Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

કાયદા તો ઘણા બનાવાયા પરંતુ તેની અમલવારી પુરતી ન થતી હોવાથી હેતુ સરતો નથી

કાયદાઓનો અમલ કરાવવા ભીખાભાઇ બાંભણીયાની માંગણી

(ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણ તા. ર૧: જસદણના પુર્વ ધારાસભ્ય અને રાજકોટ ડેરી તથા જસદણ માર્કેટીંગ યાર્ડના પૂર્વ ચેરમેન ભીખાભાઇ બાંભણીયાએ જણાવ્યું છે કે, ગુજરાત સરકાર દ્વારા એન્ટી લેન્ડ ગ્રેબીંગનો કાયદો અમલમાં લાવવામાં આવેલ છે તે બદલ મુ. મંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી અને ગુજરાત સરકાર અભિનંદનને પાત્ર છે. કાયદા તો ઘણાં બનાવવામાં આવ્યા છે તેમ જ અગાઉના સમયથી અમલમાં પણ છે પરંતુ તેની અમલવારી થવી અઘરી છે. આમ જનતાનો સાથ અને સહકાર મળે તથા સરકારની શુધ્ધનિષ્ઠા તેમાં સામેલ થાય તો જ કાયદાનો લાભ મળી શકે. દા.ત. દારૂબંધી, જુગાર, અમુક પ્રકારના પ્લાસ્ટીકનું વેચાણ, ગુંડાધારો, દુષ્કર્મ, લાંચરૂશ્વત તેમજ આવા અનેક કાયદાઓ અમલમાં છે પણ તેની જોઇએ તેટલા પ્રમાણમાં અમલવારી થવી જોઇએ તે થતી નથી જેથી તે કાયદાનો અર્થ કે હેતુ સરતો નથી.

ભીખાભાઇ બાંભણીયાએ વધુમાં જણાવ્યું છે કે, હાલમાં કોઇપણ સરકારી, ખાનગી કે સંસ્થાકીય વિગેરે જમીનમાં દબાણો કરવામાં આવ્યા હોય તેની સામે દંડ અને સજાની જોગવાઇ કરવામાં આવી છે તે આવકારદાયક છે. મોટા ભાગના ગામડામાં ભાગ્યે જ સરકારી ગૌચર કે ખરાબાની જમીન ખુલ્લી હશે ફકત સરકારી રેકર્ડમાં જમીન દર્શાવાય છે. રહેણાંકના મકાન તથા ખેતી માટે જમીનમાં મોટા પાયે દબાણ થઇ ગયેલ છે. આ રહેણાંકની જમીનો ખુલ્લી કરાવવાનું કામ સહેલું નથી આવી જમીનો માટે કાયદાની કઇ રીતે અમલવારી કરવી તે નીતી નકકી કરવાની જરૂર છે. દબાણવાળા રહેણાંકના મકાનો માટે કેટલા ચો.મી. જમીન અને કઇ કિંમતે કે મફતમાં રેગ્યુલરાઇઝ કરી શકાય કે કેમ! તે મોટો મુંઝવતો અને મહત્વનો પ્રશ્ન ઉભો થવાની શકયતા રહેલી છે.

ઘણાં ખેડૂતો આર્થિક મુશ્કેલીમાં હોય અને પૈસાની જરૂર હોય તેવા સંજોગોમાં આંધળો વિશ્વાસ મૂકીને જમીનનું વેચાણ કરવાની ફરજ પડતી હોય છે. જમીનની કિંમતના પ્રમાણમાં મોટી રકમ થતી હોવાથી દસ્તાવેજ થયા પછી ઘેર જઇને પૈસા ગણી દેશું એવી રીતે પૈસા બતાવીને ખેડૂતને વિશ્વાસમાં લઇ દસ્તાવેજ કરાવી લીધો પછી પૈસા આપ્યા નથી એવા ઘણા કિસ્સા બન્યા છે. સરકાર આવી રીતે દસ્તાવેજ કરાવનાર સામે તેમ જ મૃત્યુ પામનારના નામે દસ્તાવેજ તેમજ બાનાખત થયાના કિસ્સા બને છે તથા અગાઉની તારીખના સ્ટેમ્પ પેપર ઉપર ઘરમેળે લખીને ખોટા બાનાખત કરીને જમીનો પડાવી લેવાના પ્રયત્નો થયા છે. આવા સંજોગોમાં ભોગ બનેલાં ખેડૂતોને કાયદાકીય રક્ષણ આપવામાં આવશે કે કેમ તેની સ્પષ્ટતા થવી જરૂરી છે.

ફકત કાયદા ઘડવાથી કે અમલમાં લાવવાથી પ્રશ્નો કે મુશ્કેલીઓનો અંત આવી જતો નથી. કાયદાની અમલવારી નીતિમતા, પારદર્શકતા, પ્રમાણિકતા, મારા તારાના ભેદ રહીત રાજકીય કાવા દાવાથી પર રહીને થાય તો કાયદાનો હેતું અને મૂલ્ય સાર્થક થયું ગણાય. તેમ અંતમાં ભીખાભાઇ બાંભણીયાએ જણાવ્યું છે.

(3:27 pm IST)