Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

મોરબીની જુથ અથડામણમાં ફાયરીંગ- ૨ના મોત બાદ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

બંન્ને પક્ષે સામસામી ફરિયાદો : ઇજાગ્રસ્તોને રજા અપાયા બાદ ધરપકડની તજવીજ

મોરબી : તસ્વીરમાં બંન્ને મૃતકોના ફાઇલ ફોટો ઘટના સ્થળ, લોકોના ટોળા તથા પોલીસ ટીમ નજરે પડે છે. (તસ્વીરઃ પ્રવિણ વ્યાસ-મોરબી)

(પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબી,તા. ૨૧: મોરબીના ખાટકીવાસ વિસ્તારમાં આજે મારામારીની ઘટના બની હતી અને મારામારી બાદ મામલો બીચકતા ફાયરીંગ કરવામાં આવ્યું હતું જે ફાયરીંગમાં બનાવમાં એક યુવાનનું મોરબી ખાતે જયારે અન્ય એકને રાજકોટ સારવાર માટે ખસેડતી વેળાએ મોત થયું હતું બનાવમાં બે યુવાનના મોત થયા છે તો શહેરના નામચીન શખ્શ સહિતના ચારને ઈજા પહોંચતા રાજકોટ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

મોરબીના શકિત ચોક નજીક ખાટકીવાસ વિસ્તારમાં આવેલ બારશાખ રજપુત શેરીમાં આજે બપોરના સુમારે મારામારીની ઘટના બની હતી બાઈક અથડાયા બાદ બે જૂથ સામસામે આવી ગયા હતા અને મારામારીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યા બાદ ફાયરીંગ કરવામાં આવ્યું હોય જે ફાયરીંગમાં ૩૨ વર્ષના આદીલ રફીકભાઈ નામના યુવાનનું મોત થયું છે જેના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડાયો છે તો તે ઉપરાંત મહમદ ઉર્ફે મમુ કાસમાંણી (મમુ દાઢી),ઈમ્તિયાઝ મહમદ કાસમાંણી,ઇમરાન સલીમ કાસમાંણી અને કાદિર સલીમ કાસમાણી સહીત પાંચને ઈજા થતા રાજકોટ સારવાર અર્થે ખસેડાયા હતા જે પૈકી ઇમરાન કાસમાંણીનું મોત થતા ઘટનામાં કુલ બે યુવાનના મોત થયા છે તો અન્ય લોકો સારવાર લઇ રહ્યા છે.

મારામારી બાદ ૨ થી ૩ ત્રણ રાઉન્ડ ફાયરીંગ થયાની માહિતી પ્રાપ્ત થઇ છે તો બઘડાટીમાં બાઈકમાં તોડફોડ થવા પામી હતી સાથે જ સ્થળ પરથી ધોકા જેવા હથિયારો પણ મળી આવ્યા હતા હાલ વિસ્તારમાં પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે મૃતક આદીલ નામનો યુવાન સુન્ની મુસ્લિમ સમાજનો પ્રમુખના પુત્ર હોવાનું જાણવા મળ્યું છે.

સારવાર માટે ખાનગી હોસ્પીટલ  એકત્ર થયા ત્યારે પણ માથાકૂટ

ખાટકીવાસમાં થયેલી માથાકૂટ બાદ બંને પક્ષના ઈજાગ્રસ્તો શહેરની ખાનગી હોસ્પિટલ સારવાર માટે પહોંચ્યા હતા ત્યારે હોસ્પિટલ ખાતે પણ માથાકૂટ થઇ હતી અને હવામાં ફાયરીંગ થયાનું પણ સુત્રો જણાવી રહ્યા છે

સુન્ની મુસ્લિમ સમાજના અગ્રણીના પુત્રના મોતથી શોકનું મોજું ફરી વળ્યું

ખાટકીવાસમાં આજે નજીવી બાબતે થયેલી તકરારમાં ખૂની ખેલ ખેલાયો હતો જેમાં સુન્ની મુસ્લિમ સમાજ પ્રમુખ રફીકભાઈના પુત્ર આદીલનું મોત થયું હતું તો સુન્ની મુસ્લિમ સમાજ અગ્રણીના પુત્રના મોતને પગલે વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું તો વાતાવરણમાં તંગદીલી જોવા મળી હતી.

