Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

BSF દ્વારા ઝડપાયેલ પાકિસ્તાની ખાલીદનું સૌરાષ્ટ્ર-કચ્છ કનેકશન ?

વ્હોટસએપ ગ્રુપની તપાસમાં ચોંકાવનારી માહિતી : કચ્છ સરહદે ઝડપાયેલ ખાલીદ પ્રથમ દ્રષ્ટિએ માછીમાર લાગતો નથીઃ એટીએસ સાથે એફએસએલ તપાસમાં જોડાઇ : અન્ય પાંચ પાકિસ્તાની નાસી છૂટયા હોવાની શંકા સાથે એજન્સીઓનું સર્ચ ઓપરેશન

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૨૧ : બીએસએફ દ્વારા ગઇકાલે કરછના ક્રીક એરિયામાં થી ઝડપાયેલ પાકિસ્તાની ઘૂસણખોર શંકાના દાયરામાં છે. પોતાને પાકિસ્તાનના સિંઘ પ્રાંતના શાહબંદરનો રહેવાસી બતાવનાર ૩૫ વર્ષીય ખાલીદ હુસેન ભલે માછલીઓની જાળ અને ડિઝલના કેરબા સાથે ઝડપાયો છે. પણ, તેની પાસેથી મળેલ મોબાઈલ ફોન એજન્સીઓના રડારમાં આવી ગયો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે પાકિસ્તાની ખાલીદ હુસેનની તપાસમાં એટીએસએ ઝુકાવ્યું છે. ખાલીદ હુસેનના હાથ અને પગ કોમળ હોઈ તે માછીમાર હોય તેવું પ્રથમ દ્વષ્ટિએ જણાતું નથી. દરિયામાં માછીમારી કરનાર માછીમારોના હાથ પગના આંગળા ઓ સતત ખારા પાણી અને જાળ સાથે માછલીઓ અલગ કરવાના કારણે સખત બની જાય છે.

વળી, એટીએસ ન્યૂઝન નામે જે વ્હોટસએપ ગ્રૂપ ઉપર નજર રાખી રહ્યું છે, તેમાં સૌરાષ્ટ્ર કચ્છનું કનેકશન છે, આ ગ્રુપમાં એકાએક ખાલીદ નો મોબાઈલ નંબર પણ ઉમેરાયો છે. આ વ્હોટસએપ ગ્રુપમાં સૌરાષ્ટ્ર કચ્છનું કનેકશન હોઈ એફએસએલ દ્વારા ખાલીદ ના મોબાઈલ ફોનની તપાસ શરૂ કરાઇ હોવાનું પણ સૂત્રો કહી રહ્યા છે.

દરમ્યાન બીએસએફ બટાલિયન ૧૦૮ ના ક્રોકોડાઈલ કમાન્ડો એ મધરાત્રે પાકિસ્તાની બોટ ઝડપી ત્યારે અન્ય પાંચ માછીમારો નાસી છૂટયા હોવાનું મનાઈ રહ્યું છે.

જયારે ખાલીદ હુસેનને ઝડપવામાં બીએસએફ સફળ રહ્યું હતું. જોકે, પાકિસ્તાનના વ્હોટસએપ નંબર ૯૨૩૧૨૦૨૩૮૪૨૫ સાથે સૌરાષ્ટ્ર, કચ્છ, ગુજરાતના કેટલાક મોબાઈલ નંબર સંપર્કમાં હોઈ એજન્સીઓ આ મામલે સઘન તપાસ કરી રહી છે.

(11:24 am IST)