Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

જામનગરના કોવિડના દર્દીઓ માટે વપરાયેલો

કોરોનાનું સંક્રમણ જ્યારે ટોચ ઉપર હતું ત્યારે દૈનિક ૨૦ હજાર લીટર ઓકિસજન : મહિને રૂ. ૩૦ લાખનો ઓકિસજન દર્દીઓને અપાયો હતો : 'સૌરાષ્ટ્રમાં સૌથી મોટી ઓકિસજનની સુવિધા ધરાવતી કોવિડ હોસ્પિટલ જામનગર છે'

જામનગર તા. ૨૧ : કોરોનાના દર્દીઓને સૌથી વધુ શ્વસન તંત્ર-ફેફસામાં ક્ષતિ થતી હોય છે. આવા દર્દીઓના ઇલાજ માટેની ઓકિસજન અને વેન્ટીલેટરની સુવ્યવસ્થિત આયોજનબધ્ધ વ્યવસ્થા ટૂકાગાળામાં જામનગરની જી.જી.હોસ્પિટલમાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નિતિનભાઇ પટેલ દ્વારા ઉપલબ્ધ કરાવાઇ છે.

જી.જી. હોસ્પિટલ અને એમ.પી. મેડિકલ શાહ કોલેજમાં ૩૦ વર્ષથી કાર્યરત અને એનેસ્થેસિયા વિભાગના વડા ડો.વંદના ત્રિવેદી કહે છે કે, અમારા વિભાગનું કામ વેન્ટીલેશન અને ઓકિસજન થેરાપી આપવાનું છે. દર્દીને કેટલા પ્રમાણમાં ઓકિસજનની જરૂર છે. તે અમારા તબીબો નકકી કરે છે. આમ દર્દીઓને કૃત્રિમ શ્વાસોશ્વાસ આપવાનું કામ એનેસ્થેસિયા વિભાગના ૨૦ કલાસ વન અધિકારી-તબીબો અને ૫૦ રેસીડન્ટ ડોકટરો દ્વારા કરવામાં આવે છે.

ડો. ત્રિવેદી કહે છે કે દર્દીઓને બેભાન કરવાની જ કામગીરી જ અમારા દ્વારા થાય છે એવી ગેરસમજ લોકોમાં ફેલાયેલી છે. પરંતુ ખરેખર અમારે આ આધુનિક સમયમાં આઇસીયુ ઇન્ચાર્જ તરીકે દર્દીઓ માટે ઇન્ટેન્સીવીસ્ટ તરીકેની કામગીરી પણ કરવાની હોય છે. જેમાં મુખ્યત્વે ઓકિસજન થેરાપી, દર્દીના વેન્ટીલેશનનું મોનીટરીંગ અંગેની મહત્વની કામગીરીની જવાબદારી અમારે રહે છે. વિભાગના ડોકટરો કોવિડ હોસ્પિટલ બની ત્યારથી દિવસ રાત દર્દીઓની સેવા કરી રહયા છે. આ ઉપરાંત છેલ્લા દસ મહિનાથી સતત અમદાવાદની સરકારી હોસ્પિટલ, ખંભાળિયા-પોરબંદરમાં પણ અમારા ડોકટરો રોટેશન મુજબ દસ -દસ દિવસ ફરજ બજાવી રહયા છે.

જી.જી. કોવિડ હોસ્પિટલ બની ત્યારથી સર્જીકલ આઇસીયુ ઉપરાંત્ કોવિડના ૧૨૦૦ બેડની હોસ્પિટલમાં આવેલ સાત આઇસીયુના ઇન્ચાર્જ તરીકે એનેસ્થેસિયા વિભાગના ડોકટરો રાઉન્ડ ધ કલોક કામ કામ કરી રહયા છે. જેમાં ડો.જયદેવ દવે, ડો.દિપક રાવલ, ડો.પ્રિતિ જાડેજા, ડો.પૂર્વી મહેતા, ડો.નિપા નાયક સહિતના ૨૦ તબીબો, ૫૦ રેસિડેન્ટ ડોકટર્સનો સમાવેશ થાય છે.

