Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

ખરેડા-કોટડાસાંગાણી રોડ પર ટ્રેકટરે બાઇકને ઉલાળતાં ગોંડલના દિલીપભાઇ વીરડીયાનું મોત

લેઉવા પટેલ પ્રોૈઢ દિકરીને લઇ સસરાના ઘરે કોટડા સાંગાણી જતા'તા ત્યારે બનાવઃ દિકરીનો બચાવ : રાજકોટ અટિકામાં કારખાનુ ધરાવતાં હતાં: પરિવારમાં કલ્પાંત

રાજકોટ તા. ૨૨: ખરેડા અને કોટડા સાંગાણી વચ્ચેના રસ્તા પર સાંજે સાતેક વાગ્યે ટ્રેકટરની ઠોકરે બાઇક ચડી જતાં બાઇક ચાલક ગોંડલ રહેતાં લેઉવા પટેલ કારખાનેદાર અને સાથે બેઠેલી દિકરી ફંગોળાઇ ગયા હતાં. જેમાં કારખાનેદારનું ગંભીર ઇજા થતાં મોત નિપજ્યું હતું.

જાણવા મળ્યા મુજબ ગોંડલમાં ગુંદાળા રોડ પર સરવૈયા શેરીમાં રહેતાં અને રાજકોટ અટિકામાં કારખાનુ ધરાવતાં દિલીપભાઇ બાબુભાઇ વીરડીયા (લેઉવા પટેલ) (ઉ.વ.૫૦) સાંજે સાતેક વાગ્યે પોતાના બાઇકમાં ૨૦ વર્ષની દિકરીને બેસાડીને કોટડા સાંગાણી રહેતાં સસરા લક્ષમણભાઇ હરજીભાઇ સોજીત્રાને ત્યાં આટો મારવા જઇ રહ્યા હતાં ત્યારે રસ્તામાં ખરેડા-કોટડા વચ્ચેના રોડ પર ટ્રેકટરની ઠોકરે બાઇક ચડી જતાં પિતા-પુત્રી ફંગોળાઇ ગયા હતાં. જેમાં પુત્રીનો ચમત્કારિક બચાવ થયો હતો. જ્યારે પિતા દિલીપભાઇને ગંભીર ઇજા થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ રાત્રીના દમ તોડી દેતાં સ્વજનોમાં શોક છવાઇ ગયો હતો.

મૃત્યુ પામનાર બે ભાઇ અને એક બહેનમાં નાના હતાં. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને રામજીભાઇએ કાગળો કરી કોટડા પોલીસને જાણ કરી હતી. મૃતદેહને અંતિમવિધી માટે ગોંડલ લઇ જવાયો હતો.

(11:25 am IST)