Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

દ્વારકા જીલ્લામાં કાલથી બે દિવસ મતદાર યાદી સુધારણાની ઝુંબેશ

દેવભૂમિ દ્વારકા, તા.૨૨:-  તા.૧/૧/૨૦૧૯ની લાયકાતની તારીખના સંદર્ભેમા મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા હેઠળ મતદારયાદીની આખરી પ્રસિદ્ઘિ તા.૩૧/૦૧/૨૦૧૯ના રોજ કરવામાં આવેલ છે. આ આખરી પ્રસિદ્ઘિ થયેલ મતદારયાદી પરથી મતદારની અદ્યતન વિગતો ચકાસી શકાય છે. જો લાયકાત ધરાવનાર કોઈ નાગરિકનું મતદારયાદીમાં નામ દાખલ કરવાનું બાકી હોય તો હજુ પણ સતત સુધારણા કાર્યક્રમ હેઠળ નિયત નમૂના ફોર્મ નં.૬ ભરીને રજૂ કરી શકાય છે. આગામી લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૧૯ને ધ્યાને લેતા લાયકાત ધરાવનાર નાગરિક મતદાનના અધિકારથી વંચિત ન રહી જાય, તે હેતુથી મતદારયાદીમાં નામ નોંધણી કરાવવા બાકી રહી ગયેલા લાયકાત ધરાવતા નાગરિકોની મતદાર તરીકે નોંધણી કરાવવા માટે ભારતનાં ચૂંટણીપંચ દ્વારા ખાસ ઝુંબેશ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.

 આ ખાસ ઝુંબેશ અંતર્ગત  કાલે (શનિવાર) બપોરે ૧૨.૦૦થી સાંજે ૦૫.૦૦ કલાક દરમયાન અને તા.૨૪/૦૨/૨૦૧૯ (રવિવાર)નાં રોજ સવારે ૧૦.૦૦ થી સાંજે ૦૫.૦૦ કલાક દરમ્યાન એમ બન્ને દિવસોએ રાજયની તમામ વિધાનસભા મતવિભાગોમાં પ્રત્યેક મતદાન મથક ખાતે બૂથ લેવલ ઓફિસર ઉપસ્થિત રહેશે. જયાં મતદારયાદીની વિગતો ચકાસી શકાશે.

 મતદારયાદીમાં મતદાર તરીકે નોંધણી કરાવવા માટે ફોર્મ ભરીને સ્થળ પર રજૂ કરી શકશે. ઉપરાંત, મતદારયાદીમાં રહેલાં મતદારો પૈકી લાગુ કિસ્સામાં નામ કમી માટે, ફોટો/વિગતો સુધારવા માટે, સ્થળ ફેરફાર માટે ફોર્મ ભરીને રજૂ કરી શકશે. નિયત નમૂનાના કોરા ફોર્મ્સ મતદાન મથક ખાતે ઉપસ્થિત બૂથ લેવલ ઓફિસર પાસે ઉપલબ્ધ રહેશે. મતદાર ફોટો ઓળખકાર્ડ (એપિક) એ ફકત ઓળખ દસ્તાવેજ છે. ચૂંટણી સમયે મતદાન કરવા માટે પ્રવર્તમાન મતદારયાદીમાં મતદાર તરીકે નામ દાખલ થયેલ હોવું ફરજીયાત છે. જેથી મતદારયાદીમાં નામ દાખલ થયેલ હોવા અંગે ચકાસણી કરી લેવા અને જો મતદારયાદીમાં નામ ન હોય તો લાયકાત ધરાવનાર નાગરિકે જરૂરી પુરાવા દસ્તાવેજો સાથે ફોર્મ નં.૬ ભરીને રજૂ કરવા. તેમ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી સી.કે.ઉંધાડની યાદીમાં જણાવવામાં આવ્યું છે.(૨૨.૨)

 

 

(12:02 pm IST)