Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd January 2019

આંતર માળખાકીય વિકાસ માટે જમીન સંપાદનની નવી પદ્ધતિથી સંઘર્ષ વગર જમીન મળે

જમીન માલિકની ૧૦૦ ટકા જમીન સંપાદન કરવાના બદલે જયાંથી રોડ, કેનાલ, રેલ્વે નીકળવાની શકયતાઓ છે તેના સેન્ટરથી બંને બાજુ એક કિલોમીટર સુધીમાં જુદા જુદા જમીન માલિકો પાસેથી ૩થી ૧ર ટકા સુધીની જમીન સંપાદન કરવી જોઇએ

મોરબી  : કોઇપણ રાષ્ટ્રનો વિકાસ તેનું આંતરમાળખું કેટલું સારૃં અને સુદૃઢ છે તેના પર આધારિત છે. આંતરમાળખામાં ટ્રાન્સપોર્ટ, રોડ, રેલ્વે, એરપોર્ટ, બંદર, ડેમ, વીજળી વગેરે આવી જાય. ત્રણસો વર્ષ પહેલાની વાત કરીએ તો વાહનવ્યવહારના ખાસ સાધનોનો અવિસ્કાર થયો નહતો. પણ હાથી, ઘોડા, ઉંટ, ગધેડા, ભેંસ કે પાડાનો લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા અને માલસામાન વહન કરવા માટે ઉપયોગ કરતા. એ વખતે રસ્તા-રોડ પણ કાચા હતા. આપણા દેશને આઝાદ થયા પછી સમયાંતરે અને ઉદ્યોગ ધંધા માટે ઝડપી વાહનવ્યવહાર માટે ધીમે ધીમે સડક સુવિધા વધતી રહી છે. રેલ્વે તો અંગ્રેજોએ પોતાના ધંધાને માટે વિકસાવેલી. રેલ્વે સુવિધાને માત્ર આપણે વિસ્તારી રહ્યાં છીએ. બંદર વેપાર તો સદીઓથી ચાલ્યો આવે છે, પણ બંદરોના વિકાસમાં પણ અંગ્રેજોનો આભાર માનવો પડે ! ભારતની સંપતિને પોતાના દેશમાં ઘસડી જવા માટે રેલ્વે અને બંદરોને અંગ્રેજોએ વિકસાવેલા ડેમ, નહેર અને વિજળીની વ્યવસ્થાનો વિકાસ આપણે આઝાદી પછી કરતા થયા છીએ.

આ આંતરમાળખાકીય સુવિધાના વિકાસ અને વિસ્તરણ માટે જમીનની જરૂરત રહે છે. આ જરૂરી જમીન સંપાદનનું કામ ઘણું કપરૃં અને કઠીન છે. જમીનના માલિક પાસેથી જમીન સંપાદન કરવી ખૂબ અઘરી બાબત છે. વાસ્તવમાં તો ભારત કે કોઇ પણ રાષ્ટ્રમાં જમીન અને સઘળી કુદરતી સંપતિની માલિકી જે તે રાષ્ટ્રની સરકારની હોય છે. ભારત દેશની વાત કરીએ તો સરકાર જમીનના માલિક છે. જમીનદાર , ખેડૂતો તો માત્ર અને માત્ર લીઝ હોલ્ડરો છે. ખેડૂતો અને જમીનદારો આ વાત વિસરી  ગયા છે અને તેથી જમીનના માલિક બની બેઠા છે અને જયારે જયારે રોડ, રેલ્વે, એરપોર્ટ, બંદર, નહેર, ડેમ, વીજળી વાયરના થાંભલાની સુવિધા ઉભી કરવા જમીન સંપાદન કરવાની વાત આવે છે ત્યારે સરકાર અને ખેડૂત, જમીન માલિક વચ્ચે સંઘર્ષ સર્જાય છે અને યોજના ખોરંભે પડે છે વિલંબીત રીતે થાય છે.

