Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

કેશોદમાં આમ આદમી પાર્ટીના હોદ્દેદારોની મિટિંગ સંપન્ન

જુનાગઢ મેંદરડા અને કેશોદના કાર્યકરો ઉપસ્થિત રહયા

(સંજય દેવાણી દ્વારા) કેશોદ, તા.૨૧: દિલ્હીની ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવ્યા બાદ આમ આદમી પાર્ટી હવે દેશભરમાં પ્રજા સમક્ષ પોતાના મુદ્દા લઈને જઇ રહી છે. ત્યારે કેશોદ શહેરમાં પણ મીટીંગ યોજીને ગુજરાતમાં આપના રાષ્ટ્ર નિર્માણ અભિયાનની જાહેરાત કરવામાં આવી હતી.

કેશોદ શહેરમાં આમ આદમી પાર્ટી દ્વારા હોદ્દેદારોની એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મિટિંગમાં આપના એજન્ડા વિશે ચર્ચાઓ કરવામાં આવી હતી. રાષ્ટ્ર નિર્માણ અભિયાન હેઠળ મિસ કોલ નમ્બર સાથે પોસ્ટર જાહેર કરવા તેમજ ઘરે ઘરે જઈ પ્રચારમાં લાગી જવા માટે કાર્યકરો સાથે ચર્ચાઓ કરવામાં આવી હતી.

આમ આદમી પાર્ટી દિલ્લીના ધારાસભ્યશ્રી ગુલાબસિંહ યાદવ,સૌવરાષ્ટ્ર સહ પ્રભારી રદ્યુવિંદર સર્માજી, નિશાબેન ખુટ સૌરાષ્ટ્ર પ્રભારી, સહિત જૂનાગઢ, કેશોદ,મેંદરડાના કાર્યકરોની ઉપસ્થિતિમાં રાજયની તમામ ચૂંટણીઓમાં આપ પોતાના ઉમેદવાર ઉભા રાખશે એવી જાહેરાત કરવામાં આવી હતી. સ્થાનિક ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગર પાલિકાઓ અને મહાનગર પાલિકાઓની ચૂંટણીમાં આપ પોતાના ઉમેદવાર ઉભા રાખશે. એટલું જ નહીં પરંતુ આગામી વર્ષ ૨૦૨૨ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તમામ બેઠકો પર આપના ઉમેદવારો જોવા મળશે. મિસ કોલ થકી લોકો સુધી પહોંચવાનો પ્રયાસ આમ આદમી પાર્ટી કરશે. દિલ્હી સરકાર દ્વારા કરવામાં આવેલા પ્રજાહિતના કામો અને દિલ્હીની પ્રજાએ શા માટે ફરી આપ પર વિશ્વાસ મુકયો એ બાબતે દેશની જનતાનું ધ્યાન દોરવાનો પ્રયાસ કરવામાં આવશે.

(11:43 am IST)