Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

ખોડલધામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને ત્રણ વર્ષ પૂર્ણઃ ઓલ ઇન્ડિયા કન્વીનર મીટ સંપન્ન

રાજકોટઃ સૌરાષ્ટ્રની ધરા પર આજથી ત્રણ વર્ષ પહેલાં જેતપુર તાલુકાના કાગવડ ગામ પાસે શ્રી ખોડલધામ મંદિરનો પાંચ દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો. ૨૧ જાન્યુઆરી ૨૦૧૭ના રોજ રૂમઝુમ પગલેમા ખોડલ સહિત ૨૧ દેવી-દેવતા ખોડલધામ મંદિરમાં બિરાજમાન થયા હતા. શ્રી લેઉવા પટેલ સમાજની સંગઠન શકિતથી ઉભું થયેલું ખોડલધામ મંદિર ત્રણ વર્ષ પહેલાં રાષ્ટ્રને સમર્પિત થયું ત્યારથી દરરોજ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવી રહ્યા છે. ત્યારે ખોડલધામ મંદિરને ત્રણ વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે ખોડલધામ મંદિરે ઓલ ઇન્ડિયા કન્વીનર મીટ યોજાઇ હતી. ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા આયોજિત આ ઓલ ઇન્ડિયા કન્વીનર મીટમાં કન્વીનરો, સહકન્વીનરો સહિત ૫ હજાર જેટલા લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ચેરમેન નરેશભાઇ પટેલે ખોડલધામ ટ્રસ્ટના આગામી પ્રકલ્પો સમાજની વચ્ચે મૂકયા હતા. ખોડલધામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ત્રણ વર્ષ પૂર્ણ થવાના પાવન અવસરે સવારે હવનઙ્ગસાથે કાર્યક્રમની શરૂઆત થઇ હતી. જિલ્લા કન્વીનરો દ્વારા ''રંગમંચ'' ખાતે હવન કરાયો હતો. બાદમાં ધ્વજાજીનું પૂજન કરવામાં આવ્યું હતું. પૂજન બાદમાં ખોડલની મહાઆરતી કરવામાં આવી હતી. બાદમાં ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશભાઇ પટેલે સંબોધન કર્યુ હતું. ત્યારબાદ વાજતે ગાજતે ધ્વજાજીના સામૈયા કરી મંદિરના શિખર પર ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. ધ્વજારોહણ બાદ એડમિન ઓફિસમાં આવેલા કોન્ફરન્સ હોલમાં તમામ જિલ્લા કન્વીનરોની એક બાદ એક મીટીંગ યોજાઇ હતી. ઓલ ઇન્ડિયા કન્વીનર મીટ પ્રસંગે ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેનશ્રી નરેશભાઇ પટેલે હાજર લોકોને સંબોધન કરતાં કહ્યું કે, ત્રણ વર્ષની અંદર મંદિર પરિસરમાં જે રીતે કામ થયું છે તે આપણા બધાના સહિયારા પ્રયાસનું પરિણામ છે. મા ને બિરાજમાન થયાના આજે ત્રણ વર્ષ પૂર્ણ થયા છે ત્યારે ફરીથી પાંચ દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગ ઉડીને આંખે આવે છે. મંદિર પરિસરની સ્વચ્છતા અને સાફ-સફાઇ અંગે વાત કરતાં નરેશભાઇ પટેલે કહ્યું કે,૨૦૧૭માં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે ૭૫ લાખની જનમેદની વચ્ચે પણ કયાંય કાગળનો ટુકડો જોવા મળ્યો નહતો અને આ ત્યારે જ શકય બને જ્યારે આપણે સાથે હોઇએ. આપણા બધાના મન એક છે અને મને ગૌરવ થાય છે કે ખોડલધામને સમાજ પોતાનું ગણે છે. મંદિર નિર્માણ બાદના ટ્રસ્ટના આગામી વર્ષોમાં શિક્ષણ, કૃષિ અને આરોગ્ય અંગેના પ્રકલ્પો વિષે વાત કરતાં નરેશભાઇ પટેલે જણાવ્યું કે, શિક્ષણ ક્ષેત્રે આપણે ઝડપથી આગળ વધી રહ્યા છીએ, ૪૨ એકરમાં પહેલું રોલ મોડેલ રાજકોટ બનાવે તે દિશામાં ઝડપથી કાર્યવાહી આગળ વધે તે માટે ટીમ કાર્યરત છે અને એખ વર્ષની અંદર સમાજ માટે ઘણું બધું કામ કરીશું. આ ઉપરાંત ખોડલધામ ટ્રસ્ટ-કાગવડની સેવાની હૂંફ બીજા જિલ્લાોમાં આપી શકીએ તે અંગે કામ કરી રહ્યા છીએ. આગામી ૨૦૨૨માં ખોડલધામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને પાંચ વર્ષ પૂર્ણ થવાના અવસરે ૨૦૧૭ મુજબનો પાંચ દિવસીય અવસર ઉજવવાની ઇચ્છા નરેશભાઇ પટેલે હાજર લોકો સમક્ષ મૂકતા સૌએ આ વાતને વધાવી લીધી હતી. નરેશભાઇ પટેલે પોતાની વાત મૂકતા કહ્યું કે ૨૦૨૨માં પાંચ વર્ષ પૂર્ણ થવાના અવસરે ફરીથી આપણે ગામે ગામ રંગોળી કરવી છે, માતાજીનો રથ ફેરવવો છે. ખોડલધામ મંદિરે યોજાયેલી આ કન્વીનર મીટમાં ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ટ્રસ્ટીઓ, લેઉવા પટેલ સમાજ અતિથી ભવન વેરાવળ-સોમનાથના ટ્રસ્ટીઓ, સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન-રાજકોટના ટ્રસ્ટીશ્રીઓ, દાતાઓ, જિલ્લા કન્વીનર, તાલુકા કન્વીનર, ગ્રામ્ય કન્વીનર, સોસાયટી કન્વીનર, વોર્ડ કન્વીનર, ખોડલધામ મહિલા સમિતિના સભ્યો, ખોડલધામ વિદ્યાર્થી સમિતિના સભ્યો, સમાજની સંસ્થાના સભ્યો, તમામ સોશિયલ ગ્રુપના સભ્યો, લેઉવા પટેલ સમાજના અટકથી ચાલતા પરિવારના સભ્યો સહિત કુલ ૫ હજાર જેટલા લોકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સૌ મા ખોડલનો મહાપ્રસાદ લઇને છૂટા પડ્યા હતા.

(4:11 pm IST)