Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

જસદણના નાયબ ઇજનેરને લાંચ કેસમાં ૩ વર્ષની સજા

વિજચોરી અંગે દંડ ન કરવા ઇજનેર સુરેશ મુળજીભાઇ ખરાએ લાંચ માંગી હતી : ૧૯૯૪ના કેસમાં ર૪ વર્ષો બાદ કોર્ટનો ચુકાદો : કેસ નિશંકપણે પુરવાર થાય છે : સમીર ખીરાની સફળ રજૂઆત

રાજકોટ, તા. રર : જસદણ ખાતે જી.ઇ.બી. કચેરીમાં એન્જીનીયર તરીકે ફરજ બજાવતા સુરેશભાઇ મુળજીભાઇ ખરા સામેનો લાંચ કેસ ચાલી જતા સેસન્સ અદાલતે આરોપી એન્જીનીયરને ત્રણ વર્ષની સજા ફટકારી હતી.

આ અંગેની વિગત એવી છે કે, જસદણના જસાપર ગામે રહેતા ફરીયાદી શંભુભાઇ હરજીભાઇ શીંગાળાએ તેમના ખેતરમાં સીધુ વિજ જોડાણ મેળવીને પાવર ચોરી કરતા તેઓને દંડ ન કરવા નાયબ ઇજનેર સુરેશભાઇ મુળજીભાઇ ખરાએ રૂ. ૪૦૦૦ની લાંચ માંગેલી હતી, જેના રૂ. ૩પ૦૦ આપવાનું નક્કી થતા રૂ. ૧૦૦૦નો હપ્તો સ્વીકારતા આરોપી ઇજનેર ઝડપાઇ ગયા હતાં.

આ અંગે એ.સી.બી. દ્વારા આરોપી સામે લાંચ રૂશ્વત ધારા હેઠળનો ગુનો દાખલ કર્યો હતો.

આ કેસ ચાલતા સરકારી વકીલ સમીરભાઇ ખીરાએ ફરીયાદપક્ષે પાંચ સાહેદોની જુબાની લઇને ૧૧ દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતાં.

સરકારી વકીલશ્રી ખીરાએ દલીલ કરેલ કે, રજૂ થયેલ પૂરાવો અને સાહેદોએ આપેલ જુબાની જોતા આરોપી વિરૂદ્ધ પ્રથમ દર્શનીય નિશંકપણે ગુનો સાબીત થાય છે. આરોપી જી.ઇ.બી. કચેરીમાં લાંચ લેતા રંગેહાથ ઝડપાઇ ગયેલ છે. આરોપીએ ગેરકાયદે આર્થિક લાભ મેળવ્યાનું પૂરવાર થતું હોય તેને સજા કરવી જોઇએ. ઉપરોકત રજૂઆતે અને પુરાવાને ધ્યાને લઇને એડી. સેસ. જજશ્રી બી.પી. પુજારાએ આરોપી નાયબ એન્જીનીયર સુરેશ મુળજીભાઇ ખરાને એ.સી.બી.ની કલમ ૭ હેઠળ ૧ વર્ષની સજા અને બે હજારનો દંડ તેમજ કલમ ૧૩(૧) ઇ. ૧૩ (ર) હેઠળ ત્રણ વર્ષની સજા અને રૂ. ત્રણ હજારનો દંડ ફટકાર્યો હતો.

અત્રે એ ઉલ્લેખનીય છે કે આ બનાવ તા. રર/૧ર/૯૪ના રોજ બનેલ હતો. જેનો ર૦૧૮માં ર૪ વર્ષ બાદ ચૂકાદો આવેલ છે.

આ કામમાં સરકાર પક્ષે એ.પી.પી. શ્રી સમીરભાઇ ખીરા રોકાયા હતાં.

 

(4:10 pm IST)