અમદાવાદથી મુંબઇની બુલેટ ટ્રેન માટે જમીન આપવા માટે વિરોધ થઇ રહ્યો છે અને બુલેટ ટ્રેનના પ્રોજેકટમાં વિલંબ અને અડચણ ઉભી થઇ રહી છે. આજ વાત ચાઇનામાં હોય તો ત્રણ દિવસ પહેલા નોટીસ આપવામાં આવે અને પાંચમાં દિવસે તો ત્યાં રોડ કે રેલ્વેનું કામ શરૂ થઇ જાય છે. ચાઇનામાં આજે ૧૮૦૦૦ કિ.મી.ની મેટ્રો ટ્રેઇન દોડી રહી છે. ચાઇનામાં સ્પીડના આધારે ટ્રેઇનનું એ,બી,સી,ડી, ઇ અને એફમાં વર્ગીકરણ કરેલ છે. તેના ટ્રેક જુદા, સ્ટેશન જુદા, સ્ટાફ જુદો. ૧૯૮૮માં ચાઇનામાં સેંઝલથી લીમ્બો ચાર વાર ટ્રેઇન-બસ બદલીને ૭ર કલાકે પહોંચાતું હતું તે આજે રપ૦ કિ.મી./કલાકની ઝડપે દોડતી સુપરફાસ્ટ ટ્રેઇનમાં માત્ર ૧૧ કલાકમાં પહોંચાય છે. જયારે આપણે ત્યાં મુંબઇથી અમદાવાદ સુધીની પ૦૦ કિ.મી.ની મેટ્રો ટ્રેઇનની હજુ વાતો કરીએ છીએ.

આજે ભારતમાં જમીન સંપાદન પદ્ધતિમાં પરિવર્તન કરવાની જરૂર છે. હાલમાં જમીન સંપાદન પદ્ધતિમાં રોડ કે રેલ્વે ટ્રેકની બન્ને બાજુની નજીકની ૧૦૦ ટકા જમીન સંપાદિત કરવામાં આવે છે જેના કારણે જમીન માલિકની ૧૦૦ ટકા જમીન કપાત થઇ જતી હોવાથી ખૂબ જ નારાજ અને ગુસ્સે થાય છે કારણ કે તેની સંપાદન થયેલ જમીનમાંથી જે રોડ, રેલ્વે, કેનાલ નીકળે છે અને તે વિસ્તારનું જે ડેવલોપમેન્ટ ભવિષ્યમાં થશે તેનો કોઇ જ લાભ કે બેનિફીટ તેને મળશે નહીં. જયારે તેની બાજુમાં જેની જમીન આવેલ છે તેને બધા લાભ મળશે. આ બધા ડેવલોપમેન્ટ થવાના કારણે જે જમીન પ્રાઇઝ ઉચકાશે તેનો પણ લાભ તેને મળશે નહીં. આ કારણસર આજે ભારતમાં જમીન સંપાદન માટે લોકો તૈયાર થતા નથી અને લીગલ ઇસ્યુ, કોર્ટમાં સ્ટે, સરઘસો, આંદોલન વગેરે થતાં હોય છે અને જમીન સંપાદનની પ્રક્રિયામાં ખૂબ જ સમય અને કાનૂની પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે અને ડેવલોપમેન્ટની પ્રક્રિયા ખૂબ સમય માંગી લે છે. એટલે કે હાલની આપણી જમીન સંપાદન પદ્ધતિમાં જો નીચે આપેલ સજેશન મુજબ ફેરફાર કરવામાં આવે તો ખેડૂતો, જમીન માલિકો રાજીખુશીથી અને કદાચ વિનામૂલ્યે જમીન આપવા તૈયાર થાય અને કદાચ ખેડૂતો, જમીન માલિકો સામેથી સરકારશ્રીને રજૂઆત કરે કે અમારી જમીન સંપાદન કરો !

હાલની જમીન સંપાદન પદ્ધતિમાં આ પ્રમાણે માત્ર થોડોક જ ફેરફાર કરવામાં આવે તો જમીન સંપાદિત કરવામાં ઘણી જ સરળતા થઇ જાય. જેમાં એક જ જમીન માલિકની ૧૦૦ ટકા જમીન સંપાદન કરવાના બદલે જયાંથી રોડ, કેનાલ, રેલ્વે નિકળવાની શકયતાઓ છે તેના સેન્ટરથી બન્ને બાજુ એક કિલોમીટર સુધીમાં (જ એક કિ.મી. સુધીની લંબાઇમાં જરૂરીયાત મુજબની લેન્ડ) જુદા જુદા જમીન માલિકો પાસેથી ૩ ટકાથી લઇને ૧ર ટકા સુધીની જમીન સંપાદન કરવી જોઇએ. જેનો રેશિયો નીચે પ્રમાણે હોવો જોઇએ :-

