Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

દબંગ પુત્રવધુએ ગોંડલ મકાનનો કબ્જો કરી રાજકોટ રહેવાં ચાલ્યાં ગયેલાં સાસુ સસરાનાં ઘરે જઇ દબંગગીરી કરી..

ઉલ્ટી ગંગા... પુત્રવધુનાં ત્રાસથી વૃધ્ધ સાસુ સસરા પોલીસનાં શરણે

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ, તા.૨૧: ગોંડલમાં તબીબનાં પત્ની દ્વારા સ્ત્રી તરફી કાયદાનો ગેરઉપયોગ કરી વૃધ્ધ સાસુ સસરાને રાજકોટ ભાડાનાં મકાનમાં રહેવાં મજબુર કર્યા બાદ દબંગ પુત્રવધુ રાજકોટ પંહોચી સાસુ સસરા અને પતિ ને ધમકાવી ખોટાં કેસ માં ફીટ કરી દેવાની ધમકી આપી ધમાલ મચાવતાં વૃધ્ધ દંપતી પોલીસ સ્ટેશન દોડી જઇ પુત્રવધુ નાં ત્રાસ થી છોડાવવાં અરજ કરી હતી.

સ્ત્રી તરફી કાયદા નો ગેરઉપયોગની અનેક ઘટનાઓ ઉચ્ચ વગઁ નાં પરીવારો માં બનતી હોય છે.જેનો ભોગ બની કેટલાક બનાવોમાં પ્રતિષ્ઠીત વ્યકિતઓ ને જેલ નાં સળીયા ગણવાં પડયાં છે.

સમાજ માટે લાલબતી સમાન ઘટનાંની પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ નાં લક્ષ્મીનગર મેઇનરોડ ત્રિમૂર્તિ ટાવરમાં રહેતાં મુળ ગોંડલ નાં નિવૃત શિક્ષક મનજીભાઈ ધનજીભાઈ સાવલીયા એ માલવીયાનગર પોલીસ ચોકી માં રજુઆત માં જણાવ્યું કે તેમની પુત્રવધુ હિરલે શનિવાર નાં છઠ્ઠા માળે આવેલાં તેમનાં ભાડાં નાં ફ્લેટ પર ધસી જઇ રાડારાડી કરી જોરથી બારણું ખખડાવ્યું હતું.દેકારો સાંભળી સિકયુરિટી મેન દોડી આવતાં હિરલે તેની સાથે જગડો કરી ધક્કે ચડાવ્યો હતો.હું તમને બધાં ને ખોટાં કેસ માં ફીટ કરી સલવાડી દઇશ.તેવી ધમકી આપી હિરલે દેકારો કરતાં હું તથાં મારાં પત્ની અને પૌત્રી ડર નાં માર્યા રુમ માં ભરાઇ ગયાં હતાં.હિરલે તેની પુત્રી જે અમારી સાથે છે તેને લઇ જવાં ની ધમકી આપી હતી.બાદ માં હિરલ ચાલી જતાં મેં મારાં પુત્ર ડોકટર લક્ષીત ને ફોન થી જાણ કરતાં તે ગોંડલ થી દોડી આવ્યો હતો.

મનજીભાઈ સાવલીયા એ વધુમાં જણાવ્યું કે મારો પુત્ર લક્ષીત ગોંડલ માં ડેન્ટીસ હોઈ દવાખાનું ચલાવે છે.તેનાં લગ્ન કુંકાવાવનાં દેવગામનાં વાલજીભાઈ ભુસાની પુત્રી હિરલ સાથે વર્ષ ૨૦૧૧માં લગ્ન કર્યાં હતાં.

દરમ્યાન ગોંડલ અમારાં પરીવાર માં પુત્રવધુ હિરલ દ્વારા માનશીક ત્રાસ શરું થયો હતો. તામસી સ્વભાવની હિરલ ગુસ્સે થઇ મારાં પુત્ર અને પૌત્રીને મારઝૂડ પણ કરતી હતી. આ અંગે મારા પુત્ર એ પત્ની હિરલ સામે ગોંડલ પોલીસમાં માચઁ ૨૦૨૦માં ફરીયાદ પણ કરી હતી. ત્યારબાદ હિરલે અમારા પર કુંકાવાવ પોલીસ માં દહેજધારા અંગે ખોટી ફરિયાદ કરી હતી. કજીયા કંકાસથી ત્રસ્ત થઈ હું અને મારાં પત્ની રાજકોટ રહેવાં આવી ગયાં હતાં.હિરલ માવતરે ચાલી જતાં બાદ માં મારો પુત્ર લક્ષીત અને પૌત્રી પણ અમારી સાથે રાજકોટ રહેવાં આવી ગયાં હતાં.

દરમ્યાન જુલાઈ માસમાં મારા ગોંડલ સ્થીત મકાન નાં તાળાં તોડી હિરલે કબ્જો કરી લીધો હતો. જે આજ સુધી હોય અમે ગોંડલ જઇ શકતાં નથી.

ઝગડાળુ અને તામસી સ્વભાવની પુત્રવધુ કંઇ પણ કરી શકે તેમ હોય અમો સતત ડર અનુભવતાં હોય પુત્રવધુ સામે કાર્યવાહી કરવાં જણાવાયું હતું.

(10:02 am IST)