Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

મોરબીમાં ખેડૂતોના હલ્લાબોલ બાદ તંત્ર દ્વારા કેનાલમાં પાણી ચોરી રોકવા આદેશ

મોરબી, તા.૨૧: મોરબી જીલ્લામાંથી નર્મદાની ત્રણ બ્રાંચ કેનાલ પસાર થતી હોય જેમાં વ્યાપક પાણીચોરી ને પગલે ખેડૂતોને પાણી મળતું ના હોય જેથી ગઈકાલે ખેડૂતોએ કરેલા હલ્લાબોલ બાદ આખરે તંત્રને ફરજનું ભાન થયું છે અને ત્રણેય કેનાલમાંથી પાણીચોરી રોકવા માટે આદેશ આપવામાં આવ્યા છે .

મોરબી તાલુકાના ૨૦ થી વધુ ગામના ખેડૂતોને સિંચાઈનું પાણી મળતું ના હોય અને રવિપાકનું વાવેતર કર્યું હોય જેથી પાણીના અભાવે વાવેતર નિષ્ફળ જવાની ભીતિ વચ્ચે જીલ્લા કલેકટરને આવેદન પાઠવવામાં આવ્યું હતું જેમાં પાણીચોરી રોકવાની મુખ્ય માંગ કરવામાં આવી હતી અને જો યોગ્ય પગલા ના ભરાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી જેને પગલે તંત્ર દ્વારા યોગ્ય પગલા ભરવાની ખાતરી મળી હતી તો સાંજના સુમારે જીલ્લા કલેકટર દ્વારા જીલ્લાની ત્રણેય નર્મદા કેનાલમાં પાણીચોરી રોકવા આદેશ આપવામાં આવ્યા છે જેમાં ત્રણેય કેનાલો માટે ત્રણ ટીમની રચના કરી છે જેમાં દરેક ટીમમાં સાત સાત અધિકારી અને કર્મચારીઓનો સમાવેશ કરીને બંદોબસ્ત સાથે કેનાલનું પેટ્રોલિંગ કરવા અને પાણીચોરી રોકવાના આદેશ કરવામાં આવ્યા છે તો પાણીચોરી કરતા ઈસમો સામે ફોજદારી ફરિયાદ નોંધાવવા માટે પણ જણાવ્યું છે અને આકરા પગલા ભરવા માટેની સુચના આપવામાં આવી છે.

(2:53 pm IST)