(એ) રોડના સેન્ટરથી બન્ને બાજુમાં રપ૦ મીટર સુધીની હદમાં જે જમીન આવતી હોય તેની ટોટલ જમીનમાંથી ૧ર ટકાના હિસાબે જમીન સંપાદન કરવી જોઇએ. જેના કારણે તેની બાકીની લેન્ડ ૮૮ ટકા લેન્ડ રોડ ટચ રહે અને ભવિષ્યમાં તેને માર્કેટ વેલ્યુ વધારે મળે.

(બી) રોડના સેન્ટરથી બન્ને બાજુ રપ૦ મીટર પછી અને પ૦૦ મીટરની વચ્ચે જેની લેન્ડ આવતી હોય તેની ટોટલ લેન્ડમાંથી ૯ ટકા જમીન સંપાદન કરવી જોઇએ.

(સી) રોડના સેન્ટરથી બન્ને બાજુ પ૦૦ મીટર પછી અને ૭પ૦ મીટરની વચ્ચે જેવી લેન્ડ આવતી હોય તેમાંથી ૬ ટકા જમીન સંપાદન કરવી જોઇએ.

(ડી) રોડના સેન્ટરથી બન્ને બાજુ ૭પ૦ મીટર પછી અને ૧૦૦૦ મીટરની વચ્ચે જેની જમીન આવતી હોય તેમાંથી ૩ ટકાના હિસાબે જમીન સંપાદન કરવી જોઇએ.

આ પદ્ધતિથી જમીન સંપાદન કરવામાં આવે તો પ્રોજેકટ મુજબની જરૂરી જમીન, આસાનીથી સંપાદિત થઇ શકે અને જમીન માલિકો સામે ચાલીને પોતાની જમીન આપવા તૈયાર થશે ! કારણ કેઃ-

(૧) રપ૦ મીટરની હદમાં આવતી જમીન માલિકની ૮૮ ટકા જમીન રોડ ટચ થઇ જશે તેથી ૮૮ ટકા જમીનની બજાર કિંમત ર૦થી રપ ટકા વધી જશે. આ પ્રમાણે જ પ૦૦ મીટર, ૭પ૦ મીટર અને ૧૦૦૦ મીટરવાળાની પણ બજાર કિંમતમાં ૧૦ ટકાથી ર૦ ટકા સુધી વધારો વધારો થશે અને તેની ૧૦૦ ટકા જમીન સંપાદન ન થવાથી, કપાતમાં ન જવાથી ખુશી થશે.

(ર) આજે જમીન પાલિકની જમીન ખૂણાખાંચાવાળી અનિયમિત આકારની છે. કયાંક ગોળકાર શેઢા, કયાંક ત્રિકોણાકારે ખેતરો હોય છે, પરંતુ આ પ્રમાણે નવી પદ્ધતિએ જમીન સંપાદન થયા પછી નવેસરથી માપણી થઇને આખરે જમીન ચોરસ, લંબચોરસ આકારમાં ખાંચાખુચી વગેરે નીકળી જશે અને બગાડ ઓછો થશે. ખેતી કરવાની પણ સરળ બનશે.

(૩) રોડના સેન્ટરથી બન્ને બાજુ દર ૧ કિ.મી.ના અંતરે એક ૧૮ મીટરનો રોડ ૧ કિ.મી. ઉંડાઇ સુધીનો મૂકવાથી તેની જમીનને ૧૮ મીટરનો રસ્તો મળશે. તેનાથી જમીનની કિંમત વધશે અને મુખ્ય રોડ સાથે તેને સીધું જોડાણ મળશે. સાંકડા રોડની જગ્યાએ ૧૮ મીટરનો ડાયરેકટ હાઇવેનો એપ્રોચ મળશે.

