Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

જૂનાગઢના ૭૦ વર્ષના નટવરલાલની હિંમત સામે કોરોના હાર્યો

ખાનગી હોસ્પિટલમાં ૧૦ લાખથી વધુ ખર્ચ જ્યારે સિવિલમાં ૩૮ દિવસ વિનામૂલ્યે સારવાર મેળવી

જૂનાગઢ : જૂનાગઢ શહેરના નાગરવાડામાં રહેતા ૭૦ વર્ષના નટવરલાલ દેવચંદભાઇ લાઠીગરાને કોરોના પોઝીટીવ આવતા જૂનાગઢ સિવીલ હોસ્પિટલામાં દાખલ કરવામાં આવ્યા હતા. ૩૮ દિવસની લાંબી સારવાર મેળવી સાજા થતા પરિવાર સાથે ઘરે પહોંચ્યા છે. તેઓએ આ સારવાર ખાનગી હોસ્પિટલમાં લીધી હોત તો રૂ.૧૦ લાખથી વધુ ખર્ચ થાત જે સિવીલમાં વિના મુલ્યે મળી છે.

શહેરના નવાનાગરવાડાની શેરી નં.૨માં રહેતા ૭૦ વર્ષના નટવરલાલ દેવચંદભાઇ લાઠીગરા કોરોનાગ્રસ્ત થતા જૂનાગઢ સિવીલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ૩૮ દિવસની લાંબી સઘન સારવાર બાદ કોરોનાને હરાવી સાજા થઇ પરિવાર સાથે ઘરે પહોંચ્યા છે. આ બાબત મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની જન-જનને આરોગ્ય સુવિધા પહોચાડવાની પ્રતિબધ્ધતા વ્યકત કરે છે.

૩૮ દિવસની લાંબી સારવારમાં નટવરલાલ હિંમત ન હાર્યા અને કોરોના સામે લડતા રહ્યા ૩૮ દિવસની સારવારમાં તેમને ૪ વખત તો આઇસીયુમાં રાખવામાં આવ્યા હતા. પરંતુ સિવીલના તબીબોની સફળ સારવારથી નટવરલાલએ કોરોના સામે લડત આપી સ્વસ્થ થયા છે.

૭૦ વર્ષના નટવરલાલ લાઠીગરા ખાનગી પેઢીઓમાં એકાઉન્ટ તરીકે કામ કરે છે અને બન્ને પુત્રો સાથે નાગરવાડાના દિપગંગા એપાર્ટમેન્ટમાં જ રહે છે. નટવરલાલએ સિવીલને બદલે જો ખાનગી હોસ્પિટલમાં સારવાર મેળવી હોત તો રૂ.૧૦ લાખનો ખર્ચ થાત. કારણ કે ૪ વખત તો તેમને આઇસીયુમાં રાખવામાં આવતા તેમની સારવારનો ખર્ચ વધી જાત પરંતુ નટવરલાલ સાથે સિવીલના તબીબોએ પણ લડત આપી નટવરલાલને સાજા કરી દીધા છે.

૩૮ દિવસની લાંબી સારવાર બાદ નટવરલાલ ઘરે પહોંચ્યા છે. આથી તેમના પરિવારજનોએ સરકારશ્રી અને સિવીલના તબીબો અને સ્ટાફનો આભાર વ્યકત કર્યો હતો. તેમણે ડો.જીગ્નેશ કરંગીયા પ્રત્યે પણ આભારની લાગણી વ્યકત કરી કહ્યું કે, તેમની સારવારની સજ્જતાએ હું આજે મારા પરીવાર સાથે હેમખેમ છું. ડો.કરંગીયા સાથે હોસ્પિટલના નર્સ વોર્ડ બોય પણ પુરતી કાળજી લેતા હતા.

સંકલન : અર્જુન પરમાર, નાયબ માહિતી નિયામક

(12:44 pm IST)