અને નિસ્વાર્થ મનોરથને ઇશ્વર હંમેશા પુરો કરતા હોય છે હું આશા રાખુ કે જગદીશભાઇ જલ્દીએ મનોરથ પુરો કરે અને તેની ઉજવણીના પણ આપણે સાક્ષી બની શકીએ. અને આ દાનથી બાળકોમા શિક્ષણની ભુખ સંતોષાશે.

આ પ્રસંગે ગુજરાતના સ્વનામધન્ય લેખકો, કલાકારો, અને કવિઓ સાથે વિધવિધ ક્ષેત્રનાં અનેક લોકોએ જગદીશ ત્રિવેદીને અભિનંદન આપ્યા હતા. શિક્ષણમંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા વિધાનસભા સત્ર ચાલુ હોવાથી આવી શકયા નહોતા પરંતુ તેમણે લાગણીસભર શુભેચ્છાપત્ર મોકલ્યો હતો જેનું વાંચન કરવામાં આવ્યું હતું. સરકાર તરફથી થાનગઢની શાળા નં.૬ને માતૃશ્રી ઉર્મિલાબેન લાભશંકર ત્રિવેદી તથા શાળા નં.૭ને માતુશ્રી, સરોજબેન હિંમતલાલ ત્રિવેદી પ્રાથમિક શાળા એવા નૂતન નામ આપવામાં આવ્યા હતા.(૭.૪) 

 

(12:17 pm IST)