(૪) આ રીતે જમીન સંપાદન કરવાથી જમીન માલીકને પોતાની જમીનની બજાર કિંમત વધશે. જમીનનો નવો આકાર મળશે, નવું ડેવલપમેન્ટ આવશે અને તેઓ જમીન આપવા ફ્રી ઓફ ચાર્જે પણ રાજી થશે કારણ કે તેની જમીનની કનેકટીવીટી ડાયરેકટ મેઇન રોડ સાથે મળશે.

(પ) આ રીતે જમીન સંપાદન કરવાથી સરકારને ફ્રી ઓફ ચાર્જ ૮૪ મીટરનો રોડ + ૧૮ મીટરના ઇન્ટરનલ રોડ માટે જે જમીન જોઇએ તેનાથી પણ ર થી ૩ ટકા જમીન વધારે મળશે. આ વધારાની જમીનનો ઉપયોગ સરકાર પોલીસ સ્ટેશન, હોસ્પિટલ, ફાયર બ્રિગેડ, સ્કૂલ, પાવર ગ્રીડ, બસ સ્ટેશન જેવી જાહેર સેવાઓ માટે કરી શકે.

આ પ્રકારે જમીન સંપાદિત કરવાનું માપણી સાથેનું ચિત્ર જોતા સ્પષ્ટ સમજાય છે. બીજું, આજ પદ્ધતિએ રેલ્વે, નહેર, ડેમ, ટ્રાન્સમિશન લાઇનો, ગર્વમેન્ટ ઇન્ફ્રા પ્રોજેકટ માટે જમીન સંપાદન થઇ શકે. સરકાર દ્વારા આ પદ્ધતિએ જમીન સંપાદન કરવામાં આવે તો જમીન માલિકો તથા સરકારને ઘણી મોટી રાહત થશે. આંદોલન અને સંઘર્ષ વગર જમીન સંપાદિત થાય અને વિના વિલંબે પ્રોજેકટ નિરધારીત સમયમાં પૂર્ણ થઇ પ્રજાની સેવામાં મૂકી શકાય.

આપણા દેશમાં આજે રોડ ડેવલોપ કરવા ઘણા જ અગત્યના છે. આપણે વર્ષોથી 'રોડ' બનાવીએ છીએ જેવા કે જે સિંગલ રોડ હોય તેને ડબલ કરીએ છીએ અને જે ડબલ હોય તેને થ્રી લાઇન કરીએ છીએ અને જે થ્રી લાઇન હોય તેને ફોર લાઇન કરીએ છીએ અને ફોર લાઇન હોય તેને આપણે ૬ લાઇન કરીએ છીએ. આપણા દેશમાં લગભગ પ૦ વર્ષથી આ મુજબ રોડનું ડેવપલોપમેન્ટ કરીએ છીએ જે રોડ હોય તેને જ ર થી પ વર્ષ પછી દર વખતે મોટા કરતા જઇએ છીએ જે એક સામાન્ય વાત છે. આપણે કયારેય પણ નવા લોકેશન ઉપરથી નવા રોડ બનાવવાનું પ્લાનીંગ કરતા નથી, કારણ કે 'લેન્ડ સંપાદન' ના મોટો ઇસ્યુ ઉભા થાય છે.

પરંતુ જો આપણે થોડુંક વિચારીએ તો દર વખતે રોડ મોટા કરવા માટે જુના રોડ, નાળા, બ્રીજ વગેરેને નકામા કરીને નવા બનાવીએ અને કરોડો રૂપિયા ખર્ચીને જુના રોડ હોય તેને તોડી નાખીને નવા બનાવવા માટે બીજા કરોડા રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે.

આપણે બધા જાણીએ છીએ કે દેશભરમાં જુના રોડ વિલેજ, સીટી પાસેથી અથવા વચ્ચેથી પસાર થતા હોય છે. તેના કારણે ઓવરબ્રીજ, ફલાય ઓવર, રોડ ડીવાઇડર અને ગામ કે શહેર પાસે જે લોકલ ટ્રાફીકના કારણે હાઇવે ઉપર પણ ટ્રાફીક પણ જામના પ્રોબ્લેમો આવતા હોય છે.