એલસીબી, એસઓજી અને  સ્થાનિક પોલીસ ટીમો દોડી

આજે બપોરના સમયે ખાટકીવાસ વિસ્તારમાં માથાકૂટ થયા બાદ ફાયરીંગની ઘટનાને પગલે જીલ્લા એસપી એસ આર ઓડેદરા, ડીવાયએસપી રાધિકા ભારાઈ, તેમજ સીપીઆઈ આઈ એમ કોઢિયા,એસઓજી પીઆઇ જે એમ આલ. એલસીબી પીએસઆઈ એન બી ડાભી, તેમજ એ ડીવીઝન અને બી ડીવીઝન પોલીસની ટીમો સ્થળ પર દોડી ગઈ હતી તો તંગદીલીના પગલે કોઈ અનિચ્છનીય બનાવ ના બને તેવા હેતુથી બી ડીવીઝન પોલીસનો કાફલો સ્થળ પર બંદોબસ્ત માટે તૈનાત કરવામાં આવ્યો હતો.

સામસામી ફરિયાદ નોંધાઈ

ફરિયાદી રફીક રજાકભાઈ માંડલિયા ઉર્ફે લોખંડવાલાએ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી રફીક તથા આરોપી હનીફભાઈ ઉર્ફે મમુ દાઢી બંને એક જ શેરીમાં રહેતા હોય અને ફરિયાદી રફીકભાઈના દીકરાઓ શેરીમાંથી કામધંધા માટે મોટર સાઈકલ લઈને આવતા જતા હોય જેથી આરોપી હનીફ ઉર્ફે મમુ દાઢીને સારું નહિ લાગતા આરોપી શબ્બીર સલીમ સાથે ફરિયાદી રફીકભાઈના દીકરા અનીશને સામાન્ય બોલચાલી થતા જેનો ખાર રાખી આરોપી હનીફ ઉર્ફે મમુ દાઢી તથા આરોપી અલ્તાફ ઉર્ફે જગીરો,ઈમ્તિયાઝ સહિતના પિસ્તોલ જેવા હથિયારથી તથા શબ્બીર સલીમે ફરિયાદી રફીકભાઈ તથા સાહેદ પર પિસ્તોલ જેવા હથિયાર વડે ફાયરીંગ કરી લોખંડના પાઈપ તથા લાકડાના ધોકા વડે ઈજા કરી માર મારી તથા ફરિયાદી રફીકભીના દીકરાને સારવારમાં લઇ જતા ત્યાં પણ આરોપી ઇમરાન ઉર્ફે ટાવર મહેબુબ ચાનિયા તથા અલ્તાફ અહેમદ ઇકબાલ બકાલી તથા શબ્બીર મેમણ તથા યાસિક રજાકભાઈ મુરધીવાળા તથા કદારભાઈ સલીમભાઈ બાનાણી એ ઝધડો કરી પિસ્તોલ જેવા હથિયારથી ફાયરીંગ કરતા ફરિયાદી રફીકભાઈના દીકરા રઉફને ખભામાં ઈજા કરી આરોપીઓએ પિસ્તોલ જેવા હથિયારથી ફાયરીંગ કરી ધાતક હથિયારો વડે હુમલો કરી ફરિયાદી રફીકભાઈના દીકરા આદીલનું મોત નીપજાવી ફરિયાદી તથા સાહેદોને ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોધવી છે

તો સામાપક્ષે ઈમ્તિયાઝ હનીફભાઈ કાસમાણીએ આરોપી રફીકભાઈ રજાકભાઈ માંડલીયા, હનીફભાઈ રજાકભાઈ માંડલીયા, આદીલ રફીકભાઈ માંડલીયા, આશીફ રફીકભાઈ માંડલીયા, રઉફ રફીકભાઈ માંડલીયા, હનીફભાઈનો દીકરો તથા ચાર અજાણ્યા શખ્સોએ સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છેકે આરોપીઓ શેરીમાં મોટર સાઈકલ સ્પીડમાં ચલાવતા હોય જેથી ફરિયાદીના પિતાએ આરોપીઓને મોટર સાઈકલ સ્પીડમાં નહિ ચલાવવા બાબતે સમજાવવા જતા આરોપીઓને સારું નહિ લાગતા આરોપીઓએ છરી, તલવાર, ધારિયા, લોખંડના પાઈપ જેવા હથિયાર ધારણ કરી ફરિયાદી ઈમ્તિયાઝ તથા સાહેદોને શરીરે આડેધડ માર મારી સાહેદ ઇમરાન સલીમ કાસમાણીનું મૃત્યુ નીપજાવી ફરિયાદી તથા સાહેદોને ઈજા પહોચાડી હોવાની ફરિયાદ નોધાવી છે

તો મોરબી એ ડીવીઝન પોલીસે ૩૦૨, ૩૨૩, ૩૨૫, ૫૦૪, ૫૦૬(૨), ૧૪૩, ૧૪૭, ૧૪૮,૧૪૯, જીપીએ કલમ ૩૭(૧),૧૩૫, આર્મ્સ એકટ મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(11:30 am IST)