Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

વિંછીયાના હિંગોળગઢ ગામે હસુભાઈ માલકીયા ઉપર પાઈપ-છરીથી હુમલો

મારા વિરૂદ્ધ કેમ અરજી કરે છે ? તેમ કહી જીતુ કોળી તૂટી પડયો

રાજકોટ, તા. ૨૨ :. વિંછીયાના હિંગોળગઢ ગામે મારા વિરૂદ્ધ અરજી કેમ કરે છે ? તેમ કહી યુવાન પર કોળી શખ્સે પાઈપ અને છરીથી હુમલો કર્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ વિંછીયાના હિંગોળગઢ ગામે રહેતા હસુભાઈ ઉર્ફે અશોકભાઈ બીજલભાઈ માલકીયા પોતાની વાડીએ જતા હતા ત્યારે તે જ ગામના જીતુ વિરજીભાઈ કોળીએ તેને રસ્તામાં ઉભો રાખી 'મેં આ અશ્વ ઉછેર કેન્દ્રની જમીન વાળેલ છે'તે બાબતે મારા વિરૂદ્ધમાં કેમ અરજીઓ કરે છે ?' તેમ કહી લોખંડના પાઈપ અને છરીથી હુમલો કરતા હસુભાઈને ઈજા થઈ હતી.

આ અંગે ઈજાગ્રસ્ત હસુભાઈ જીતુ કોળી સામે વિંછીયા પોલીસ મથકમાં ફરીયાદ કરતા હેડ કોન્સ. કે.સી. શેખએ તપાસ હાથ ધરી છે.

(11:28 am IST)