પરંતુ જો આપણે નવી સંપાદન પધ્ધતિ અપનાવીને જો નવા જે લોકેશનો ઉપર રોડ બનાવીએ તો નીચે મુજબ લાભ અને કરોડો રૂપિયાના જુના બનાવેલ રોડને તોડીને નવા રોડ ન બનાવવા પડે અને નીચે પ્રમાણે ફાયદાઓ થાય

(એ.) જુના રોડ, બ્રીજ, નાળા, પુલ, ફલાય ઓવર વગેરે વેસ્ટ ન થાય અને દેશને કરોડો રૂપિયાનો ફાયદો થાય.

(બી.) નવા લોકેશન ઉપર નવા રોડ બનાવવાથી એડજેસ્ટીંગ રોડ ઉપરનો લોડ ઓછો ડીસ્ટર્બીશન થઇ જાય.

(સી.) નવા લોકેશન ઉપર નવા રોડ બનવાથી રોડનું ડિસ્ટન્શન ઓછું થાય અને નવા વિસ્તારો, વિલેજ, ગામને નવા રોડ મળે જેનાથી નવા રોડ ઉપર નવું ડેવલોપમેન્ટ, રોજગારી, સીટીનું અંતર ઓછું થાય અને સીટી સાથેની કનેકટીવીટી સારી મળે.

(ડી.) નવા લોકેશન ઉપર નવા રોડ બનવાથી એગ્રીકલ્ચર, ઇન્ડસ્ટ્રીઝ, ઇન્ફ્રા પ્રોજેકટને નવી લેન્ડ ઉપલબ્ધ થાય અને નવું ડેવલોપમેન્ટ ફાસ્ટ આવે.

(ઇ.) નવા લોકેશન ઉપર નવા રોડ બનવાથી નવા લોકો, ગામ, સીટીને નવી કનેકટીવી મળશે. જુના રોડનો લોડ ઓછો થશે.

દા. ત. આજે અમદાવાદથી રાજકોટ જવા માટેનો જે ફોરવે હાઇવે છે તેને આપણે ૬ વે હાઇવે બનાવવા જઇ રહ્યા છીએ પરંતુ તેની જગ્યાએ જો આપણે નવા લોકેશન ઉપરથી નવો ફોર-વે હાઇવે બનાવીએ તો જુના રોડનો પણ ઉપયોગ થશે, ખર્ચ ઓછો આવશે, જુનો ખર્ચ ફોર-વે  બનાવવાનો બાતલ-વેસ્ટ નહીં જાય અને નવા લોકો, ગામને હાઇવેની કનેકટીવીટી મળશે. આજે જે રોડ છે તે બાવળા, બગોદરા, લીંબડી, ચોટીલા, બામણબોર થઇને રાજકોટ જાય છે. પરંતુ જો નવો રોડ નવા લોકેશન ઉપર કાઢવામાં, બનાવવામાં આવે, જેવાં કે નળ સરોવર, લખતર, સુરેન્દ્રનગર, મુળી, તરણેતર, વાંકાનેર, લુણસર, સીધાવદર થઇને રાજકોટ જઇ શકે. આ રીતે થઇ શકે અને નવી લેન્ડ સંપાદન પધ્ધતીથી જો જમીન સંપાદન કરવામાં આવે તો આવું આખા દેશમાં શકય બની શકે.

ચાઇના જેવા દેશમાં પણ જુના રોડ હતા તે આજે પણ ઉપયોગમાં લેવામાં આવે છે અને સરકાર એ રોડને મેન્ટેન કરે છે અને પબ્લીક માટે ફ્રી ઓફ કોસ્ટ છે અને જે નવા હાઇવે, ફ્રી-વે, એકસપ્રેસ વે વગેરે જે ડેવલોપ કરવામાં આવે છે તે 'ચાર્જેબલ' છે અને તેના કારણે ટૂંકા અંતરે જવા વાળા જુના રોડનો ઉપયોગ કરે છે. અને લાંબા અંતરે જવા વાળા 'હાઇવે' નો ઉપયોગ કરે છે જેથી લોકલ ટ્રાફીક, ૩ વ્હીલર્સ, ટુ વ્હીલર્સ, ટ્રેકટર્સ, ગાડા, છકડા વગેરે લોકલ ટ્રાફીક 'હાઇવે' ઉપર આવતો નથી જેના કારણે 'હાઇવેનો' જ ઉદેશ છે તે સોએ સો ટકા સિધ્ધ થાય છે. પરંતુ આપણાં દેશમાં આપણે તો બાવાનો બેઉ બગાડીએ છીએ....!

