Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd January 2019

વાંકાનેર તાલુકા શાળા આરોગ્ય કાર્યક્રમમાં ૪૩૯૮૭ બાળકોની આરોગ્ય તપાસ

 વાંકાનેર તા.૨૨ : હેલ્થ ઓફીસના ડોકટરો અને તેની ટીમ દ્વારા દર વર્ષે શાળા આરોગ્ય કાર્યક્રમ હેઠળ શાળાના વિદ્યાર્થીઓને ચેકઅપ કરી જરૂરિયાતમંદને સારવાર માટે મોકલવામાં આવેલ છે.

શાળા આરોગ્ય કાર્યક્રમની કામગીરી વાંકાનેર હેલ્થ ઓફીસના ડોકટરો અને સ્ટાફે બજાવી હતી અને તાલુકાની જૂદી જૂદી શાળાના ૬૫૪૯૧ બાળકોની સામે અત્યાર સુધીમાં ૪૩૯૮૭ બાળકોને તપાસી તેમાથી જૂદા જૂદા દર્દને મળી આવેલ દર્દીઓને તપાસ સારવારની જરૂરી પ્રક્રિયા પુર્ણ કરી હતી. જેમાં ૫૨૦ બાળકોને નાની ખામીઓ જોવા મળેલ જેમાં ૧૧૩ બાળકો આંખના નંબરવાળા જોવા મળતા તમામને ચશ્મા આપવામાં આવેલ.

સાત બાળકોને હૃદયરોગની બિમારી જોવા મળતા તેમાંથી બે બાળકોને વધુ સારવારની જરૂરત જણાતા તેને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન સહિતની જરૂરી સારવાર આપવામાં આવેલ. કાનની તકલીફવાળા એક બાળક મળી આવતા તેને કોકલીયર ઇમ્પ્લાન્ટનું ઓપરેશન પણ વિનામુલ્યે કરી આપવામાં આવેલ જયારે ૧૬ બાળકો કુપોશીત જણાતા તેને બાલ સેવા કેન્દ્રમાં મોકલી સારવાર અને પૌષ્ટિક આહાર અપાયેલ. આ કાર્યક્રમમાં આર.બી.એસ.કે. ટીમ અને પીએચસી ટીમના ડોકટરો અને કર્મચારીઓ જોડાયા હતા.

(11:36 am IST)