Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd January 2019

કચ્છમાં સ્વાઇન ફલૂનો આતંક : ૨૨ દિ'માં ૭૨ દર્દીઓ પૈકી ૪ના મોતની ચર્ચા

તંત્ર મોતના આંકડા છુપાવે છે, સરકારી હોસ્પિટલમાં સ્વાઇન ફલૂની ગોળીઓનો સ્ટોક ખૂટયાની ચર્ચા

 ભુજ તા. ૨૨ : ચાલુ જાન્યુઆરી મહિનાની શરૂઆત સાથે જ કચ્છમાં સ્વાઈન ફલૂ નુ જોર વધ્યું છે. જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા અત્યારે ૨૧ દિવસમાં સ્વાઈન ફલૂના કુલ ૭૨ પોઝિટિવ કેસ નોંધાયા હોવાનું જણાવાયું છે.

જોકે, કચ્છનું તંત્ર સ્વાઈન ફલૂથી નિપજેલ મોત ની વિગતો છુપાવી રહ્યું છે. ૭૨ દર્દીઓ પૈકી અત્યાર સુધી ૪ દર્દીઓના સારવાર દરમ્યાન મોત નિપજયા છે, પણ આરોગ્ય તંત્રએ સ્વાઈન ફલૂની સારવાર લેતા આ દર્દીઓના મોતનું કારણ અન્ય રોગ હોવાનું દર્શાવ્યું છે.

જોકે, અત્યાર સુધી ૩ દર્દીઓના પીએમ રિપોર્ટ આવી ગયા છે, એક દર્દી નો રિપોર્ટ બાકી છે. આ બધા વચ્ચે કચ્છ જિલ્લાની મુખ્ય સરકારી હોસ્પિટલ અદાણી જી. કે.માં સ્વાઈન ફલૂની ગોળીઓનો સ્ટોક ખલાસ થયો હોવાની બૂમ ઊઠી હતી. પણ, એક દિવસમાં જ ૫ હજાર ગોળીઓ આવી ગઈ હતી.

કચ્છ માં સ્વાઈન ફલૂ ને ડામવા રાજકોટ સ્થિત ડેપ્યુટી ડાયરેકટર ડો. રૂપાલી મહેતા દ્વારા પણ ભુજ મધ્યે આરોગ્ય અધિકારીઓની બેઠક યોજાઇ હતી. જળમાં સ્વાઈન ફલૂને ડામવા તત્કાલ પગલાં ભરવાની તાકીદ કરાઈ હતી.(૨૧.૯)

(11:36 am IST)