આપણી હાલની લેન્ડ સંપાદન પધ્ધતીમાં જો સામાન્ય ફેરફાર કરીએ તો દેશને કરોડો રૂપિયાનો ફાયદો થાય અને લોકોને સરળતા રહે. ઓરેવા-અજંતા ગ્રુપ ઓફ કંપનીના જયસુખભાઇ ઓ. પટેલે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીને જમીન સંપાદનની આ નવી પધ્ધતિ માટે રજૂઆત કરી ત્યારે વડાપ્રધાનશ્રીએ પ્રતિપ્રશ્ન કર્યો કે આપણે જમીન સંપાદનની આ સરળ પધ્ધતિ કેમ અપનાવતા નથી...?...! તેઓશ્રીએ કેન્દ્રીય વાહન વ્યવહાર અને હાઇવે મંત્રીશ્રી નિતીન ગડકરીને જમીન સંપાદનની આ પધ્ધતિ અંગે જયસુખભાઇ સાથે ચર્ચા કરી અમલ કરવાનું સુચવેલું.

આજે આપણાં દેશમાં છેલ્લા પચ્ચાસ વર્ષમાં હજારોની સંખ્યામાં 'ડેમો' બનાવવામાં આવ્યા  છે. અને આ ડેમોમાંથી લાખો કિ. મી.ની કેનાલો કાઢવામાં આવેલ છે આ કેનાલો બનાવવા માટે વર્ષો પહેલા જમીનો સંપાદન કરવામાં આવી છે. આ કેનાલો જયારે બનાવવામાં આવેલ ત્યારે કેનાલોની બન્ને બાજુએ વધારાની લેન્ડ સંપાદન કરવામાં આવેલ હતી. જે કેનાલોનાં મેન્ટેનશ, ઓપરેશન અને સિકયોરીટી માટે લેન્ડ સંપાદન કરવામાં આવી હતી. આજે પણ દેશભરમાં આ જમીનો સંપાદન કરેલ ખાલી પડેલ છે અને તેનો ઉપયોગ ફકત કેનાલો માટે જ કરવામાં આવે છે, પરંતુ જો આ ફાજલ જમીનને નાવ રોડ બનાવવા માટે ઉપયોગ કરીએ તો દેશભરમાં નવા રોડ મળશે, નવું ડેવલોપમેન્ટ આવશે. રોડ ટચ નવી લેન્ડ બેક ઉભી થશે. ગ્રામ્ય વિસ્તારના લોકોને રોડની નવી કનેકટીવીટી મળશે. ગ્રામ્ય વિસ્તારમાં રોડ આવવાથી નવી રોજગારી આવક નિર્માણ થશે અને સરકારશ્રીને નવી લેન્ડ સંપાદનની કોસ્ટ, સમય, પ્રોસીઝર અને લીગલ પ્રોસેસમાંથી પસાર થવું પડશે નહીં, અને સાથોસાથ કેનાલોનું ઓપરેશન, મેન્ટેશન, સિકયોરીટી માટે જે આજે પ્રશ્નો છે તે ખુબ જ હળવા થશે અને દેશભરમાં લાખો કિ. મી.ના નવા રોડ મળશે.

સંસારની સઘળી માનવ સંસ્કૃતિ અને સભ્યતા નદી કિનારા વિસ્તારમાં પાંગરી છે. આપણે બધા જાણીએ છીએ કે જયાં રિવર અને રોડ હોય છે ત્યાં જ વિકાસ થાય છે. જો આપણે ખરેખર વિકાસ કરવો હોય તો આપણી પાસે એટલે કે 'સરકારશ્રી' પાસે જ સાધનો, પ્રોપર્ટી છે તેનો કાર્યક્ષમ ઉપયોગ કરવો પડશે.

-: આલેખન :-

જયસુખ પટેલ

મેનેજીંગ ડાયરેકટર,  ઓરેવા

અજન્ટા મેન્યુફેકચરીંગ પ્રા.લી.,

(ઓરેવા ગ્રુપ, મોરબી)

મો. ૯૮રપ૦ ૩૦૩૪૬

e.mail/: info@oreva.com, www.oreva.com

(11:31 am IST)