Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજી ગોંડલમાં: દીક્ષા મહોત્સવ

રાજ્યપાલ ઓ. પી. કોહલીજી અને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની પણ ઉપસ્થિતિઃ અક્ષર દેરીએ પૂજા, યોગી સ્મૃતિ મંદિરે દર્શન કરી સભાને સંબોધનઃ મહિલા સંમેલન પણ યોજાશે

ગોંડલ તા. ૨૨ : ગોંડલમાં અક્ષર દેરી સાર્ધ શતાબ્દી મહોત્સવમાં દિન પ્રતિદિન ધાર્મિક કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. દરમિયાન મહોત્સવમાં આજે સાંજે ૪ વાગ્યાથી રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદજી આ લખાય છે ત્યારે આવી રહ્યા છે. તેઓની સાથે રાજ્યપાલ શ્રી ઓ.પી.કોહલીજી અને મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી પણ આવી રહ્યા છે. સમગ્ર ગોંડલ શહેર ધર્મમય બની ગયું છે. સજ્જડ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.

 

આજે બપોરે રાષ્ટ્રપતિ કોવિંદજી અક્ષર દેરીએ પૂજા કરી યોગી સ્મૃતિ મંદિરમાં દર્શન કરી સ્વામિનારાયણ નગર ખાતે મુખ્યસભાને સંબોધન કરશે. સાથોસાથ આંતરરાષ્ટ્રીય મહિલા સંમેલન અને દીક્ષા મહોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

દરમિયાન અક્ષર મંદિરે ગઇસાંજે અભૂતપૂર્વ સભા યોજાઇ ગઇ. અક્ષરદેરી સાર્ધ શતાબ્દી મહોત્સવ અંતર્ગત યોગી સભામંડપ ખાતે યોજાયેલ. આ વિરાટ સત્સંગ સભામાં ભારતની વૈદિક ધર્મ અને તત્વજ્ઞાન અંગેની નિર્ણાયક અને લબ્ધપ્રતિષ્ઠિત સંસ્થા શ્રી કાશી વિદ્વત પરિષદ, વારાણસીના પ્રમુખ સહિત ઉચ્ચ પદાધિકારીઓ હાજર રહ્યા હતા. એટલું જ નહી તેઓએ અક્ષરબ્રહ્મ અને પરબ્રહ્મના સ્વરૂપ અંગે સંપૂર્ણ શાસ્ત્રીય શૈલીમાં રચાયેલ પ્રસ્થાનત્રયી પરના સંપૂર્ણ ભાષ્ય અને વાદગ્રંથની ભારે પ્રશંસા કરી હતી. મંચસ્થ તમામ વિદ્વાનોએ ભગવાન સ્વામિનારાયણ પ્રબોધિત અક્ષરબ્રહ્મ અને પરબ્રહ્મના તત્વજ્ઞાનનું સમર્થન અને બહુમાન કર્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રસ્થાનત્રયીના ત્રણ અંગો - ઉપનિષદો, શ્રીમદ્ ભગદત ગીતા તથા બ્રહ્મસૂત્રો પર મૌલિક ભાષ્ય રચીને તે દ્વારા પોતાના તત્વજ્ઞાનના સિધ્ધાંતો અને સંપ્રદાય પ્રસ્થાપિત કરવાની ભારતીય આચાર્યોની પરંપરા રહી છે. વિદ્વત પરીષદના તમામ વિદ્વાનોએ એ બાબત પર ખાસ ભાર મૂકયો હતો કે વેદકાળથી માંડીને આજ પર્યંતના ઇતિહાસમાં ભદ્રેશ સ્વામી એકમાત્ર એવા વિદ્વાન આચાર્ય છે કે જેમણે સમગ્ર પ્રસ્થાનત્રયી પર ભાષ્ય રચવા ઉપરાંત તેમાં પ્રસ્તુત દર્શન વિશે વાદગ્રંથ પણ રચ્યો છે. જે અત્યંત વિશિષ્ટ, મૌલિક અને શાસ્ત્ર પ્રમાણિત છે. અન્ય સંપ્રદાયો કે આચાર્યોના સિધ્ધાંત મતનું ખંડન કર્યા વિના સંપૂર્ણ સકારાત્મક અને સમન્વયાત્મક અભિગમથી રચાયેલા આ વિદ્વતાપૂર્ણ ગ્રંથો સાહિત્ય તેમજ તત્વજ્ઞાન બંને ક્ષેત્રે અનુપમ ધરોહર બની રહેશે એવો મત તમામ વિદ્વાનોએ મંચ પરથી પ્રગટ કર્યો હતો.