HFNS(હાઇફલો નેઝલકેન્યુલા) :  વધારે માત્રામાં ઓકિસજનની જરૂર પડે તે માટે કોવિડ હોસ્પિટલમાં ૧૦૦ જેટલા HFNS (હાઇફલો નેઝલ કેન્યુલા) મશીન સરકાર દ્વારા  ઉપલબ્ધ કરાવાયા છે. જે વેન્ટિલેટર કરતાં પણ વધુ માત્રામાં દર્દીઓને ઓકિસજન પૂરો પાડે છે.

વેન્ટીલેટરની સુવિધા : જી.જી.કોવિડ હોસ્પિટલ ૬૦ વેન્ટીલેટરથી શરૂ થઇ હતી ત્યારબાદ સરકાર દ્વારા અમને ૫૦-૫૦ કરીને ત્રણથી ચાર તબકકે જી.જી. હોસ્પિટલને વેન્ટીલેટર ફાળવવામાં આવ્યા છે. આમ કુલ ૨૮૦ વેન્ટિલેટર હોસ્પિટલને પ્રાપ્ત થતાં કોરોનાની સારવારમાં સાધનોની ત્રુટી હોસ્પિટલને પડતી નથી.

ઓકિસજનની સુવિધા : કોવિડ હોસ્પિટલ શરૂ થઇ એ પહેલા હોસ્પિટલને દૈનિક એક હજાર લીટરની ઓકિસજનની જરૂરિયાત હતી પરંતુ કોવિડ હોસ્પિટલ બન્યા બાદ કોરોનાના શ્વસનતંત્રના દર્દીઓને શરૂમાં દૈનિક ૬ થી ૮ હજાર લીટરના ઓકિસજનની જરૂરિયાત હતી. જયારે કોરોના દર્દીઓની સંખ્યા વધી ત્યારે દરરોજનું ૧૩ થી ૧૪ લીટર એટલે કે બમણા ઓકિસજનની જરૂરિયાત પડતી હતી. ત્યારબાદ ઓકિસજનની જરૂરિયાત ૧૮ થી ૨૦ લીટરની દૈનિક થઇ ગઇ હતી.

આમ ક્રમશઃ ઓકિસજનની જરૂરિયાત વધતી રહેતી હતી જેથી આગોતરા આયોજનના ભાગરૂપે ભવિષ્યમાં ઓકિસજનની જરૂરિયાતને ધ્યાને લઇ જામનગર જિલ્લા કલેકટરશ્રીના અથાગ પ્રયાસોથી તેમજ કોવિડના સચિવ પંકજ કુમાર, પ્રભારી સચિવ નલીન ઉપાધ્યાય, આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિના સહકારથી જી.જી.કોવિડ હોસ્પિટલને કયારેય ખોટ ન પડે તેટલી દરરોજ દર્દીઓને ૩૦ હજાર લીટરનો ઓકસિજન મળી રહે તેટલી ક્ષમતા ધરાવતી ઓકિસજનની ટેન્કો હોસ્પિટલને રાજય સરકાર દ્વારા પ્રાપ્ત થઇ છે.

તા.૨૦-૩-૨૦૨૦થી શરૂ થયેલી આ કોવિડ હોસ્પિટલ ધીમે ધીમે ક્ષમતા વધારીને ૧૨૦૦ બેડની સુધીએ પહોંચી ગઇ છે. આ દરેક બેડમાં ઓકિસજન લાઇન દ્વારા ઓકસિજન મળે તેવી સુવિધાનું લોકાર્પણ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નિતિનભાઇ પટેલ દ્વારા કરવામાં આવ્યુ હતું.

