Gujarati News

Gujarati News

News of Thursday, 21st November 2019

ધારી ગીર પૂર્વ તુલશીશ્યામ રેન્જમાં ખેડૂત ઉપર હુમલો કરનાર સિંહણનુ મોતઃ કારણ અંગે તપાસ

અમરેલી તા. ૨૧: ગીર પૂર્વે તુલશીશ્યામ રેન્જમાં ભીમચાસ બીડ નેરામાંથી આજે ૧૦ વર્ષની સિંહણનો મૃતદેહ મળી આવ્યો હતો. આ અંગેની જાણ થતા જ વન વિભાગની ટીમો ઘટના સ્થળે દોડી ગઇ હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જસાધાર સ્થિત એનિમલ કેર સેન્ટરમાં ખસેડવામાં આવ્યો હતો. આ અંગે પીસીસીએફ વસાવડચાનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યુ કે સિંહણનો મૃતદેહ મળી આવ્યો છે અને હજુ સુધી મોતનુ કોઇ કારણ જાહેર કરી શકાય તેમ નથી. પીએમનો રિપોર્ટ આવ્યા બાદ જ મોતનુ કારણ બહાર આવશે તેમ જણાવ્યુ હતુ. બીજી તરફ આ વિસ્તારમાં રહેતી આ સિંહણ છેલ્લા કેટલાક સમયથી હડકાઇ થઇ હોય તેવા લક્ષણો જોવામાં આવ્યા હતા અને તે પશુપાલકોની પાછળ દોટ મૂકતી હતી.

બે દિવસ પહેલા દાઢીનેસના જંગલામાં આ જ સિંહણે કાળુભાઇ નામના માલધારી પર હુમલો કયો હતો અને તેમા માલધારીને ઈજા થઇ હતી. બાદમાં અચાનક જ ભેદી સંજોગોમાં આ સિંહણનુ મોત થતા ભારે ચકચાર મચી જવા પામી છે.

ધારી ગીર પૂર્વમાં સિંહોની માઠી બેઠી હોય તેમ એક જ પખવાડીયામાં ત્રણ સિંહોના મોત થયા છે. જે ખાંભાના નાગેશ્રી રોડ પર  વાહન હડફેટે સિંહ, જાફરાબાદના માણસામાં એક સિંહનુ મોત અને ફરી આજે એક સિંહણનું મોત થતા પખવાડીયામાં સિંહના મોતની ત્રણ ઘટનાઓ બની છે.  જેથી સિંહોની સુરક્ષા સામે ફરી અનેક સવાલો ખડા થયા છે.

(11:28 am IST)