Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

ખોડલધામ : લેઉવા પાટીદાર નેતાઓની બેઠકનું તાત્પર્ય શું?

આજે પણ કેટલાક આગેવાનો મળી રહ્યાની અને વાસ્તવિક હેતુ અલગ હોવાની ચર્ચાઃ સમાજનું રાજકીય કદ વધારવાની પણ કર્ણોપકર્ણ ચર્ચા

રાજકોટઃ સૌરાષ્ટ્ર-ગુજરાતના ૧૦૦થી વધુ લેઉવા પટેલ આગેવાનોને ખોડલધામ ખાતે ગઇકાલે નિમંત્રવામાં આવ્યા હતા, જેમાં ગોરધનભાઇ ઝડફિયા, જયેશભાઈ રાદડિયા, વિરજીભાઇ ઠુંમર, પરેશભાઈ ધાનાણી, ધનસુખભાઈ ભંડેરી, રમેશભાઈ રૂપાપરા, લલીતભાઈ વસોયા, ગોવિંદભાઈ પટેલ સહિતના તમામ પક્ષના અને જૂથના આગેવાનોને ચર્ચા-વિચારણા માટે બોલાવવામાં આવેલ.લગભગ બપોરના અઢી વાગ્યા સુધી મિટિંગ ચાલી હતી.

 એકસો આસપાસ લેઉવા આગેવાનો આવ્યા હતા. મુખ્યત્વે દરેક સમાજને સાથે રાખીને આપણું કદ કેમ વધારવું તેની ચર્ચા થઈ હતી. દર ત્રણ મહિને મળવાનું પણ નક્કી થયેલ. સમાજના બધા વર્ગોને સાથે રાખવા, બધી જ્ઞાતિઓનો સહકાર લેવો, મંદિરો અને એજયુકેશન બાબતોમાં સૌને સાથે કેમ રાખી શકાય તેની મહદંશે ચર્ચા થઈ હતી. ભાજપ કે કોંગ્રેસ એવું નહીં પરંતુ સૌ એક છીએ તેવી ભાવના કેળવવી, સામાજિક રીતે સૌએ ભેગા રહેવું, એજયુકેશન ફિલ્ડમાં બધાને સાચવવા જોઈએ તેવી લાગણી વ્યકત થયેલી.

 અમુક લોકોએ પટેલ જ્ઞાતિના અધિકારીઓને ન્યાય મળતો નથી તેવી વાત કરવામાં આવેલ, પરંતુ આવું તો દરેક સ્તરે ચાલ્યા કરે તેમ કહી તેના ઉપર પડદો પાડવામાં આવેલ.

 પ્રથમ વખત આજે રમેશભાઈ રૂપાપરા, ધનસુખભાઇ ભંડેરી લાલજીભાઈ સાવલિયા, આપના ગોપાલ ઇટાલિયા સહિતના લેઉવા આગેવાનોને બોલાવવામાં આવ્યા હતા.

 ભાજપના દિગ્ગજ નેતા ગોરધનભાઇ ઝડફિયાએ એવી વાત કરી હતી કે કોઇપણ પદ કે ચૂંટણી કે અન્ય બાબતો માટે રજૂઆત કરવા સમાજે એક કમિટી બનાવવી જોઈએ. ગોરધનભાઈ આગામી ચૂંટણી સૌરાષ્ટ્રમાંથી લડે તેવી પણ પૂરી સંભાવના છે.

 લેઉવા પટેલોને સૌ કોઈ સ્વીકારે છે, બધી જ્ઞાતિઓ, પક્ષો, જૂથો માં આપે છે, ત્યારે અન્ય સમાજોની સાથે રહીને શું કરી શકાય તેની વિચારણા પણ કરવામાં આવેલ.

 સારું વાતાવરણ અને પ્લેટફોર્મ ઉભું કરવા તથા રાજકીય સામાજિક સ્તરે કોઈ સંઘર્ષ ન સર્જાય તે અંગેની વિચારણા પણ થઇ હતી.

 મીટીંગનો હેતુ ખોડલધામ એક બિનરાજકીય પ્લેટફોર્મ રહ્યું છે તે જળવાઈ રહે તેવી પણ વાત હતી.

