Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

ભાવનગર : ટોળાએ ટેકનીશ્યનને છરી ઝીંકી - સિકયુરીટી ઉપર હુમલો

સર ટી હોસ્પિટલમાં રાત્રે સારવાર માટે દર્દીને લવાયા બાદ ટોળે વળવાની ના પાડતા મામલો બીચકયો

ભાવનગર : સર ટી હોસ્પિટલના ટેકનિશ્યન અને સિકયુરીટી પર ટોળાએ હુમલો કરતા બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થયો છે. (તસ્વીર : મેઘના વિપુલ હીરાણી, ભાવનગર)

 

(મેઘના વિપુલ હિરાણી) ભાવનગર તા. ૨૨ : ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં લોકોને ટોળુ વળવાની ના પાડતા કેટલાક શખ્સોએ ઇમરજન્સી વોર્ડના ટેકનિશ્યનને છરીનો ઘા ઝીંકી, સીકયુરીટી જવાન ઉપર પણ હુમલો કરતા તબીબો, હોસ્પિટલનો સ્ટાફ અને પોલીસ કાફલો દોડી ગયો હતો.

ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં ગઇ મોડીરાત્રે સારવાર માટે લવાયેલ દર્દીના સગા-વ્હાલાઓ એકઠા થઇ જતા અને ઇમરજન્સી વોર્ડમાં લોકોના ટોળે ટોળા એકઠા થતાં ફરજ પરના સિકયુરીટી ગાર્ડ રફીકભાઇ મારૂડાએ લોકોને ટોળુ નહિ વળવા અને બહાર ઉભા રહેવાનું કહેતા લોકોના ટોળાએ ઉશ્કેરાઇ સિકયુરીટી જવાન રફીકભાઇ ઉપર હુમલો કરતા તેને બચાવવા વચ્ચે પડેલા હોસ્પિટલના ઇસીજી ટેકનીશ્યન ભાવેશભાઇ ભટ્ટી (ઉ.વ.૪૦) ઉપર ટોળામાંથી એક શખ્સે છરી વડે હુમલો કર્યો હતો. આ બનાવથી હોસ્પિટલના તબીબો અને સ્ટાફ દોડી આવ્યો હતો અને પોલીસને જાણ કરાતા સિટી ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો દોડી આવ્યો હતો.

સમગ્ર બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થયો છે અને આ બનાવ અંગે ટોળા સામે ફરીયાદ નોંધાવવામાં આવી છે. સર ટી. હોસ્પિટલનાં ઇમરજન્સી વોર્ડમાં લોકોનાં ટોળેટોળા ભેગા થતા હોય વારંવાર સ્ટાફ સાથે બોલાચાલી અને મારામારીનાં બનાવો બનવા પામે છે.

(11:19 am IST)