શ્રી કાશી વિદ્વત પરિષદનાં અધ્યક્ષ શ્રી રામયત્ન શુકલજીએ સભાને સંબોધન કરતા જણાવ્યું કે 'સમગ્ર ગ્રંથનું મેં પરીક્ષણ કર્યું છે. દરેક પરિપ્રેક્ષયમાં તે ઉપનિષદ શૈલીમાં કુશળતાથી રચાયો છે. શ્રી કાશી વિદ્વત પરિષદના પ્રમુખ તરીકે તથા પરિષદનાં તમામ અધિકારીઓની સંમતિથી આ પવિત્ર ગ્રંથનું હું અભિવાદન કરૂ છું.'

સ્વામીનારાયણ સિધ્ધાંતસુધા ગ્રંથને વિરલ અર્વાચીન શાસ્ત્ર ગણાવતા શ્રી કાશી વિદ્વત પરિષદનાં ઉપાધ્યક્ષ વશિષ્ઠ ત્રિપાઠીજીએ જણાવ્યું, 'બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરણાથી ભદ્રેશદાસ સ્વામીએ ભગવાન સ્વામીનારાયણે પ્રબોધેલા અક્ષરપુરૂષોતમ સિધ્ધાંતની ભાષ્યરૂપે રચના કરેલ છે. આમ કરીને વિદ્વત વર્તુળોમાં એમણે સ્વામીનારાયણ સંપ્રદમયને સત્ય ઠરાવ્યો છે. અન્યોની આલોચના કર્યા સિવાય ભદ્રેશદાસ સ્વામીએ સિધ્ધાંતને સરળ છતાં મનનીય રીતે પ્રસ્તુત કરીને તત્વજ્ઞાનનાં પિપાસુઓને પ્રભાવિત કર્યા છે. આ તમામ કારણો બદલ સ્વામીનારાયણ સિધ્ધાંત સુધા નિઃશંકાપણે અનુપમ વાદગ્રંથ છે.

ગોંડલનાં ઇતિહાસમાં જવલ્લે જ જોવા મળે એવી ઘટનામાં આજે શ્રી કાળી વિદ્વત પરિષદનાં અધ્યક્ષ શ્રી રામરત્ન શુકલજી, મહામંત્રી શ્રી શિવજી ઉપાધ્યાય, ઉપાધ્યક્ષો શ્રી વશિષ્ઠ ત્રિપાઠીજી અને શ્રીરામકિશોર ત્રિપાઠીજી, મંત્રી શ્રી રામનારાયણ દ્વિવેદીજી તથા પ્રવકતા શ્રી દિનેશ ગર્ગજી વગેરે પ્રસિધ્ધ વિદ્વાનો ઉપસ્થિત રહ્યા હતાં. આ પ્રસંગે દિલ્હી ખાતેની લાલ બહાદુર શાસ્ત્રી સંસ્કૃત વિદ્યાપીઠનાં વિદ્વાન ઉપકુલપતિ શ્રી રમેશકુમાર પાંડેય પણ ઉપસ્થિત રહ્યા હતાં.

અક્ષરદેરી અને અક્ષર મંદિરના પ્રથમ મહંત બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજે ૪૦ વર્ષ સુધી મહંત પદે બિરાજીને આ સ્થાનને ભકિત, સેવા અને દિવ્યતાની ત્રિવેણી સંગમ સમું બનાવ્યું હતું.

સને ૧૯૭૧માં જે પવિત્ર સ્થળે બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજનો અંતિમ સંસ્કાર વિધિ થયો હતો તે સ્થાને તેઓની સ્મૃતિમાં ભારતીય શિલ્પ-સ્થાપત્ય શૈલીના અનુપમ ઉદાહરણ સમું ભવ્ય અને સુંદર કલાત્મક મંદિરનો આજે ઉદ્ઘાટન વિધિ હતો. બીએપીએસ સંસ્થાના વરિષ્ઠ સંતોએ અક્ષર મંદિરના ગર્ભગૃહમાં બિરાજમાન યોગીજી મહારાજની સુંદર મૂર્તિને પાલખીમાં  ધારણ કરીને અક્ષર મંદિરની પ્રદક્ષિણા કરી હતી. સેંકડો સંતો અને હજારો હરિભકતોના સમૂહને સમાવતી આ નગરયાત્રામાં કૂચ કરી રહેલા બાળકો અને બેન્ડવાદન કરી રહેલા યુવકો મોખરે રહ્યા હતા. (૨૧.૧૬)

(11:53 am IST)