Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd January 2019

ગોંડલ સૌની યોજનાથી પાણીદાર બનશે, વેરી તળાવ બાદ ભાદર ડેમ ભરાશે

સૌની યોજના લિંક ૩ પારડી સુધી પહોંચી હોય ગોંડલની શેમળી નદીમાં ગણતરીના દિવસોમાં જ પહોંચી જશે : શેમળી નદીમાંથી વેરી તળાવ, આશાપુરા ડેમ, સેતુબંધ ડેમ તેમજ ગોંડલી નદી વાટે ભાદર ડેમ ભરવામાં આવશે

ગોંડલ તા. ૨૨ : ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા દ્વારા ઉનાળામાં ગોંડલ શહેરની પાણીની વિકટ સમસ્યા અંગે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને રજૂઆત કરવામાં આવી હતી અને લિંક ત્રણમાંથી ગોંડલના વેરી તળાવ ને ભરવાની માંગ કરવામાં આવી હતી જે રાજય સરકાર દ્વારા મંજૂરી અપાતા આજરોજ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, નગરપાલિકા પ્રમુખ અશોકભાઈ પીપળીયા, ઉપપ્રમુખ અર્પણાબેન આચાર્ય, કારોબારી ચેરમેન રાજેન્દ્રસિંહ જાડેજા, વોટર વર્કસ ચેરમેન આસિફભાઇ ઝકરિયા તેમજ ચંદુભાઇ ડાભી સહિતનાઓ પારડી ખાતે પહોંચેલ સૌની યોજના લિંક ત્રણનું નિરીક્ષણ કર્યું હતું.

આ તકે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે લિંક ત્રણનું કામ યુદ્ઘના ધોરણે ચાલી રહ્યું છે ગણતરીના દિવસોમાં જ સૌની યોજના શેમળી નદી સુધી પહોંચી જશે બાદમાં ત્યાંથી નદી વાટે સૌપ્રથમ વેરી તળાવ ભરવામાં આવશે જેના ઓવરફલો થયા બાદ આશાપુરા ડેમ, સેતુબંધ ડેમ ભરાશે અને ગોંડલી નદી વાટે ભાદર ડેમમાં નર્મદાના નીર પહોચશે. પાલિકા પ્રમુખ અશોકભાઇ પીપળીયાએ જણાવ્યું હતું કે સૌની યોજના ગોંડલ પહોચતા દુષ્કાળ ભૂતકાળ બની જશે, વોટર વર્કસ ચેરમેન આસિફભાઇ ઝકરિયાએ જણાવ્યું હતું કે ત્રંબા થી શેમળા સુધીની લાઈન આશરે ૧૫ કિમી જેવી છે પારડી ગામ થી શેમળી નદી સુધી અંદાજે ૩ કિલોમીટર જેવું કામ બાકી છે રોજિંદા પાઇપ ફિટિંગ માટે ૧૪ ટીમ રાત-દિવસ કામ કરી રહી છે અને એક દિવસમાં અડધો કિ.મી કામ પૂર્ણ કરી રહી છે એટલે ગણતરીના દિવસોમાં જ વેરી તળાવમાં નવા નીરના આગમન થશે.

દોઢ લાખની વસ્તી ઉનાળાના સમયમાં નર્મદા આધારિત બની જવા પામી હતી હાલ પણ શહેરને રોજિંદા ૧૪ એમએલડી પાણીની જરૂરિયાત છે બે દિવસ પહેલા જ મુખ્યમંત્રીએ ભાદરમાંથી ચારે મેલડી પાણીનો જથ્થો મંજુર કરી આપ્યો છે અને હવે સૌની યોજના થી વેરી તળાવ ભરવામાં આવશે લિંક ૩ ની લાઈનનો ડાયામીટર ૯ ફુટ નો છે, સામાન્ય ગાડી તેમાં આરામથી દોડી શકે તેમ પણ કહી શકાય અને તેમાં પુરા ફોર્સથી નર્મદાના પાણી આવશે અને ગોંડલના ઇતિહાસમાં પ્રથમ વખત ઉનાળાની શરૂઆતમાં વેરી તળાવ આશાપુરા ડેમ સેતુબંધ ડેમ ઓવરફલો થશે. તેમ રાજેન્દ્રસિંહ જાડેજા કારોબારી ચેરમેન ગોંડલ નગરપાલિકાએ જણાવ્યું છે.(૨૧.૧૫)

 

(11:26 am IST)