Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

સૌરાષ્ટ્ર-કચ્છમાં જશરાજજીના શૌર્ય દિવસની ઉજવણી

લોહાણા સમાજ દ્વારા પૂજન, અર્ચન, મહાઆરતી, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો

રાજકોટ તા. રર :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર - કચ્છમાં આજે પૂ. જશરાજદાદાના શૌર્ય  દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આજે લોહાણા સમાજ દ્વારા પૂજન, અર્ચન,  મહાઆરતી, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાયા છે.

તાલાલાગીર

તાલાલા (ગીર) : તાલાલા લોહાણા મહાજન ટ્રસ્ટ તથા જલારામ સેવા ટ્રસ્ટ તથા લોહાણા મહિલા મંડળ તથા લોહાણા યુવક મંડળો દ્વારા વિરદાદા જશરાજની પુણ્યતિથિ શૌર્ય દિન તરીકે ઉજવાશે.

આ પ્રસંગે તાલાલા લોહાણા મહાજન વાડીમાં વિરદાદા જશરાજને નૈવેધ તથા ગુલાબી સાફો અર્પણ કરી પૂજા, આરતી સાથે વિરદાદા જશરાજની શહીદીને વંદન કરી વિવિધ સ્મરણો ઉજાગર કરવામાં આવશે. આ ઉપરાંત તાલાલા લોહાણા સમાજના પરિવારો પોતાની રીતે વિરદાદા જશરાજની સ્મૃતિમાં આખો દિવસ ભૂખ્યાને ભોજન તથા શ્વાન અને ગૌમાતાને રોટલા તથા ઘાસચારો આપશે.

સાંજે ૪ કલાકે તાલાલા શહેર લોહાણા સમાજના સી.એ. થયેલા છ વિદ્યાર્થીઓ સહિત સમાજના ર૦૦ તેજસ્વી તારલાને શિલ્ડ અને પ્રમાણપત્ર અર્પણ કરી પ્રોત્સાહિત કરવામાં આવશે.

દ્વારકા

દ્વારકા : દ્વારકામાં આજે જશરાજ દાદાની પુણ્યતિથિ નિમિત્તે લોહાણા મહાજનવાડી ખાતે રઘુવંશી (લોહાણા) સમાજની સમૂહ જ્ઞાતિજનો માટે પ્રસાદીનું આયોજન કરાયું છે.

ઉલ્લેખનીય છે કે દ્વારકા ત્રણબતી ચોકમાં નાની એવી 'અપના પાનધર'ની દુકાન ચલાવતા અમૃતલાલ રણછોડદાસ રાયઠઠ્ઠા દ્વારા રઘુવંશી (લોહાણા) જ્ઞાતિ માટે જલારામ જયંતિ હોય કે અન્ય પ્રસંગો હોય તે દરમ્યાન અત્યાર સુધીમાં સતત આઠમી વખત જ્ઞાતિજનો માટે સમૂહ પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે. આજના આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજના લોકો ઉમટી પડશે.

(11:54 am IST)