Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

...તો નરેન્દ્રભાઈ, વિજયભાઈને આંબેડકર જયંતિની ઉજવણી કરતા રોકી કરાશે ઘેરાવ

રાપરના વંચિત દલિતોને જમીન અપાવવાની માંગણી મુદ્દે રાજ્ય-રાષ્ટ્રવ્યાપી ચળવળનો સંકેત આપ્યો જીજ્ઞેશ મેવાણીએ : ભૂજની 'અધિકાર રેલી'માં વડગામના ધારાસભ્ય દ્વારા કેન્દ્ર-રાજ્ય સરકારો ઉપર પ્રહારઃ ધારાસભ્ય નહિ, પોતે ક્રાંતિકારી નેતા હોવાનો અનુભવ્યો ગર્વ

તસ્વીરોમાં દલિત સમુદાયના હક્ક મુદ્દે હાકલ કરતા વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી તથા રેલીમાં ઉમટી પડેલ હકડેઠઠ જનમેદની દર્શાય છે (તસ્વીરઃ વિનોદ ગાલા-ભૂજ)

ભુજ, તા. રર :. અહીંયા 'અધિકાર રેલી' સંદર્ભે આવી પહોંચેલા વડગામના ધારાસભ્ય અને દલિત નેતા જીજ્ઞેશ મેવાણીએ રાપરના વંચિત દલિતોને જમીન અપાવવાની માંગણી મુદ્દે રાજ્ય-રાષ્ટ્રવ્યાપી ચળવળનો સંકેત આપી સ્પષ્ટપણે કહી દીધુ હતુ કે, જો દલિતોને સાંથળીની જમીનો પરત આપવા માટે સરકાર દ્વારા સત્વરે યોગ્ય કામગીરી આગળ નહી ધપાવાઈ તો ડો. ભીમરાવ આંબેડકર જયંતિની ઉજવણી કરતા નરેન્દ્રભાઈ અને વિજયભાઈને રોકી ઘેરાવ કરાશે.

રાપરના વંચિતોના મુદ્દે રાજ્યવ્યાપી, રાષ્ટ્રવ્યાપી ચળવળનો સંકેત આપતા જીજ્ઞેશે જણાવેલ કે, કચ્છના સામખિયાળી મધ્યે દલિત સમુદાય દ્વારા ચક્કાજામ કરાશે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને આંબેડકર જયંતિની ઉજવણી કરવાનો અધિકાર નથી તેમને રોકવામાં આવશે. એ જ રીતે પોતે કર્ણાટકમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને ઘેરાવ કરશે તેવી શ્રી મેવાણીએ ઉગ્ર ચીમકી પણ ઉચ્ચારી હતી.

 ભુજ, દિલ્હી, મુંબઇ જેવા દેશના મોટા શહેરોને દલીતોના પ્રશ્ને ગજાવ્યા બાદ વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી આજે કચ્છમાં છે. ભુજમાં અધિકાર રેલીના આયોજન સાથે જીજ્ઞેશ મેવાણીએ કચ્છ જીલ્લામાં અનેક પરીવારોને સાંથણીમાં અપાયેલ જમીન માત્ર વિઘોટી નહી ભરવાના મુદ્દે જે રીતે શ્રી સરકાર કરાઇ છે. અને એ જમીન આજે દબાણકર્તાઓના કબ્જામાં છે એ દબાણો દુર કરી જે સાંથણીની જમીન દલીત સમુદાયને ફાળવવાની માંગણી કરી છે.

એવી જ રીતે મીઠાના અગરીયાઓને પ્લોટ આપવાની જાહેરાત કરાઇ પરંતુ એ જમીન કાગળ પર ફાળવી દીધી. પ્રત્યક્ષ કબજો આપવાની માંગ કરાઇ છે. કચ્છમાં મુંદ્રા સહીત અનય તાલુકાઓમાં ગૌચર જમીનો ઉદ્યોગને ફાળવાઇ છે તેનો ભોગ માલધારી વર્ગ બન્યો છે તો ગૌચર જમીનો જામ કરીને પશુપાલકોને પશુ ચરાવવા માટે ફાળવાય. આ ઉપરાંત ઔદ્યોગિક એકમો સ્થાનિકોને રોજગારી આપવામાં ઔદ્યોગિક એકટનો ભંગ કરે છે. આવી તમામ કંપનીઓની સામે કલેકટર કાર્યવાહી કરે. જો કાર્યવાહી નહી થાય તો પોતે રાષ્ટ્રીય દલિત અધિકારી મંચ મારફતે રોજગાર આંદોલન ચલાવીને કંપનીઓ સામે ઉપવાસ ઉપર બેસી વિરોધી કરશે એવી ચિમકી જીજ્ઞેશ મેવાણીએ આપી છે. કચ્છમાં સફાઇ કામદારોના સાતમાં પગાર પંચનો અમલ કરાવવા અને કામ દરમ્યાન મૃત્યુ પામનારા સફાઇ કામદારોને ૧૦ લાખ રૂ.ની સહાય સરકારના ઠરાવ મુજબ આપવાની માંગ કરીને ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ સફાઇ કામદારોને સેફટી કીટ પુરી પાડવા હિમાયત કરી છે.

રેલીમાં પ્રવચન દરમિયાન જીજ્ઞેશ મેવાણીએ દલિત સમુદાયના પ્રશ્નો તરફ આંખ આડા કાન કરીને તેમને થતા અન્યાય અને હક્ક અપાવવામાં નિષ્ફળ ભાજપની કેન્દ્ર-રાજ્ય સરકાર સામે ઉગ્ર વિરોધ દર્શાવતા સમગ્ર ગુજરાતનો દલિત સમાજને વિરોધમાં જોડાવા હાકલ કરી હતી.

વધુમાં જણાવેલ કે, પોતે ધારાસભ્ય નથી, પરંતુ ક્રાંતિકારી નેતા છે અને સમાજના ન્યાય માટે લડતા રહેશે. અત્રે નોંધનીય છે કે, બપોરે ૧૨ વાગ્યે દલિત સમુદાયને સંબોધન વેળા હાંકલ કરી હતી કે, કચ્છના દલિત સમાજના લોકોએ પોતાના હક્કો માટે જાગૃત બની લડત આપવાનો સમય આવી ગયો છે... રાપરમાં દલિત-વંચિત સમુદાયની જમીનોના મુદ્દે તાત્કાલીક ધોરણે કોઈ કાર્યવાહી કરવામાં નહી આવે તો આંબેડકર જયંતિએ ઉગ્ર આંદોલનાત્મક કાર્યક્રમો ઘડવાની ફરજ પડશે તેવી ચિમકી ઉચ્ચારાઈ હતી. રેલીને પગલે ઠેર-ઠેર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. અનેક રસ્તા પણ બંધ કરવાની ફરજ પડી હતી.

આ તકે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના કન્વીનર કિશોર પિંગોળ, નીલ વિંઝોડા, નરેશ મહેશ્વરી સહયોગ આપ્યો છે. જિલ્લા કલેકટરને આવેદનપત્ર પણ પાઠવાયુ  હતુ.

(4:23 pm IST)