 ભાજપ અને કોંગ્રેસ સહિતના પક્ષોના લેઉવા આગેવાનોને સાથે રાખીને પ્રશ્નોના નિરાકરણ લાવવાની પણ ચર્ચા થઇ હતી.

 અન્ય સમાજોમાં એવી પણ લાગણી છે કે આઇએએસ અને આઇપીએસના વર્ગોમાં પટેલો સિવાય કોઈને રાખવામાં નથી આવતા. તો આ બાબતે શું કરી શકાય તેની પણ ચર્ચા થઇ હતી.

 જો કે આજની બેઠકનો હેતુ સ્પષ્ટ ન હોવાથી આર.સી.ફળદુ રમેશભાઈ ધડુક સહિતના ભાજપના અનેક જ્ઞાતિ આગેવાનો કે જેમને આમંત્રણ મળેલ હોવા છતાં આ મિટિંગમાં હાજર રહ્યા ન હતા.

 એવી વાત પણ થયેલ કે ભોજલરામ બાપાના બે ખૂબ જ નજીક મનાતા જલારામબાપા અને વાલમ બાપા એ બંનેને વિશ્વ આખું પૂજે છે ત્યારે આપણે આવું કઈ રીતે કરી શકીએ એની પણ ચર્ચાઓ થઈ હતી. સમાજમાં મોટું થવું હોય તો સૌને સાથે રાખવા એ એક પ્રાથમિક જરૂરિયાત છે તો બધા કેમ સાથે મળીને કામ કરી શકીએ તે મુખ્ય મુદ્દો રહ્યો હતો. આપણે બીજા સમાજને શું આપી શકીએ તેની પણ ચર્ચાઓ થઈ હતી. મોટાભાગના વર્ગો-સમાજો- જ્ઞાતિઓ આપણાથી દુર શા માટે રહે છે.   તેની ચર્ચા સાથે બધા આપણને બોલાવે અને માન-સન્માન આપે તેવી પણ વાતચીત આ મિટિંગમાં થઈ હતી.

 જોકે અંદરખાને એવી ચર્ચા જાણવા મળેલ છે કે સમાજના લોકોની ટિકિટો કેમ કપાઈ જાય છે, અન્ય પાટીદારોનું કદ કેમ વધે છે અને બીજી જ્ઞાતિઓ અચાનક કેમ આગળ આવવા માંડી તેનું પણ મનોમંથન અમુક નેતાઓએ કર્યું હતું બીપી વાતો ચોક્કસ વર્તુળોમાંથી જાણવા મળી રહી છે. જો કે ખોડલધામ ખાતે આજે લેઉવા પટેલ આગેવાનોની મળેલી મીટીંગ અંગે સત્ત્।ાવાર જાહેરાત.

 છેલ્લે એવી વાત પણ બહાર આવી છે.  કોંગ્રેસ ઉપર શ્રી લલીત વસોયાને વિપક્ષી નેતા બનાવવા દબાણ લાવવું અને બીજી વાત એવી ચર્ચામાં મુકાયેલ કે ગુજકોસીટમાં ચોકકસ પાટીદારોને ઝડપવામાં આવ્યા કે જોગાનુજોગ છે તેની પર ચર્ચા થયાની કર્ણોપકર્ણ ચર્ચા છે.

એવી પણ ચર્ચા છે કે પક્ષ અને જુથના વાંધાઓ ભુલીને રાજકીય સ્તરે સમાજનું વજન વધારવા કોઇ ચોકકસ સમિતિ રચી તેના દ્વારા ચૂંટણી હોય, બોર્ડ-નિગમો હોય કે પ્રતિષ્ઠાભર્યા પદ, હોદા કે માન-સન્માન હોય તેના માટે એક જ નામ સુચવી તેને જ આ માન-હોદો-બેઠક મળે તેનુ વાતાવરણ સર્જવુ.

જો કે આ બધી ચર્ચાઓ થઇ રહી છે. વાસ્તવીકતા કંઇ અલગ પણ હોઇ શકે છે આમ છતા ખોડલધામ ખાતે પક્ષાપક્ષીથી પર રહી, સમાજ માટે ચિંતન કરવા દર ૩ મહિને મળવાનું પણ નકકી થયું છે તેને રસપુર્વક નિહાળવામાં આવી રહેલ છે.

(11:33 am IST)