Gujarati News

Gujarati News

News of Thursday, 21st November 2019

આંખે પાટા બાંધી હેરકટ કરતા નિશા મોદી

ભાવનગરના વૈષ્ણવ જૈન જ્ઞાતિના આ બહેન હેરકટના વિનામૂલ્યે કાર્યક્રમો આપે છે : યોગામાં સ્ટેટ લેવલના ચેમ્પિયન : સહેનાઝ હુસેનને ગુરૂ માને છે

રાજકોટ, તા. ૨૧ : 'મન હોય તો માળવે જવાય' આ કહેવતને નિશા મોદીએ યર્થાથ ઠેરવી છે. ખુલ્લી આંખે તો હર કોઈ હેરકટ કરી શકે પરંતુ આ બહેન તો આંખે પાટા બાંધી હેરકટ કરે છે. બહેનો માટેના વિનામૂલ્યે કાર્યક્રમો આપે છે.

મુળ ભાવનગરના અને વૈષ્ણવ જૈન સમાજમાંથી આવતા નિશાબેને કહ્યું કે એક સમય એવો હતો કે જયારે આંખે પાટા બાંધી હેરકટ કરતી ત્યારે મારૂ બ્લડપ્રેશર ડાઉન થઈ જતું પરંતુ મારે કંઈક અલગ કરવાની ખેવના હતી. ધીમે - ધીમે જાતે જ તાલીમ લીધી અને આજે બહેનો માટે ગામે ગામ આંખે પાટા બાંધી હેરકટ કરવાના કાર્યક્રમો યોજે છે. તેઓના દરેક કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં બહેનો લાભ લેતા હોય છે. તેઓ આ કાર્યક્રમો માટે કોઈપણ ચાર્જ લેતા નથી. અત્યાર સુધીમાં તેઓએ ૩૪૯ જેટલા કાર્યક્રમો આપ્યા છે.

નિશાબેન જાણીતા હેરસ્ટાઈલીસ્ટ શહેનાઝ હુસૈનને પોતાના ગુરૂ માને છે. ગમે તેવા વાળ હોય તેને ચમક આપી નવો લૂક આપે છે. આ કાર્યમાં તેમની ૧૭ વર્ષથી માસ્ટરી છે. આ ઉપરાંત તેઓ હર્બલ ટ્રીટમેન્ટમાં પણ માસ્ટરી ધરાવે છે. હેરકટીંગની સાથે તેઓ યોગા પણ નિયમિત કરે છે. તેઓ યોગાના સ્ટેટ લેવલના ચેમ્પિયન પણ છે. બહેનોએ વિનામૂલ્યે કાર્યક્રમ યોજવા તેમજ વધુ માહિતી માટે ક્રિષ્ના બ્યુટી પાર્લર, મર્ચન્ટ પાર્ક, પિલ ગાર્ડન પાછળ, માજીરાજ ગેસ્ટ હાઉસની પાછળ, જમોદ સ્કુલની સામે, ભાવનગર. મો.૯૦૩૩૮ ૪૩૪૬૪ ખાતે સંપર્ક કરી શકાય છે.

તસ્વીરમાં નિશાબેન મોદી સાથે મેકઅપ આર્ટીસ્ટ રીટા મોદી નજરે પડે છે. (તસ્વીરઃ વિક્રમ ડાભી)

(11:59 am IST)