કોવિડ હોસ્પિટલમાં ૨૮૫ આઇસીયુ(ઇન્સેન્ટીવ કેર યુનિટ)  બેડ છે. સૌરાષ્ટ્રમાં સૌથી મોટી ઓકિસજનની સુવિધા ધરાવતી કોવિડ હોસ્પિટલ જામનગરની છે. તેમ ડો. વંદના ત્રિવેદી જણાવે છે.

કોરોનાનું સંકમણ જયારે ટોચ ઉપર હતુ તે સમયે દૈનિક ૨૦ હજાર લીટર ઓકિસજનની જરૂરિયાત રહેતી હતી. સરેરાશ કાઢીએ તો દરરોજના એકલાખ અને મહિનાનો ૩૦ લાખનો ઓકિસજન પણ દર્દીઓને અપાયો છે. (ઓકિસજનનો એક લીટરનો ભાવ રૂ. ૩૪ હોય છે.)

જામગનર, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લાના દર્દીઓ માટે કોવિડ હોસ્પિટલએ આશિર્વાદરૂપ છે. આ ત્રણેય જિલ્લાના કોરોના દર્દીઓની સારવાર માટે સરકારી કોવિડ હોસ્પિટલ સિવાય અન્ય કોઇ બીજો વિકલ્પ નથી.

દર્દીઓને કૃત્રિમ રીતે ઓકિસજન કેટલા પ્રમાણમાં આપવો જોઇએ. દર્દીઓના શ્વસન તંત્ર-ફેફસામાં કેટલા ટકા વેન્ટીલેશન કે ઓકિસજન થેરાપી આપવી તે નકકી કરવાનું કામ એનેસ્થેસિયા વિભાગના તબીબો દ્વારા થાય છે. આ વિભાગના વડા ડો.વંદના ત્રિવેદી કહે છે કે, શ્વસનતંત્રના દર્દીઓના માસ્ક માટે રાજય સરકાર લાખો રૂપિયાનું બજેટ ફાળવે છે. આ તમામ માસ્કનો ઉપયોગ એક જ વાર થઈ શકે છે.

૧. નેઝલ પ્રોન્સ માસ્ક : એક મીનીટમાં ૨ થી ૪ લીટર ઓકિસજનની જરૂર હોય તેવા દર્દીઓને આ માસ્ક દ્વારા ઓકિસજન પૂરુ પડાય છે. આ માસ્ક અંદાજે રૂ.૫૦૦ નો આવતો હશે.

૨. વેન્ચ્યુરી માસ્ક  : દર્દીને વેન્ટીલેટરની જરૂર ન હોય પણ ઓછી માત્રામાં એક મીનીટમાં છથી ૮ લીટર ઓકિસજનની જરૂર હોય તેવા દર્દીઓને વેન્ચ્યુરી માસ્ક દ્વારા ઓકિસજન પૂરુ પડાય છે. આ માસ્ક અંદાજે રૂ.૫૦૦ નો આવતો હોય છે.

૩.બાયપેપ માસ્ક : આ માસ્ક રૂ. ૩૦૦૦ નો આવતો હોય છે. એક મિનિટમાં ૧૦ થી ૧૫ લીટરનો ઓકિસજન દર્દીને આ માસ્ક વડે આપી શકીએ છીએ.

૪. HNFS(હાઇફલો નોઝલ કેન્યુલા): આ સૌથી આધુનિક માસ્ક છે. દર્દીને વધુ માત્રામાં ઓકિસજન આ માસ્ક વડે અપાય છે. એક મીનીટમાં ૮૦ લીટર ઓકિસજનની દર્દીઓને અપાય છે. આ માસ્ક અંદાજે રૂ.૨૫૦૦થી ૩૦૦૦ નો આવતો હોય છે.

૫.રિઝર્વ બેગ એન્ડ માસ્કઃ વેન્ટીલેશન દ્વારા બીજા માસ્કની જેમ ઓકિસઝન બહાર લીક થઈ જતો નથી.

(12:46 pm IST)