Gujarati News

Gujarati News

News of Thursday, 21st November 2019

જૂનાગઢમાં બાળદિન સપ્તાહની ઉજવણી અંતર્ગત જાગૃતિ રેલી સહ સંમેલન યોજાયુ

જૂનાગઢઃ સમગ્ર જૂનાગઢ જિલ્લામાં તા. ૧૪ થી ૨૦ નવેમ્બર દરમ્યાન બાળદિન સપ્તાહ ઉજવાઇ રહ્યુ છે. તા. ૨૦મી નવેમ્બરનાં રોજ આંતરરાષ્ટ્રીય બાળદિન ઉજવણી અંતર્ગત જૂનાગઢ સરકારી ગર્લ્સ હાઈસ્કુલ પરિસરમાં જૂનાગઢનાં મેયર ધીરૂભાઇ ગોહેલે બાળ અધિકારો અંગે જાગૃતિ રેલીને પ્રસ્થાન કરાવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત શહેરનાં પ્રબુધ્ધ નગરજનોને સંબોધતા મેયર ધીરૂભાઇ ગોહેલે જણાવ્યુ હતુ કે સંયુકત રાષ્ટ્ર વર્ષ-૧૯૫૪થી 'ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન્સ ડે' ૨૦ નવેમ્બરના દિવસે ઉજવવામાં આવી રહ્યો છે, આપણાં રાષ્ટ્રનાં પ્રથમ પ્રધાનમંત્રીશ્રી જવાહરલાલ નહેરૂનાં જન્મદિવસ એટલે કે ૧૪મી નવેમ્બરેને રાષ્ટ્ર બાળદિવસ તરીકે ઉજવણી કરે છે. આથી તા. ૧૪ થી ૨૦ નવેમ્બર દરમ્યાન બાળદિન ઉજવણી સપ્તાહ અંતર્ગત બાળ અધિકારોની જાગૃતિ અંગે જૂનાગઢનાં નગરજનો દ્વારા રેલીનું આયોજન થયુ છે. બાળકોના સારા ઉછેરને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી બાળરેલી આજે નગરનાં રાજમાર્ગો પર જાગૃતિનો સંદેશો વહેતો કરશે. આ પ્રસંગે જિલ્લા માધ્યમિક શિક્ષણ અધિકારી નૈષધ મકવાણા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કે.એ.પટેલ સહિત નગરજનો, વિવિધ શૈક્ષણિક અને સેવાકીય સંસ્થાઓનાં પ્રતિનીધીશ્રીઓ, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી રેલીમાં જોડાયા હતા.

(1:12 pm IST)