Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

ધોરાજી કોંગ્રેસનો ગઢ તૂટ્યો : જિલ્લા કોંગ્રેસ મહામંત્રી વિઠ્ઠલ હિરપરા પૂર્વ સૈનિક ગંભીરસિંહ વાળા ૫૦૦ કાર્યકર્તાઓ સાથે ભાજપમાં જોડાયા

કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને સાચવી ન શકે તો કાર્યકર્તાઓ કયાંથી સચવાઈ ? ભુપેન્દ્રસિંહ ચુડાસમા * પેઝ પ્રમુખ અને તાલુકા જિલ્લાની ચૂંટણીઓ જીતવી એ લક્ષ્યાંક : મનસુખભાઇ ખાચરિયા

(ધર્મેન્દ્ર બાબરીયા કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી,તા. ૨૧:  ધોરાજી ખાતે લેઉવા પટેલ સાંસ્કૃતિક ભવનમાં ધોરાજી શહેર અને તાલુકા મંડળની ભાજપની બેઠક રાજયના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમાના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી.

આ કાર્યક્રમમાં રાજકોટ જિલ્લા કોંગ્રેસના મહામંત્રી વિઠ્ઠલભાઈ હિરપરા પૂર્વ સૈનિક ગંભીરસિંહ વાળા કોંગ્રેસના ૫૦૦ જેટલા કાર્યકર્તાઓ સાથે કોંગ્રેસ સાથે છેડો ફાડી ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કર્યો હતો અને કોંગ્રેસના ગઢમાં કાંગરા ખેરવી નાખ્યા હોય તેવો માહોલ સર્જાયો હતો.

આ તકે કેબિનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવેલ કે સમગ્ર દેશમાં કોંગ્રેસની નાવ મધદરિયે ડૂબી રહી છે કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને સાચવી શકતી નથી તો પછી કાર્યકર્તાઓને સાચવવાનો પ્રશ્ન જ ઉભો થતો નથી. ભાજપે પોતાના શાસનકાળમાં કાશ્મીર માં ૩૭૦ ની કલમ રદ કરાવી રામ મંદિર નિર્માણનું કાર્ય શરૂ થયું અને સમગ્ર વિશ્વમાં માંભારતીનું સર્વોચ્ચ સ્થાન અપાવ્યું.

લોકો ભાજપાના શાસન પર પ્રચંડ વિશ્વાસ કરી રહ્યા છે કોંગ્રેસ સાથે છેડો ફાડી રહ્યા છે એક તરફ ભાજપા ખેડૂતોને ખેતીની ઉપજ ના બમણા ભાવો આપવા આધુનિકરણ દ્વારા કૃષિ કાયદો લાવી રહી છે ત્યારે કોંગ્રેસ અને વિપક્ષ ખેડૂતોમાં ભ્રામક પ્રચાર કરી રહી છે.

જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઈ ખાચરિયા એ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીનું સંગઠન મજબૂત કરવા પેજ પ્રમુખોની નિમણુંકો અને કામગીરી પુરજોશથી કરવી તેમજ આગામી તાલુકા પંચાયત જિલ્લા પંચાયતો જીતવા માટે કાર્યકર્તાઓને આહ્વાન કર્યું હતું.

આ સાથે રાજકોટ જિલ્લા પ્રભારી પ્રકાશભાઈ સોની તેમજ જીલ્લા મહામંત્રી નાગદાનભાઈ ચાવડા જીલ્લા મહામંત્રી મનીષભાઈ ચાગેલા જીલ્લા મહામંત્રી મનસુખભાઈ રામાણી વિગેરે પ્રાસંગિક પ્રવચન કરી પેજ પ્રમુખ તાત્કાલિક સાથે વર્ષમાં બનાવવા બાબતે સંગઠનમાં ભાર મૂકયો હતો

ધોરાજી ભાજપાના વરિષ્ઠ અગ્રણી વી.ડી.પટેલ અને વિઠ્ઠલભાઈ હિરપરા જણાવેલ કે ધારાસભ્ય પ્રજાને આપેલું વચન પાડી શકતા નથી અને કોંગ્રેસ શાસિત નગરપાલિકામાં થતા ભ્રષ્ટાચાર થી કોંગ્રેસના કાર્યકર્તાઓ જ નારાજ છે.

ભાજપાની મંડળ બેઠકમાં રાજકોટ જિલ્લા કોંગ્રેસ મહામંત્રી વિઠ્ઠલભાઈ હીરપરા તેમજ પૂર્વ સૈનિક અને સામાજિક અગ્રણી ગંભીરસિંહ વાળા હાલના સંજોગો ધ્યાને લઈ પ્રતીક રૂપે ૧૫૧ કાર્યકર્તાઓ સાથે ભગવો ખેસ ધારણ કર્યો હતો.જોકે કુલ ૫૦૦ કાર્યકર્તાઓની યાદી સાથે જોડાયા હતા.

ઉપરોકત કાર્યક્રમમાં રાજકોટ જિલ્લા પ્રભારી પ્રકાશભાઈ સોની ગુજરાતી જીલ્લા મહામંત્રી નાગદાનભાઈ ચાવડા જીલ્લા મહામંત્રી મનીષભાઈ ચાગેલા જીલ્લા મહામંત્રી મનસુખભાઈ રામાણી જિલ્લા મંત્રી હરસુખભાઈ ટોપિયા, જિલ્લા પ્રમુખ ઇન્દ્રવિજયસિંહ ચુડાસમા પૂર્વ ધારાસભ્ય પ્રવિણભાઇ માંકડીયા અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય અગ્રણી કિશોરભાઈ રાઠોડ ધોરાજી શહેર ભાજપ પ્રમુખ વિનુભાઈ માથુકિયા, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ લલીતભાઇ વોરા ધોરાજી તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ રસિકભાઈ ચાવડા તાલુકા ભાજપના મહામંત્રી રાજુભાઈ ડાંગર જનકસિંહ વાઘેલા મહામંત્રી વિજયભાઈ બાબરીયા મનીષભાઈ કંડોળીયા નગરસેવકો સરપંચો તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના સભ્યો અને જીલ્લાના હોદ્દેદારો મંડળ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

(12:49 pm IST)