Gujarati News

Gujarati News

News of Thursday, 21st November 2019

લોધીકા પંથકમાં ભેજવાળી મગફળી ન ખરીદતા ખેડૂતોમાં રોષ

ગયા વર્ષે અપુરતો વરસાદ, આ વખતે અતિવૃષ્ટિ અને હવે નાફેડના કેન્દ્ર દ્વારા થોડા-ઘણા ભેજવાળી મગફળી રીજેકટ થતા ખેડૂતો કફોડી સ્થિતિમાં

લોધીકા તા.૨૧ : લોધીકા પંથકના કિશાનો ઉપર મુશ્કેલી કેડો ન મૂકતી હોય તેમ છેલ્લા ત્રણ ત્રણ વર્ષ અપુરતો વરસાદ ચાલુ સીઝનમાં અતિવૃષ્ટિ અને હવે નાફેડના કેન્દ્ર દ્વારા થોડા ઘણા ભેજવાળી મગફળી રીજેકટ થતા જગતનો તાત જાએ તો જાયે કહા જેવી સ્થિતિમાં મૂકાય ગયેલ છે.

આ અંગે કિશાનોમાંથી થયેલ રજૂઆત મુજબ નાફેડ દ્વારા ટેકાના ભાવે મગફળીના કેન્દ્રો શરૂ કરાયા છે ત્યારે લોધીકા પંથકના કિશાનો મસમોટા વાહન ભાડા દઇને રાજકોટ ખાતેના કેન્દ્રમાં મગફળી વેચાણ માટે ગયેલ ત્યા સામાન્ય ભેજવાળી મગફળીને પણ રીજેકટ કરવામાં આવતી હોવાના કારણે કિશાનોમાં રોષની લાગણી વ્યાપી ગયેલ છે.

આ સાલ તાલુકામાં પપ ઇંચ જેવો અતિ વરસાદને લઇ અતિવૃષ્ટિની સ્થિતિ વચ્ચે કિશાનોના ઉભા મોલમાં વ્યાપક નુકશાની આવેલ ઘણા ખેડૂતોના મગફળીના પાકને વરસાદને લઇ પાક નિષ્ફળ ગયેલ તથા પશુઓનો પાલો પણ નષ્ટ થઇ ગયેલ છે. આમ સતત વરસાદને લઇ મગફળીમાં ભેજનું પ્રમાણ થોડુ વધારે હોયતે સ્વાભાવીક છે.

પરંતુ આ પંથકના કિશાનો પોતાની મગફળી લઇ રાજકોટ ખાતેના નાફેડ કેન્દ્રમાં ટેકાના ભાવે વેચાણ કરવા જાય છે કિશાનો લાંબી લાઇનમાં ઉભા રહે છે પરંતુ હિન્દી ભાષી સરકારી બાબુઓ ખેડૂતોની વેદના સમજયા વગર પણ ૮%ના નિયમથી થોડુ પણ ભેજનુ પ્રમાણ વધુ હોય તો માલ રીજેકટ કરી દેતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહેલ છે.

ઉછી ઉધારા કરી મોંઘી દવા, બિયારણનો ખર્ચ કરી માલ તૈયાર કરનાર કિશાનોની મગફળી રીજેકટ થઇ રહેલ હોય ફરજીયાત કિશાનોને ખુલ્લા કેન્દ્રોમાં નીચા ભાવે મગફળી વેચવાનો વારો આવેલ છે. સરકારની આ રીતી નિતીનો વિરોધ થઇ રહેલ છે. એક તરફ કિશાનોની આવક બમણી થાય તેવી વાતો થાય છે તો બીજી તરફ ખેડૂતોને પોતાની જણસોના પુરતા ભાવ મળતા નથી અને ખોટ ખાઇ વેચાણ કરવાની નોબત આવે છે.

ત્યારે આ અંગે ચાંદલીના કિશાન દિલીપસિંહ જાડેજા, વિનુભાઇ ઘેટીયા, મહેશભાઇ સોરઠીયા, યુવરાજસિંહ, આંબાભાઇ રાખૈયા, સબળસિંહ જાડેજા, લખમણભાઇ સોજીત્રા સહિતના કિશાનોએ આ અંગે તુરંત ઘટતુ કરવા રજૂઆત કરેલ છે.

(12:02 pm IST)