Gujarati News

Gujarati News

News of Thursday, 21st November 2019

મોરબી : રવિસીઝન માટે ડેમોમાંથી સિંચાઇ માટે પાણી આપવા સિંચાઇ મંત્રીને રજુઆત

મોરબી,તા.૨૧:ચાલુ વર્ષે અતિવર્ષાને પગલે ખરીફ સીઝનનો પાક નિષ્ફળ ગયેલ છે અને ખેડૂતો પરેશાન છે જેથી રવિ સીઝન માટે ડેમોમાંથી સિંચાઈનું પાણી આપવા માટે સિંચાઈ મંત્રીને રજુઆત કરવામાં આવી છે

ઇન્ટરનેશનલ હુમન રાઈટ્સ એસોના જનરલ સેક્રેટરી કાંતિલાલ બાવરવાએ સિંચાઈ મંત્રીને રજુઆતમાં લખીને જણાવ્યું છે કે ખરીફ સિઝનમાં ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે અને હવે રવિ સિઝનની શરૂઆત થઈ છે. પરંતુ તંત્ર દ્વારા દ્યણી બધી જગ્યાઓએ રવિ સિઝન માટે સિંચાઇનું પાણી કેનાલ દ્વારા આપવામાં માટેનું આયોજન કરેલ નથી ખેડૂતોને એક તરફ ચોમાસાની ખરીફ સિઝન સંપૂર્ણ નિષ્ફળ ગયેલ છે અને હવે એક માત્ર રવિ સિઝન તરફ જગતનો તાત નજર કરીને બેઠો છે ત્યારે તંત્ર તરફથી કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા ખેડૂતો રવિ સિઝન પણ ગુમાવશે તેવું લાગી રહ્યું છે. ખેડૂતો રવિ સિઝનનો લાભ લઈ શકે તે માટે તાત્કાલિક આઠ દિવસમાં દરેક ડેમોમાંથી કેનાલ દ્વારા સિંચાઇનું પાણી આપવાનું ચાલુ કરવામાં આવે તેવી માંગ કરી છે અને જો યોગ્ય પગલા તાકીદે લેવામાં ના આવે તો ખેડૂતોને સાથે રાખીને ગાંધી ચિધ્યા માર્ગે રજૂઆત કરવાની ફરજ પડશે તેમ પણ જણાવ્યું છે.

ઇન્ડીયન લાયન્સ કલબનું સ્નેહમિલન યોજાયું

ઇન્ડિયન લાયન્સ કલબ મોરબીના સભ્યોનું નવા વર્ષનું સ્નેહમિલન તથા સ્નેહ ભોજન અને નવા સભ્યોના સ્વાગત કરી કલબમાં આવકાર આપવાનો કાર્યક્રમ યોજાયો હતો ઇન્ડિયન લાયન્સ કલબ મોરબીના સ્નેહમિલન સમારોહમાં સભ્ય પરિવાર વચ્ચે ગેમ શો તોલ મોલ કે બોલનું આયોજન કરવામાં આવેલ જેમાં ગુજરાત સ્ટેટ સેક્રેટરી વિજયાબેન કટારીયા, રમણભાઈ મહેતા, નેશનલ બોર્ડના સભ્ય હસુભાઈ સોરીયા, ધીરૂભાઈ સુરેલીયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા  કાર્યક્રમમાં કલબના પ્રમુખ ભાવેશભાઈ દોશીએ સૌને આવકાર્યા હતા અને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી તે ઉપરાંત નવા સભ્યો અરજણભાઈ પટેલ, ધર્મેન્દ્રભાઈ અઢિયા, હિતેશભાઈ રવેશિયા, ભરતભાઈ તથા પ્રજ્ઞેશભાઈ પંડ્યાનો પરિચય આપી આવકાર અપાયો હતો અને સ્નેહભોજનનું આયોજન કર્યું હતું તેમ સંસ્થાના સેક્રેટરી હર્ષદભાઈ ગામીએ જણાવ્યું છે

સોનેજી પરિવાર દ્વારા ભાગવત સપ્તાહ

ખત્રીવાડમાં વસતા સોનેજી પરિવાર દ્વારા તા. ૨૬ સુધી શ્રીમાળી બ્રાહ્મણ જ્ઞાતિ વાડી, નાની બજાર મોરબી ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરેલ છે જેમાં શાસ્ત્રી નિખીલભાઈ જોષી પોતાની આગવી શૈલીમાં કથાનું રસપાન કરાવી રહ્યા છે

સોનેજી પરિવાર દ્વારા સર્વે પિતૃઓના આત્મ કલ્યાણ અર્થે આયોજીત શ્રીમદ ભાગવત સપ્તાહમાં દરરોજ સવારે ૯ થી ૧૨ કલાક અને બપોરે ૩ થી ૭ સુધી કથાનું રસપાન કરાવશે તેમજ તા. ૨૬ ના રોજ કથા વિરામ થશે દરમિયાન ભાગવત સપ્તાહમાં આવતા વિવિધ ધાર્મિક પ્રસંગોની પણ ઉજવણી કરવામાં આવશે

(11:30 am IST)