Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

ભાવનગર જિલ્લા આરોગ્ય શાખા દ્વારા પત્રકારોની કાર્યશાળા યોજાઇ

તમાકુના સેવનથી થતા નુકસાન અંગે જાગૃતિ લાવવા તમાકુના સેવનથી વર્ષે વિશ્વમાં પ૦ લાખ લોકો મૃત્યુ પામે છે

ભાવનગર, તા.૨૨: સામાન્ય નાગરિકોમાં તમાકુના સેવનથી થતા શારીરિક નુકસાન તેમજ જાહેર સ્થળો પર તમાકુના ઉત્પાદનોના ઉપયોગ અંગેના દંડાત્મક કાનૂની નિયમોની માહિતી આપવા માટે ભાવનગર જિલ્લા આરોગ્ય શાખા દ્વારા શહેર અને જિલ્લાના પત્રકારો માટે જિલ્લા પંચાયત કચેરીના સભાગૃહ ખાતે કાર્યશાળાનું આયોજન કરાયુ હતું. વર્કશોપના પ્રારંભે જિલ્લા આરોગ્ય અધિકારી અને નોડલ ઓફિસરશ્રી એ.કે.તાવિયાડે તમાકુના સેવનથી થતી બીમારીઓ અને નિયંત્રણ અધિનિયમ - ૨૦૦૩ અન્વયે તમાકુના જાહેર ઉપયોગ અંગેની દંડાત્મક જોગવાઇઓની સમજ આપી તમાકુની બનાવટોથી દૂર રહેવા અપીલ કરી હતી.

આ અંગે આંકડાકીય વિગતો આપતા જિલ્લા તમાકુ નિયંત્રણ સમિતિના ચેરમેન ડો.પી.એ. પઠાણે જણાવ્યું હતું કે, તમાકુના સેવનથી વિશ્વમાં દરરોજ ૨૭૦૦ લોકો અને વર્ષે પ૦ લાખ લોકો હ્રદય, ફેફસાં કે કેન્સર જેવી ગંભીર બીમારીઓથી મૃત્યુ પામે છે. આ માટે તેમણે સ્લાઇડ શોના માધ્યમથી તમાકુ અને તમાકુની બનાવટોથી થતાં વિવિધ રોગ, તમાકુ વ્યસનના પ્રકાર અને તમાકુના સેવનના કારણે શરીરનાં વિવિધ અવયવો પર પડતી નકારાત્મક અસરો વિશે સમજ આપી. જિલ્લામાં તમાકુના જાહેર ઉપયોગ અને વેચાણ સંદર્ભે કરવામાં આવેલા દંડની વિગતો જાહેર કરી હતી. આ સાથે તેમણે સિઝનલ ફલૂ માટે જરૂરી તકેદારીની માહિતી પણ આપી હતી.

વર્કશોપના અંતમાં ઇન્ચાર્જ આર.સી.એચ.ઓ. પ્રદીપ મકવાણાએ આભારવિધિ કરી હતી. આ કાર્યશાળામાં ભાવનગર શહેર જિલ્લાના પ્રિન્ટ તેમજ ઇલેકટ્રોનિક મીડિયાના અનેક પત્રકારોએ ભાગ લીધો હતો.(૨૩.૭)

 

 

(11:56 am IST)