Gujarati News

Gujarati News

News of Friday, 22nd January 2021

પરણિતાને મરવા મજબુર કરનાર પતિને ૧૦ વર્ષની કેદ : સાસુ, સસરા નિર્દોષ જાહેર

  ભાવનગર તા. ૨૨ : બે વર્ષ પુર્વે ભાવનગર શહેરના ચીત્રા વિસ્તારમાં રહેતી પરણિતાને મરવા મજબુર કરનાર પતિ, સાસુ, સસરા સામે નોંધાયેલો કેસ   ભાવનગરના ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજની અદાલતમાં ચાલી જતા અદાલતે જીલ્લા સરકારી વકિલ વિપુલ દેવમુરારીની અસરકારક દલીલો, આધાર, પુરાવા, સાક્ષી ધ્યાને લઇ મુખ્ય આરોપી પતિને ઇપીકો કલમ ૩૦૬, મુજબ ૧૦ વર્ષની સખ્ત કેદની સજા અને રોકડ દંડ અદાલતે ફટકાર્યો હતો. જ્યારે સાસુ અને સસરાને નિર્દોષ છોડી મુકવા અદાલતે હુકમ કર્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ આ કામના ફરીયાદી દિવાકરભાઇ ઉર્ફે રશીકભાઇ છોટાલાલ અંધારીયા જાતે કાછીયા પટેલ, રહે. દિવાનપરા રોડ, કાછીયાવાડ, ભાવનગરએ સ્થાનીક બોરતળાવ પોલીસ મથકમાં એવા મતલબની પોલીસ ફરીયાદ નોંધાવી હતી કે, તેમની ત્રણ દિકરીઓ પૈકીની સૌથી નાની દિકરી વિભૂતીબેન (ઉ.વ.ર૮)ના લગ્ન આજથી પાંચ વર્ષ પુર્વે ભાવનગર શહેરના ચીત્રા ફૂલસર મુખ્યમંત્રી આવાસ યોજનામાં રહેતા જયકુમાર અશોકભાઇ અંધારીયા સાથે થયેલા હતા. અને તેના લગ્ન જીવન દરમ્યાન સંતાનમાં એક દિકરો ધ્યેય (ઉ.વ.૪)નો છે. વિભૂતિબેન તેણીના સાસરીયામાં સાસુ, સસરા સાથે રહેતી હતી,

આ દરમ્યાન તેણીના પતિ જયભાઇ અંધારીયાને અન્ય સ્ત્રી સાથે પ્રેમ સંબંધ હોય જેથી પરણિતા

વિભૂતિબેને તેને વિરોધ કરતા તેણીના સસરા અશોકભાઇ બળવંતભાઇ અંધારીયા તથા સાસુ જ્યોત્સનાબેન અશોકભાઇ અંધારીયા સહિતનાઓએ એક સંપ કરી વિભૂતિબેનને તુ અમને ગમતી નથી તેમ કહી શારરીક, માનસીક ત્રાસ આપી તેણીને અવાર વાર મારઝુડ કરી તને કાંઇ આવડતુ નથી. તેમ કહી મરવા મજબુર કરી ઉકત ત્રણેય આરોપીઓએ એક બીજાને ગુનામાં મદદગારી કરી હતી. સાસરીયાના ત્રાસ થી કંટાળી વિભૂતિબેને ગત તા. ૨૫/૯/૧૮ના રોજ સવારના ૧૦ વાગ્યાના સુમારે તેના ઘરે બેડરૂમમાં પંખા સાથે ગળાફાસો ખાઇ આપઘાત વ્હોરી લીધો હતો.

આ બનાવ અંગે મરણજનાર વિભૂતિબેનના પિતા દિવાકરભાઇ અંધારીયાએ જે તે સમયે સ્થાનિક બોરતળાવ પોલીસ મથકમાં ઉકત આરોપીઓ (૧) જયભાઇ અશોકભાઇ અંધારીયા (૨) અશોકભાઇ બળવંતરાય અંધારિયા (૩) જ્યોત્સનાબેન અશોકભાઇ અંધારીયા સામે પોલીસ ફરીયાદ નોંધાવતા પોલીસે ઇપીકો કલમ ૩૦૬, ૪૯૮(ક), ૧૧૪ મુજબનો ગુનો નોંધીયો હતો.

આ અંગેનો કેસભાવનગરના પ્રિન્સીપલ ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ આર.ટી.વચ્છાણીની અદાલતમાં ચાલી જતા અદાલતે જીલ્લા સરકારી વકિલ વિપુલભાઇ દેવમુરારીની અસરકારક દલીલો, મૌખીક પુરાવા- ૧૭, દસ્તાવેજી પુરાવા-૨૯ વિગેરે ધ્યાને રાખી મુખ્ય આરોપી જયભાઇ અશોકભાઇ અંધારીયા સામે ઇપીકો કલમ ૩૦૬ મુજબના શિક્ષાપાત્ર ગુનાના કામે તકસીરવાન ઠરાવી ૧૦ વર્ષની સખ્ત કેદની સજા અને રોકડા રૂ. ૧૦ હજારનો દંડ આરોપી દંડ ન ભરે તો વધુ એક માસની સજા, ઇપીકો કલમ ૪૯૮(એ) મુજબના ગુના સબબ આરોપીને ત્રણ વર્ષની કેદની સજા રોકડા રૂ।. પાંચ હજારનો દંડ, આરોપી દંડ ન ભરે તો વધુ ૧ માસની કેદની સજા અદાલતે ફટકારી હતી. જ્યારે સાસુ, અને સસરાને શંકાનો લાભ આપી છોડી મુકવા અદાલતે હુકમ કર્યો હતો.

(11:40 am IST)